મધ્ય પ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે એક બ્રેન ડેડ પેશન્ટના હાથ ડોનેટ કરવામાં આવ્યા હોય. હાથ સિવાય પણ મહિલાના અન્ય અવયવો પણ દાનમાં આપવામાં આવ્યા છે એટલે મૃત્યુ બાદ પણ આ મહિલા દર્દી અનેક લોકોને જીવતદાન આપવામાં નિમિત્ત બનશે.
ઈન્દોરની 52 વર્ષીય વનિતા ખજાનચીને 13મી જાન્યુઆરીના મગજ સંબંધિત સમસ્યા થઈ અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પણ તેની હાલત વધુને વધુ ખરાબ જ થતી ગઈ. આખરે 15મી જાન્યુઆરીના ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. મહિલાના પરિવારજને ત્વચા, આંખ, ફેફસાં લિવર અને કિડની દાન કરવા માટે મંજૂરી આપી દીધી હતી.
ડોક્ટરોએ પરિવારજનોને વનિતાના હાથ પણ ડોનેટ કરવા માટે સમજાવી લીધા હતા અને આખરે એ ઐતિહાસિક ક્ષણ આવી જ ગઈ કે વનિતાના હાથને સ્પેશિયલ ફ્લાઈટથી મુંબઈ મોકલવામાં આવ્યા હતા. મુંબઈમાં આ હાથ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 18 વર્ષની યુવતીને આપવામાં આવશે. મુંબઈની આ યુવતીને બંને હાથ નથી અને વનિતાના હાથથી કદાચ તેને નવું જીવન મળશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વનિતાની મોટી દીકરીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે મારી મમ્મી હંમેશા છોકરીઓ માટે ખાસ પ્રેમ અને લાગણી હતી અને આ સંજોગની જ વાત છે કે તેમના મૃત્યુ બાદ તેના હાથ હવે 18 વર્ષની કોઈ છોકરીને આપવામાં આવી રહ્યા છે.