એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને મેક ઈન ઈન્ડિયા: ગાજ્યા મેઘ કેટલા વરસ્યા?

ઉત્સવ

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

વર્તમાન ગ્લોબલ સંજોગો-અનિશ્ર્ચિંતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સમાન કક્ષાના અન્ય દેશોની સરખામણીએ સારી સ્થિતિમાં હોવાનો દાવો થાય છે. જોકે દેશમાં સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયાની જે વાતો થઈ છે તે મામલે હજી ધારી સફળતા મળી નથી. એમએસએમઈ પણ સતત સંઘર્ષ કરતા રહ્યા છે. પરિણામે રોજગાર સર્જનના મામલે ચિંતા એવી ને એવી છે. નાના-મધ્યમ વેપારીઓની દશા પણ બહુ સારી નથી. એક તરફ કરબોજ અને બીજી તરફ નીતિવિષયક બાબતો વિકાસમાં અવરોધ બનતી હોવાની ફરિયાદો પણ છે.
આત્મનિર્ભર ભારતમાં જેની ચાવીરૂપ ભૂમિકા છે તે અતિલઘુ, લઘુ, મધ્યમ એકમો-સાહસો (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીસ) માટે સરકાર નીતિવિષયક ફેરફાર લાવી રહી છે. સરકાર આ સેકટરને પ્રોત્સાહન આપવા ઉત્સુક છે, આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. થોડા વખત પૂર્વે ઉદ્યમી ભારત કાર્યક્રમ હેઠળ નાના સાહસિકોના મહત્વને ધ્યાનમાં રાખી તેમણે આ વાત ઉચ્ચારી હતી. આ માટે તેમણે નાના ઉધમીઓને સરકારની ઈ-માર્કેટપ્લેસ સાથે રજિસ્ટર્ડ થવા અનુરોધ કર્યો. એમએસએમઈ માટે સરકારે છેલ્લા આઠ વરસમાં તેનું બજેટ ૬૫૦ ટકા વધાર્યું હોવાનું પણ કહયું. જોકે હાલમાં નાના વેપારીઓ સતત હેરાન-પરેશાન છે. જીએસટીના ભારથી તેમ જ ઈ-કોમર્સ કે ઓનલાઈન બિઝનેસના વ્યાપથી નાના વર્ગના ધંધાને ભારે અસર પડી છે, કિંતુ ઈ-કોમર્સ એ સમયની માગ અને જરૂરીયાત બની ગઈ હોવાથી કંઈક અંશે નાના વેપારીઓ અને કંઈક અંશે સરકાર જવાબદાર કે લાચાર છે.
મેક ઈન ઈન્ડિયા: વૃદ્ધિદર ડાઉન
મોટા સાહસોની વાત કરીએ તો મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ સરકાર તરફથી તેમને પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્સ સ્કિમ, કરરાહત સહિત વિવિધ પ્રોત્સાહન આપવાના પ્રયાસ ચાલુ છે. જોકે ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં ઉત્પાદનનો વાર્ષિક વૃદ્ધિદર સરેરાશ ૬.૯ ટકા રહ્યો છે. તેમાં અપેક્ષિત વૃદ્ધિ થઈ નથી. જીડીપી સામે ઉત્પાદનનો હિસ્સો આ વરસોમાં ૧૬.૩ ટકાની સામે ૨૦૨૧ સુધીમાં ઘટીને ૧૪.૩ ટકા રહયો છે. આમ હજી મેક ઈન ઈન્ડિયાને અપેક્ષિત સફળતા મળી ગણાય નહીં. હા, સીધું વિદેશી રોકાણ પ્રવાહ અમુકઅંશે વધતો થયો. નવા પ્રોજેકટસ આવવાની જાહેરાતો પણ થઈ, પણ હજી કાગળ પર ઘણું છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મામલે પણ નક્કર વ્યવહારુંં સુધારા ઓછાં થયા છે. સ્ટાર્ટઅપ્સને પણ ભરપૂર રાહત-પ્રોત્સાહન આપવામાં આવ્યા હોવાનો દાવો થાય છે. પરંતુ તેના અપેક્ષિત પરિણામ દેખાતા નથી. અર્થતંત્ર વિકસી રહ્યું હોવા છતાં નાના-મધ્યમ વર્ગ એક યા બીજા કારણસર પાછળ રહી જતા હોવાનું નોંધાયું છે.
બિઝનેસ પરિમાણોમાં પરિવર્તન
અલબત્ત, અમુક પ્રકારના સ્ટાર્ટઅપ્સના આગમન બાદ બિઝનેસના પરિમાણો ધરમૂળથી બદલાઈ રહ્યા છે, આનો સૌથી વધુ યશ ટેકનોલોજીને આપવો પડે. જયારે કે આ પરિવર્તનનું નિમિત્ત બનવાનો યશ કોવિડ-૧૯ ને પણ આપી શકાય. આગામી ત્રણ-ચાર વરસમાં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ૫૦ અબજ ડોલરથી વધુ રોકાણ આવવાની અપેક્ષા છે. આ સાથે કરુણતા એ પણ ખરી કે પેટીએમ, ઝોમેટો, દેલ્હીવેરી, પૉલિસીબાઝાર, નાયકા, વગેરે જેવા સાહસો આઈપીઓ લાવીને નાણાં ઊભા કરી ગયા, જેમાં મહદઅંશે નાના રોકાણકારોએ નાણાં ખોયા છે. સ્ટાર્ટઅપ્સની વાત છોડો, એલઆઇસી જેવા સરકારી જાયન્ટ સાહસના આઈપીઓએ પણ રોકાણકારોને રડાવ્યા છે. ચોકકસ સ્ટાર્ટઅપ્સની નિષ્ફળતાને ધ્યાનમાં રાખી અન્ય સાહસો મૂડીબજારમાં આવવાની હિંમત કરી શકતા નથી, કેમ કે તેમને રોકાણકારો પ્રતિસાદ નહી આપે એવો ભય છે. વેન્ચર કેપિટલ-ફંડસ કે પ્રાઈવેટ ઈક્વિટીઝ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવાનું જોખમ લેવા તૈયાર છે, પણ હવે તેના સંજોગો પણ બદલાઈ રહ્યા છે.
સ્ટાર્ટઅપ્સ માટે નિયમોના સુધારા
સ્ટાર્ટઅપ્સના મામલે ભારત વિશ્ર્વમાં યુએસએ અને ચીન બાદ ત્રીજા ક્રમે આવે છે. સરકાર તેને નંબર વનના સ્થાને લઈ જવા માગે છે. સરકારી દાવા અનુસાર તેણે સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ કરવાનું સરળ બનાવવા ૫૦ જેટલાં નિયમનકારી સુધારા કર્યા છે. જયારે કે હાલ ગ્લોબલ સંજોગો તેમાં અવરોધ બની ઊભા છે. તાજેતરના એક અભ્યાસ મુજબ વરસ ૨૦૨૫ સુધીમાં ભારતમાં ૧૫૦ પાવરફુલ સ્ટાર્ટઅપ કંપનીઓ યુનિકોર્ન તરીકે ઊભરશે. આમાંથી કેટલાંક ઘરગથ્થુ કામકાજમાંથી સર્જાયેલા બિઝનેસ પણ હોઈ શકે. આમ તો વરસ ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં ભારતના ૫૫,૦૦૦ સ્ટાર્ટઅપ્સે અંદાજિત ૭૦ અબજ ડોલર જેટલું ભંડોળ ઊભું કર્યું છે. જેમાં વેન્ચર કેપિટલ અને પ્રાઈવેટ ઈક્વિટીઝે નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ અભ્યાસ પ્રમાણે ભારતમાં આગામી ત્રણથી ચાર વરસોમાં ૧૦,૦૦૦ અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યકિતઓ હશે, જેમાં બિઝનેસ લીડર-સાહસિકો- ડિજિટલ ઍન્ટ્રોપ્રેન્યોર, સેલિબ્રિટીઝ, એનઆરઆઈ, વગેરે લોકોનો સમાવેશ હશે. આ લોકો પાસે ૭૦૦ અબજ ડોલર જેટલું ભંડોળ હશે. હાલમાં ભારતની ટેકનોલોજી સંબંધી ૨૫૦ પ્રાઈવેટ કંપનીઓ ૧૦૦ મિલિયન ડોલરથી વધુ વેલ્યુએશન ધરાવે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ૧૦૦ યુનિકોર્ન કંપનીઓ ઊભી થઈ છે, જેમનું કુલ માર્કેટ કેપ ૨૪૦ અબજ ડોલર જેટલું છે, જે ચીન અને યુએસની નજીક સરકી રહ્યું છે, આપણા દેશમાં ઈન્ટરનેટ આધારિત સ્ટાર્ટઅપ્સમાં જોખમ લેવાની ક્ષમતા વધી છે. ગયા પાંચ વરસમાં ઈન્ટરનેટ બેઝડ સ્ટાર્ટઅપ્સમાં ૬૦ અબજ ડોલરનું રોકાણ થયું છે, જેમાં એકલા ૨૦૨૦માં ૧૨ અબજ ડોલરનું રોકાણ થયું છે. યુએસ અને ચીનમાં જેઓ આવી કંપનીઓમાં મહત્તમ રોકાણ કરતા હોય છે એ વેન્ચર કેપિટલ, પ્રાઈવેટ ઈક્વિટી અને ટેકનોલોજી ફંડ હવે ભારત તરફ વધુ નજર દોડાવી રહ્યા છે.
સ્ટાર્ટઅપ્સની સફળતાની સાર્થકતા શેમાં?
હવે જો સ્ટાર્ટઅપ્સ સફળ થશે તો સ્ટોક માર્કેટ પર લિસ્ટિંગ માટે ફરી કતાર લાગી શકે. બીએસઈ અને એનએસઈના મંચ પર હાલ
માત્ર ગણ્યાગાંઠયા સ્ટાર્ટઅપ લિસ્ટડે છે. નિયમન સંસ્થા સેબી સ્ટાર્ટઅપ્સ માટેના લિસ્ટિંગ નિયમો વધુ હળવા કરવાની વાતો કરી રહી છે. જેથી ઈનોવેટર્સ સાહસિકોને પ્રોત્સાહન મળે. સેબી આને ઈનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મ કહે છે. નવા નિયમોમાં સ્ટાર્ટઅપ સાહસોમાં શરૂઆતથી રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને વહેલાસર બહાર નીકળવાની તક મળે એવી જોગવાઈ કરાઈ રહી છે. જેમાં વેન્ચર કેપિટલ સહિતના મોટા ફંડસના રોકાણકારોનો સમાવેશ થતો હોય છે. અન્યથા તેઓ લિસ્ટિંગ વિના લાંબા સમય માટે બંધાઈ જતા હોય છે. જયારે કે લિસ્ટીંગ તેમને લિક્વિડિટી-પ્રવાહિતા પૂરી પાડે છે.
ઍન્ટ્રોપ્રેન્યોરની એક નવી-ફર્સ્ટ જનરેશન તૈયાર થઈ રહી છે, જેઓ પાસે પોતાના પિતા કે પરિવારની કોઈ સંપત્તિ કે વારસો નહીં હોય, પણ પોતાની આઈડિયા, સાહસિકતા, બુદ્ધિક્ષમતા, આત્મવિશ્ર્વાસ અને જીગર હશે. સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધે એ જ માત્ર ગૌરવની કે સિદ્ધિની વાત નથી, તેને કારણે ખરેખર તો દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન મળે એ આવશ્યક છે તેમ જ એમએસએમઈ સેકટરમાં પણ રોજગાર સર્જન મહત્ત્વનું પરિબળ બનવું જોઈએ. મેક ઈન ઈન્ડિયાની સફળતા પણ રોજગાર ઉપરાંત આયાત વિકલ્પો ઊભા કરવામાં રહેલી છે.
સરકારના પ્રયાસો છતાં
એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને મેક ઈન ઈન્ડિયાના વિષયમાં સરકારે જેટલી જોરશોરથી વાતો કરી છે તેટલા જોરદાર પરિણામ મળ્યા નથી. હજી આપણી આયાત નિર્ભરતા ઊંચી છે, રોજગાર સર્જનનો દર નીચો છે, નાના-મધ્યમ એકમોના સંઘર્ષ ઘટ્યા નથી. ખાસ કરીને વિપરીત સંજોગોમાં તો તેમની દશા વધુ કથળી જાય છે. સરકારના પ્રયાસોની ઉપેક્ષા થઈ શકે નહીં, પણ પરિણામ સૌથી મહત્ત્વની બાબત છે. પારદર્શકતા, કરચોરી અને કરવેરાની ગૂંચવણો, કરપ્શન અને બાબુશાહીની સમસ્યા હજી એક યા બીજા સ્વરૂપે ઊભી છે. ઉદ્યોગ વર્ગ પણ ડાહ્યો ડમરો કે દૂધે ધોયેલો હોવાનું કહી શકાય નહીં, કેન્દ્ર-રાજયોની વેપાર અંગેની નીતિઓની ભિન્નતા પણ અવરોધ બનતી હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.