બાન્દ્રામાં 11 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે માઉન્ટ મેરી મેળાનું આયોજન

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

આ વર્ષે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયામાં એટલે કે 11 થી 18 મી સપ્ટેમ્બર દરમિયાન બાન્દ્રામાં માઉન્ટ મેરી મેળાનું આયોજન કરવામાં આવશે એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે.
દર વર્ષે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયાની વચ્ચે બાન્દ્રામાં માઉન્ટ મેરી મેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાના પ્રતિબંધોને કારણે છેલ્લા બે વર્ષથી માઉન્ટ મેરી મેળાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતું. હવે જ્યારે કરોનાના પ્રતિબંધો ઉઠી ગયા છે અને દરેક ધાર્મિક તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યા છે ત્યારે બાન્દ્રાના માઉન્ટ મેરી મેળાનું પણ આયોજન કરવાનો માર્ગ મોકળો થયો છે.
આ ઐતિહાસિક મેળાનું આયોજન દર વર્ષે બાન્દ્રા પશ્ચિમમાં આવેલા સદીઓ પુરાના માઉથ મેરી બેસિલિકા ચર્ચ દ્વારા કરવામાં આવે છે. એમ કહેવાય છે કે છેલ્લા 300 વર્ષથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મુંબઈકરો માટે આ મેળાનું અનોખું આકર્ષણ છે. આ મેળો આમ તો ખ્રિસ્તી ધર્મના લોકો માટે હોય છે, પરંતુ તમામ ધર્મના લોકો તેમાં સહભાગી થાય છે. નાતજાત, ગરીબ-અમીરના ભેદભાવ ભૂલી દરેક ધર્મના લોકો આ મેળામાં હર્ષોઉલ્લાસથી ભાગ લે છે. આ મેળામાં, મીણબત્તીઓ, ફૂલો, ખાદ્યપદાર્થો, ચણાનો પ્રસાદ વગેરે વેચતી સેંકડો હંગામી દુકાનો ઉભી કરવામાં આવે છે. કેટલીક દુકાનો સ્થાનિક રહેવાસીઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. મેળાના સફળ આયોજનમાં મુંબઈ મહાનગર પાલિકા રાજ્ય સરકાર સ્થાનિક પોલીસ ટ્રાફિક પોલીસ બેસ્ટ પ્રશાસન વગેરે સંસ્થાઓ પણ મહત્વનો ભાગ ભજવે છે.
બે વર્ષ બાદ આ મેળાનું આયોજન થઇ રહ્યું હોવાથી લોકોમાં ભારે ઉત્સુક્તા છે. બે વર્ષ બાદ પ્રથમ વાર સમગ્ર વિસ્તારથી રોશનીથી ઝળહળી ઉઠશે. આ મેળામાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.