ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
છેલ્લા પાંચ સાત વર્ષમાં જોયેલી યાદગાર ફિલ્મોના નામ પૂછે તો તબ્બુ અને આયુષ્યમાન ખુરાના અભિનીત અંધાધૂન ફિલ્મ ચોક્કસ યાદ આવે. અંધાધૂન ફિલ્મની કઇ વાત સૌથી વધારે અસર કરી ગઇ એવું કોઈ પૂછે તો યાદ આવે કે અંધાધૂન ફિલ્મનો ઍન્ડ. ફિલ્મનો સસ્પેન્સ ધરાવતો એન્ડ હતો, હીરો ખરેખર અંધ હતો કે નહીં એ હજી પ્રશ્ર્ન છે. ફિલ્મના ડિરેક્ટર રાઘવન જ્યાં પણ જાહેર કાર્યક્રમ અથવા ઇન્ટરવ્યૂ માટે જાય છે ત્યાં તેમને આ સવાલ પૂછવામાં આવતો હોય છે.
‘અંધાધૂન’ ફિલ્મ બની ત્યારે ફિલ્મોમાં આધુનિક ટેકનોલોજી હતી. આવી એક ફિલ્મ આવી હતી, જેમાં પચાસના દાયકાના ખાસ દેશી પહેરવેશ સાથે હતી. ભારત સરકારની સંસ્થા ફિલ્મ વિકાસ નિગમની મદદથી બની હતી. ઓછા બજેટમાં બનેલી ફિલ્મની વિશેષતા તેના લાજવાબ ડાયલોગ હતા. આ ફિલ્મની વાત કરતાં કરતાં ‘અંધાધૂન’ શા માટે યાદ આવી હતી, ‘સૂરજ કા સાતવા ઘોડા’ ફિલ્મનો ઍન્ડ વન્સ અગેઇન સસ્પેન્સ ધરાવે છે. ધર્મવીર ભારતીની કથા આધારિત ફિલ્મના મહત્ત્વના ત્રણ પાત્રો એવું માને છે કે એકબીજાના મર્ડર થયા છે પણ બધા જીવે છે.
શ્યામ બેનેગલને ફિલ્મ મેકિંગ માટે યુનિવર્સિટી કહેવા પડે એવું આ ફિલ્મ જોતાં લાગે. એક કથામાંથી બીજી કથા, છ સાત કથાઓ એકબીજા સાથે ધીમે ધીમે જોડાતી જાય. વેકેશન સમયમાં માણવા જેવી આ ફિલ્મ છે ‘સૂરજ કા સાતવા ઘોડા.’ આ ફિલ્મ માટે એવું કહી શકાય કે તેમાં ઘણી બધી કથાઓ નથી, પણ ઘણી કથાઓને એક કથામાં વણી લીધી છે.
જાણીતા લેખક ધર્મવીર ભારતીની કથા પર ‘સૂરજ કા સાતવા ઘોડા’ પર આધારિત ફિલ્મનું નામ પણ ‘સૂરજ કા સાતવા ઘોડા.’ સૂર્યના સાતમા ઘોડાની અલગ કથા છે, ભારતીય કથાનકમાં સૂરજનો સાતમો ઘોડો જે થોડો મજબૂત છે, જ્યારે છ ઘોડા થાકી જાય છે ત્યારે સાતમો ઘોડો સ્વપ્નો સિદ્ધ કરવા માટે ભાગે છે. સાતમો ઘોડો એટલે ભવિષ્ય, માણસજાતે જોયેલા સ્વપ્ન. શ્યામ બેનેગલે માનવજાતની સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છાઓને સાતમા ઘોડા સાથે જોડીને સમાજના બધા વર્ગોની આકાંક્ષાઓને કથાના માધ્યમથી બહુ સરસ રીતે જોડ્યા છે.
કથાની થોડી વાત કરીએ, વર્ષ ૧૯૫૨માં ધર્મવીર ભારતીએ લખેલી વાર્તા આઝાદી પછીના દાયકાને દર્શાવે છે. મુખ્ય પાત્ર માણિક મુલ્લા પોતાના દોસ્તોને વાર્તા સંભળાવે છે. વાર્તામાં ચાર પાંચ પરિવારોની સ્ત્રીઓ પર વાત કહેવામાં આવી છે. ફિલ્મના મુખ્ય પાત્ર પાસે ત્રણ સ્ત્રીઓ આવે છે. કોઈ અજ્ઞાત ડરને લીધે ત્રણેયને સ્વીકારવાની તાકાત ધરાવતો નથી. પુરુષ સ્વીકાર કરી શકતો નથી એ હકીકત હોવા છતાં કથામાં તેનો ઇગો રાખવાનો, જે પુરુષના સ્વભાવમાં છે.
ફિલ્મમાં પહેલી સ્ત્રી મધ્યમ વર્ગમાંથી આવે છે, જેને ભવિષ્યના સ્વપ્ન છે. આ સ્ત્રી પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે હિંમત ધરાવે છે. બીજી સ્ત્રી સંપન્ન પરિવારમાંથી આવે છે જે સાહિત્ય અને કળા પરત્વે મમત્વ ધરાવે છે, સ્વપ્નશીલ છે પણ પોતાની ઝંખેલી દુનિયા મળતી નથી. ત્રીજી સ્ત્રી ગરીબીમાંથી આવે છે, જેનો ધ્યેય જીવનની સામાન્ય જરૂરિયાત પૂરી કરવાનો છે. આ ઉપરાંત જીવનની નિરાશાઓ વચ્ચે જીવતી માણિક મુલ્લાની ભાભી છે કે હીરોઇનોની માતા છે. અમરીશ પુરી સાથે લીવ ઇનમાં રહેતી સ્ત્રીની વ્યથા છે. ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે કે એક મિનિટ માટે ફિલ્મ સ્લો પડતી નથી. ફિલ્મમાં મુખ્ય કલાકાર માણિક મુલ્લાનો રોલ રજત કપૂરે ભજવ્યો છે. તન્ના, જમુના, લીલી, સત્તી, મહેસર દલાલ જેવાં પાત્રો છે જેમાં મહેસર દલાલની ભૂમિકા અમરીશ પુરીએ ભજવી છે. માણિક મુલ્લા પોતાના મિત્રોને કથા સંભળાવે છે, વાર્તા પૂરી થાય એટલે મિત્રમંડળી તેના પર નાનો સંવાદ રચે છે, જેમાં નેવું પહેલાંના દાયકાઓની સામાજિક સમસ્યાઓ ડોકિયાં કરે છે.
સૌથી ખાસ વિશેષતા હોય તો ડાયલોગ છે. ફિલ્મના પ્રારંભમાં એક ડાયલોગ આવે છે, આમ તો સામાન્ય બોલચાલ કરતાં નવો વિરોધાભાસ રજૂ કરે છે. સંવાદ છે કે, ” પ્રેમમેં ખરબૂજા ચાહે ચાકુ પર ગીરે ચાહે ચાકુ ખરબૂજે પર, નુકશાન ચાકુ કા હોતા હૈ. જીસકા વ્યક્તિત્વ ઇસ ચાકુ કી તરહ તેજ ઔર પૈના હો તો ઉસે હર હાલમેં ઇસ ઉલઝન સે બચના ચાહિએ.” આ ડાયલોગ બોલીને માણિક મુલ્લા એનો અર્થ સમજાવે છે ત્યારે એ વાત આધુનિક યુગ સાથે સાંપ્રત લાગે છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નુકશાન ખરબૂજાને થતું હોય છે, પણ ફિલ્મમાં ચપ્પાને નુકશાનની વાત કહેવામાં આવી છે. વ્યક્તિ પાસે પૂરતું જ્ઞાન હોય એ વ્યક્તિ ચપ્પાની ધાર જેવા હોય છે. અજ્ઞાની વ્યક્તિ અનગઢ જેવી વાત કહે અને જ્ઞાની તેને ખોટી સાબિત કરે ત્યારે અજ્ઞાનીનો ઇગો ઘવાય છે. અજ્ઞાની વ્યક્તિ જ્ઞાનની મજાક ઉડાવે છે, સંબંધ પર અસર થાય છે. સરવાળે જ્ઞાની માટે સંબંધ સમાપ્ત થઇ જાય છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં જ્ઞાન મેળવેલી વ્યક્તિને સત્ય સમજાવવાની કોશિશ કરો તો નુકશાન સત્ય કહેનારનું જ થાય છે. તમારું જ્ઞાન સંબંધોને ચપ્પાની જેમ કાપી નાખતું તો નથી ને? સત્યવાદી અને સ્પષ્ટવક્તાઓ હશે ય એવા જ્ઞાનીઓને પૂછશો તો એ વાત સાથે સંમત થશે.
‘સુરજ કા સાતવા ઘોડા’માં અમરીશ પુરીને પેસેફિક ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને વર્ષ ૧૯૯૩માં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મોની આ વાતો લખવાનો હેતુ એટલો જ છે કે વેકેશન સમય છે, થોડી નવરાશ હોય તો આપણે ત્યાં બનેલી આવી ક્લાસિક ફિલ્મો જોજો. તમારી યુવાપેઢીને આટલી ઉત્કૃષ્ટ કથાઓથી પરિચિત કરવા સાથે આઝાદી પછીના સમયને પણ જોઈ શકે.
એક બીજી ફિલ્મ પણ યાદ આવે છે. આપણા સાહિત્યકાર વિજયદાન દેથાએ લોકકથા પરથી ‘દુવિધા’ નામની વાર્તા લખી હતી, આ વાર્તા પરથી મણિ કૌલે દુવિધા નામથી જ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના દિગ્દર્શન માટે મણિ કૌલને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો હતો. મણિ કૌલ પણ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે. મૂળ કાશ્મીરી, રાજસ્થાનમાં ઉછેર થયો હતો. ભારતીય સિનેમાજગતમાં મણિ કૌલનું નામ અમર રહેશે, કારણ કે તેમણે શ્રેષ્ઠ સાહિત્ય પરથી ફિલ્મો બનાવી, એ ફિલ્મોની વિશેષતા એ છે કે કથાનકોમાં ખાસ ફેરફાર કર્યો નથી. કોઈ કોમર્શિયલ તત્ત્વ ઉમેરીને વાર્તાના આત્માને મારી નાખ્યો
નથી, બલકે વધુ સારી રીતે કથાતત્ત્વ પડદા પર લાવ્યા છે.
વિજયદાન દેથાની લખેલી દુવિધા વાર્તા સાહિત્ય અને સિનેમામાં સરખી છે. વિજયદાન દેથા લોકસાહિત્યને આધુનિક સ્વરૂપ સાથે કથાઓ લખવા માટે ભારતભરના સાહિત્યકારોમાં જાણીતા છે. એની વે, આપણે ફિલ્મની વાત કરતા હતા. ‘દુવિધા’ એક સરળ લોકકથા છે. એક
છોકરીના લગ્ન થાય છે, પતિ સાથે પાલખીમાં બેસીને સાસરી તરફ જાય છે. અત્યંત સુંદર પત્ની હોવા છતાં પતિ પાલખીમાં બેસીને એકાઉન્ટ કરવામાં વ્યસ્ત છે. થોડી વાર માટે પાલખી રોકવામાં આવે છે, બધા એક ઝાડ પાસે આરામ કરે છે. આ ઝાડ પર એક ભૂત રહે છે જેને નવવધૂની સુંદરતા ગમી જાય છે. નવવધૂ પામવાનું ભૂત પ્લાનિંગ કરવા લાગે છે. જાન ઘરે આવે છે, પતિ પાંચ વર્ષ માટે ઘરથી દૂર જઇ વેપાર કરીને પૈસા કમાવવા જવાનું નક્કી કરીને નીકળી જાય છે. પેલા ભૂતને આ વાતની ખબર પડે છે, ભૂત વિચારે છે કે પતિ જેવો દેખાવ કરીને સુંદર સ્ત્રી સાથે પાંચ વર્ષ ગાળવાનો મોકો છે. ભૂત તેના પતિ જેવો સ્વાંગ રચીને અસલી પતિના પિતાને મળે છે. પિતા પૂછે છે કે શા માટે વેપાર છોડીને પાછો આવ્યો, તો પતિ બનેલું ભૂત જવાબ આપે છે કે રસ્તામાં મને એક સાધુ મળ્યા. તેમની મેં સેવાચાકરી કરી. મારી સેવાથી તે ખુશ થઇ ગયા અને મને આશીર્વાદ આપ્યા કે પૈસા કમાવવા જવાની જરૂર નથી. તું ઘરે પરત જા, રોજ સવારે તને પાંચ સોનાના સિક્કા મળી જશે. પેલા પિતાને આ વાત સાંભળીને પુત્ર માટે કોઈ સમસ્યા ન હતી, પૈસા મળતા હોય તો પરદેશ જવાની જરૂર નથી એવો સ્વીકાર કરી લીધો. રોજ ભૂત સવારમાં પાંચ સિક્કા આપી દેતો. ત્રણ ચાર વર્ષ પછી ઓરિજિનલ પતિને કોઈએ જણાવ્યું કે તારા ઘરે તારા જેવા દેખાવ ધરાવતો કોઈ બીજો માણસ રહે છે, એ ભાગતો ઘરે આવે છે. પોતાના પિતાને કહે છે કે આ અજાણ્યા વ્યક્તિને કાઢી મૂકો પણ પિતાને પાંચ સિક્કા સાથે મતલબ હતો. પિતા પોતાના સગા પુત્રને ઓળખતા નથી. ઓરિજિનલ પતિ કોઈ ભૂવા જેવાનો ઉપયોગ કરીને ભૂતને ભગાડે છે. ‘દુવિધા’ ફિલ્મમાં માનવસ્વભાવ, માનવીની લાલચ અને વાસ્તવિકતા દર્શાવી છે. જો કે આ જ કથા પરથી અમોલ પાલેકરે ‘પહેલી’ નામની આધુનિક ફિલ્મ બનાવી હતી.
જો આપ પાસે ઠીકઠાક નવરાશ હોય તો ભુવન સોમ, ઉસકી રોટી, ૨૭ ડાઉન, ઉત્સવ, એક ચદ્દર મૈલી સી, મોહનદાસ, દામુલ,રુદાલી, દાયરા, અર્થ, આંધી, મૌસમ, રજનીગંધા, નદીયા કે પાર, પાર, નૌકર કી કમીઝ, અભિમાન, તીસરી કસમ જેવી ફિલ્મ જોવા માટે સમય વસૂલ કરી શકાય.
ધ એન્ડ :
સાહબ કી કમીઝ પહેનને સે કોઈ સાહબ નહીં હોતા ઔર નૌકર કી કમીઝ પહેનને સે….. (ડાયલોગ પૂરો)
ફિલ્મ ‘નૌકર કી કમીઝ’