Homeઉત્સવખરાબ સમયમાં ધીરજ રાખીને આગળ વધતા રહીએ તો કોઈ ને કોઈ રસ્તો...

ખરાબ સમયમાં ધીરજ રાખીને આગળ વધતા રહીએ તો કોઈ ને કોઈ રસ્તો મળી રહે છે

“જો એ વખતે હું કહેત કે કૂવામાં પાણી નથી તો તારી ધીરજ ખૂટી જાત અને તરસને કારણે, નિરાશાને કારણે કદાચ તારો શ્ર્વાસ પણ તૂટી જાત. અને એવું થાત તો મારા પાસે પણ જીવન ટૂંકાવવા સિવાય કોઈ રસ્તો ન રહેત

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

વર્ષો પહેલા એક વાર્તા વાંચી હતી. એક સ્ત્રી અને તેનો એક નાનકડો દિયર ઉજ્જડ વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરી રહ્યા હતા. બપોરનો સમય હતો અને ધોમધખતો તડકો હતો અને એ વિસ્તારમાં ક્યાંય પાણી મળી રહ્યું નહોતું. દિયરને ખૂબ તરસ લાગી હતી. તેનું ગળું સૂકાઈ રહ્યું હતું અને તે વારેવારે વિનંતી કરી રહ્યો હતો કે “ભાભી હવે પાણી નહીં મળે તો હું મરી જઈશ.
તેની ભાભી તેને સાંત્વન આપતી હતી કે “થોડે આગળ જઈશું તો પાણી મળી જશે. ” તે સ્ત્રીને પોતાને પણ ખૂબ જ તરસ લાગી હતી, પરંતુ તે તેના દિયરને સાચવી રહી હતી. તેઓ પગપાળા પ્રવાસ કરી રહ્યા હતા એ દરમિયાન વચ્ચે એક કૂવો આવ્યો. ભાભીએ તેને કહ્યું કે “હું આ કૂવામાંથી પાણી સીંચીને તને પીવડાવું છું.
તે સ્ત્રીએ જોયું કે કૂવા નજીક ડોલ અને દોરડું પડ્યા હતા, પણ એ ડોલ કોરીધાકોર હતી. અને દોરડું પણ કોરું હતું. તેણે દિયરને કૂવાથી થોડે દૂર ઊભો રાખીને કૂવામાં ડોકિયું કર્યું અને તે દિયર પાસે પાછી ગઈ. તે સ્ત્રીએ તેના દિયરને કહ્યું કે “આ કૂવાનું પાણી પીવા જેવું નથી. આગળ સરસ મજાનું પાણી આવે ત્યાં હું પાણી પીવડાવીશ.
નાનકડો દિયર જમીન પર બેસી ગયો અને પગ પછાડવા લાગ્યો તેણે કહ્યું કે “ભાભી, મને અહીં જ પાણી પાઓ નહીં તો હું મરી જઈશ. મારાથી હવે તરસ સહન નથી થતી.
તેની ભાભીએ તેને કહ્યું કે “આગળ જઈને હું ચોક્કસ પાણી પીવડાવીશ.
દિયરે કહ્યું કે “હું હવે એક ડગલું પણ ચાલી નહીં શકું.
તે સ્ત્રીએ દિયરને તેડી લીધો અને ઝડપથી આગળ ચાલવા લાગી. તેનો દિયર તેને મારવા લાગ્યો. ગુસ્સે થઈને તેણે તેની ભાભીને ઘણું બધું સંભળાવ્યું. તેણે કહ્યું કે “તું મારી ભાભી નથી, મારા ગયા જન્મની દુશ્મન છે. ત્યાં કૂવો હતો હું પાણી વિના મરી જાઉં એમ છું એમ છતાં તેં મને પાણી ન પાયું!
તે સ્ત્રી તેને શાંત પાડવાની કોશિશ કરતી – કરતી આગળ ચાલી. ઘણું ચાલ્યા પછી છેવટે એક જગ્યાએ એક ખેતર આવ્યું. એ ખેતરનો માલિક કૂવામાંથી પાણી બહાર કાઢી રહ્યો હતો. ત્યાં જઈને તે સ્ત્રીએ પહેલાં તેના દિયરને પાણી પીવડાવ્યું અને પછી પોતે પાણી પીધું અને પછી થાકને લીધે એકદમ ફસડાઈ પડી. બીજી બાજુ પાણી પીધું એટલે દિયરના જીવમાં જીવ આવ્યો. એમ છતાં તેણે તેની ભાભીને ફરિયાદ કરી કે “ત્યાં પેલા કૂવામાં પાણી હતું તો મને આટલા સમય સુધી તરસ્યો શું કામ માર્યો?
તેની ભાભીએ જવાબ આપ્યો કે “એ કૂવામાં પાણી જ નહોતું! ત્યાં જે ડોલ પડી હતી એ સૂકી હતી, દોરડું પણ સૂકું હતું અને એ અવાવરુ કૂવો હતો. એમ છતાં મેં ખાતરી કરવા કૂવામાં જોયું તો એના તળિયામાં પણ પાણીનું ટીપું ય નહોતું.
તેના દિયરે કહ્યું કે “તો એ વખતે તમે મને કેમ ન કહ્યું કે કૂવામાં પાણી નથી?
તે સ્ત્રીએ કહ્યું કે “જો એ વખતે હું કહેત કે કૂવામાં પાણી નથી તો તારી ધીરજ ખૂટી જાત અને તરસને કારણે, નિરાશાને કારણે કદાચ તારો શ્ર્વાસ પણ તૂટી જાત. અને એવું થાત તો મારા પાસે પણ જીવન ટૂંકાવવા સિવાય કોઈ રસ્તો ન રહેત. એટલે તારો ગુસ્સો સહન કરીને પણ હું તને તેડીને અહીં સુધી લાવી.
એ સાંભળીને દિયરની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તે ભાભીને વળગીને ખૂબ રડ્યો અને તેણે કહ્યું “મને માફ કરી દો ભાભી. મેં તમને શું – શું કહી દીધું.
ભાભીએ કહ્યું કે “મને એનું કોઈ જ દુ:ખ નથી.”
***
દોસ્તો, આ વાર્તા તો મેં દાયકાઓ અગાઉ ક્યાંક વાંચી હતી, પણ કોરોનાને કારણે કેટલાય લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા (ઘણી વ્યક્તિઓએ તો જીવન પણ ટૂંકાવી લીધા, ઘણી વ્યક્તિઓ માનસિક રોગોનો શિકાર બની ગઈ અને ‘કોવિડ સાઈકોસિસ’ નામનો નવો રોગ અસ્તિત્વમાં આવી ગયો.
કોવિડને કારણે માનસિક રોગોના શિકાર બનેલા દર્દીઓએ મનોચિકિત્સક પાસે જઈને સારવાર લેવી પડે એવી નોબત આવી) એવા સમયમાં નિરાશાવાદી માણસોએ કેટલીય વ્યક્તિઓને ‘પડતા પર પાટુની’ જેમ નિરાશાજનક વાતો કરીને વધારે હતાશ કરી દીધા.
તો આ સમય દરમિયાન પોઝિટિવ એનર્જી ધરાવતી એવી ઘણી આશાવાદી વ્યક્તિઓ જોઈ કે જેમણે (પેલી ગરીબ સ્ત્રીએ તેના દિયરને સાચવ્યો હતો એ રીતે) આશા બંધાવીને લોકોને ટકાવ્યા હોય કે આ સમય પણ જશે. આવી આશાવાદી વ્યક્તિઓએ ભાંગી પડેલી વ્યક્તિઓને ઊભી કરવા માટે પોતાનાથી બનતી મદદ કરી કે હૂંફ આપી હોય અથવા ધીરજ બંધાવી હોય કે આગળ સારો સમય આવશે.
દોસ્તો, વાત એ છે કે જ્યારે ખરાબ સમય આવે એ વખતે થોડી ધીરજ રાખીએ અને આગળ વધતા રહીએ તો કોઈ ને કોઈ રસ્તો મળી આવતો હોય છે. એક જ પ્રકારના સંજોગોમાં ફસાયેલી જુદીજુદી વ્યક્તિઓ અલગઅલગ રીતે વિચારતી હોય છે.
કોઈને એક સ્થિતિમાં એવું લાગતું હોય અહીં જીવનનો અંત આવી ગયો છે તો આશાવાદી વ્યક્તિ એમ વિચારતી હોય કે નહીં હજી ઘણી શક્યતાઓ છે. હું અગાઉ આ કોલમમાં લખી ગયો છું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ મનથી હાર ન સ્વીકારી લે ત્યાં સુધી તેની જીતની શક્યતાઓ રહેતી હોય છે. આ વાત હજારો લોકો અલગ – અલગ શબ્દોમાં કહી ગયા છે.
માણસના વિચારો થકી જ તેને કોઈ તકલીફ નાની કે મોટી લાગતી હોય છે.
એક જોક છે: જૂતાં બનાવતી એક કંપનીએ તેના એક સેલ્સમેનને એક અંતરિયાળ વિસ્તારમાં સર્વે કરવા મોકલ્યો કે ત્યાં જૂતાંનાં વેચાણની કેટલી શકયતા છે એ ચકાસી આવો.
તે માણસ પાછો આવ્યો અને તેણે કહ્યું કે “એ વિસ્તારમાં કોઈ જૂતાં પહેરતું જ નથી એટલે ત્યાં આપણી કંપનીના જૂતાંનાં વેચાણની શકયતા શૂન્ય છે.
એ વખતે અન્ય એક સેલ્સમેન ત્યાં હાજર હતો તેણે કંપનીના માલિકને કહ્યું કે “એ વિસ્તારમાં એક પણ વ્યક્તિ જૂતાં નથી પહેરતી એટલે ત્યાં તો ખૂબ મોટું માર્કેટ મળવાની શક્યતા છે. ત્યાં આપણે કેટલાં બધાં જૂતાં વેચી શકીશું!”
દોસ્તો, વાત માત્ર દ્રષ્ટિકોણની છે માણસો કઈ રીતે વિચારે છે એની છે.
ખરાબ સમય હોય એ વખતે થોડી ધીરજ રાખીએ અને આગળ વધતા રહીએ તો કોઈ ને કોઈ રસ્તો મળી આવતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular