મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની મુખ્ય પરીક્ષાને વૈકલ્પિક પદ્ધતિએ લેવાને બદલે વર્ણનાત્મક પદ્ધતિએ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આને કારણે પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અન્યાય થવાની શક્યતા હતી. આ બાબતે રાજ્યના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યા બાદ હવે વર્ણનાત્મક પદ્ધતિએ પરીક્ષા લેવાનો નિર્ણય ૨૦૨૫ સુધી મોકૂફ રાખવો એવો નિર્દેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમપીએસસીને
આપ્યો છે. મુખ્ય પ્રધાને કહ્યું છે કે રાજ્યની સેવા માટેની પરીક્ષા બહુ-વિકલ્પ પદ્ધતિએ લેવામાં આવતી હતી, તેને સ્થાને ફરીથી તેને જૂની વર્ણનાત્મક પદ્ધતિએ લેવાનો નિર્ણય પંચ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય ૨૦૨૩થી લાગુ કરવામાં આવશે તો આ પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને નુકસાન થવાની શક્યતા છે. આથી વર્ણનાત્મક પદ્ધતિએ પરીક્ષા લેવાનો નિર્ણય ૨૦૨૫ સુધી મોકૂફ રાખવો.