કૈલાસ પર્વત: રહસ્યોના પેટાળમાં દટાયેલું શિવત્વ

ઉત્સવ

કેન્વાસ-અભિમન્યુ મોદી

નિર્વિકાર, નિરાકાર, સચ્ચિદાનંદ, પરબ્રહ્મ, પરમાત્માનું વૈદિક નામ જ શિવ છે. શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ એ આદિ દેવોના અને અન્ય તમામ દેવોના આરાધ્ય છે. શિવ પુરાણ અનુસાર શિવજી કૈલાસ પર્વત પર બિરાજે છે. તો… તો… શિવજી આપણી નજીક જ કહેવાય… છતાં આજ સુધી કોઈ વ્યક્તિ કૈલાસ પર્વતને સર કરી શકી નથી. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી! રહેવા દો… ગૂગલ કરવાની જરૂર નથી. એવરેસ્ટની હાઈટ ૮,૮૪૮ મીટર છે. દુનિયાના આ સૌથી ઊંચા પહાડને અત્યાર સુધીમાં ૭,૦૦૦થી વધારે લોકો પાર કરી ચૂક્યા છે, છતાં તેનાથી ૨,૦૦૦ મીટર ઓછી હાઈટ ધરાવતા ૬,૬૩૮ મીટરના કૈલાસ પર્વત પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી.
તમે કહેશો હોય નહીં!.. પણ હા, અચરજ પમાડતા આ સત્યને સ્વીકારવું કઠિન છે. જે લોકોએ પ્રયત્ન કર્યા અને નિષ્ફ્ળ ગયા તેમની વાતો તમને જરૂર ગૂગલમાં જોવા મળશે. અમુક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વત પર શિવજી નિવાસ કરે છે અને એટલા માટે કોઈ જીવિત વ્યક્તિ ત્યાં ઉપર પહોંચી શકતી નથી. મૃત્યુ બાદ કે જેણે કોઇ પાપ ન કર્યાં હોય માત્ર તે જ વ્યક્તિ કૈલાસ પર્વત પર પહોંચી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કૈલાસ પર્વત પર થોડું ઉપર ચઢતાં જ વ્યક્તિ દિશાહીન થઈ જાય છે. હું સમજુ છું કે આ વાત પર તમે બે દિવસ સુધી મારી સાથે તર્કબદ્ધ ચર્ચાઓ કરી શકો છો. તમારી ચર્ચાનો મુખ્ય હેતુ વિજ્ઞાન જ છેને…
‘કૈલાસ પર્વત પર ચઢવું અશક્ય નથી’ એ વાતની સાબિતી માટે અનેક વૈજ્ઞાનિકોએ ભારતમાં ધામા નાખ્યા, જાત જાતનાં યંત્રોની સાથે મંત્રોની શક્તિથી યુક્ત કૈલાસ પર્વત પર ચઢવાના પ્રયત્નો કર્યા, મોટા ભાગના લોકો ૫૦૦ મીટરે પહોંચીને હાંફી જતા હતા. દરેક વિજ્ઞાની નીચે આવીને એક જ વાત કરતા કે જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ પર્વતમાંથી રેડિયો એક્ટિવ વેવ નીકળે છે. આ વેવથી તો તમે પરિચિત જ છે. જે દરરોજ ૨૪માંથી ૧૮ કલાક સુધી તમારી સાથે રહેતા ઉપકરણમાંથી નીકળે છે. એ ઉપકરણનું નામ છે મોબાઇલ…
આ વેવ તમારી આસપાસથી પસાર થઈ જાય છે, છતાં તમને મહેસૂસ નથી થતું, કારણ કે તેમાં રહેલું રેડિયમ એક તત્ત્વ છે, જેમાંથી સતત ન દેખાય તેવાં કિરણો નીકળે છે. આ અદૃશ્ય કિરણો એટલે ‘આલ્ફા, બીટા અને ગામા’. આ કિરણોને રેડિયો એક્ટિવ કિરણો કહે છે. આ કિરણો પૂરેપૂરાં નીકળી જાય ત્યારે આ રેડિયમ તત્ત્વ સીસા નામની ધાતુમાં બદલાઈ જાય છે. રેડિયમમાંથી નીકળતાં કિરણો એટલી તીવ્રતાવાળાં હોય છે કે તે એવી ઘણી બધી વસ્તુઓની આરપાર પણ નીકળી જાય છે કે જેમાં પ્રકાશ પ્રવેશી ન શકતો હોય. આ કિરણો આપણા શરીરની આરપાર પણ નીકળી જાય છે. આજે દુનિયાનું એક પણ એવું ઉપકરણ નથી જેમાંથી આવા રેડિયો એક્ટિવ વેવ ન નીકળતા હોય… એટલે જેટલા લોકો અત્યાધુનિક ઉપકરણો સાથે કૈલાસ પર્વત પર જતા તેમને શરીરમાં નબળાઈ આવી જતી અને મશીનો માત્ર એટલું દર્શાવી શકતા કે આ જગ્યા પરથી રેડિયો એક્ટિવ વેવ પસાર થાય છે.
પણ આટલી વાતથી વૈજ્ઞાનિકો ચૂપ બેસી રહે! સત્ય સુધી પહોંચવાની એમની ભૂખ શાંત ન થાય ત્યાં સુધી જગતભરના વૈજ્ઞાનિકો મથ્યા રહેતા. ૧૯મી અને ૨૦મી સદીની શરૂઆતમાં ઘણા રશિયન પર્વતારોહકો ભારતમાં આવ્યા. તેમના વિશે ૧૯૯૮માં તિબેટિયન પ્રજાએ એવી દંતકથા વહેતી કરી કે જે રશિયન પર્વતારોહકે કૈલાસને માપવાનો પ્રયાસ કર્યો તે ઉપર જઈને અદૃશ્ય થઈ ગયા હતા. આજના બ્રેકિંગ ન્યુઝના જમાનામાં તમે આ લેખ વાંચી રહ્યા છો ત્યારે તમને પણ કુતૂહલ સર્જાય છે તો એ સમયે તો અખબારી આલમ અને ચેનલોના ચોંકાવનારા સમાચાર લઈ આવનાર પત્રકારો કઈ રીતે શાંત બેસી શકે!
જગતભરમાં આ સમાચારો વાઇરલ થઈ ગયા. સ્વાભાવિક છે કે પોતાના દેશ વિશેની આવી વાતો કોઈ સાંખી ન શકે એટલે વર્ષ ૧૯૯૯માં રશિયાના જાણીતા નેત્ર ચિકિત્સક ડો.અર્ન્સ્ટ મુલદાશેવ પોતાની સાથે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ઇતિહાસના નિષ્ણાતોને લઈને ભારતમાં આવ્યા. એ સમયે તેમના મીડિયા ઇન્ટરવ્યુ પણ થયા હતા.
ડો. અર્ન્સ્ટ ફેમસ તો થઈ ગયા, પણ હવે તેમની તપાસ પર સૌની નજર હતી કે પર્વતની ટોચ પર એવું તે શું છે? કે જે ઉપર ચઢવા ગયા તે હંમેશને માટે ઉપર જ જતા રહે છે. પ્રથમ દિવસથી જ તેમની ટીમ કામે લાગી ગઈ. ૩૫ દિવસના રિસર્ચ બાદ મુલદાશેવની ટીમ એવા નિષ્કર્ષ પર પહોંચી કે જે રીતે ઈજિપ્તમાં પિરામિડ બન્યા છે એ રીતે કૈલાસ પર્વત વાસ્તવમાં એક માનવ નિર્મિત પિરામિડ છે… હા, તમે ખરું વાંચ્યું. આમના મતે લોકોની આસ્થાના પ્રતીક સમો કૈલાસ પર્વત એક પિરામિડ છે, જેનું નિર્માણ હજ્જારો વર્ષો પહેલાં ભારતમાં થયું છે. તેમણે એવો દાવો કર્યો હતો કે કૈલાસ પર્વતની અંદર એક આખું શહેર વસેલું છે. એક રાત્રે મેં મારા સાથીદારો સાથે પર્વતની અંદરથી લોકોના અવાજ સાંભળ્યા હતા. અહીં અલૌકિક શક્તિઓનો પ્રવાહ પસાર થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે કૈલાસ પર્વત આકાશીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવનું કેન્દ્ર છે. આ દુનિયાનું એવું બિંદુ છે જ્યાં આકાશ અને ધરતી એક થઈ જાય છે. અહીં દશે દિશાઓનું મિલન થાય છે. મેં પણ કૈલાસ પર્વતને સર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે હું કૈલાસ પર્વતની એકદમ નજીક પહોંચી ગયો હતો તો મારા હૃદયના ધબકારા ઝડપથી વધવા લાગ્યા હતા. જેના પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી હું તે પર્વતની એકદમ સામે હતો, પરંતુ અચાનક મને ખૂબ જ કમજોરીનો અનુભવ થવા લાગ્યો હતો અને મનમાં વિચાર આવવા લાગ્યો કે મારે અહીં વધારે રોકાવું ન જોઈએ. ત્યાર બાદ જેમ જેમ હું નીચે આવતો ગયો તેમ તેમ મારું મન હળવું થતું ગયું. આ અને આવી અનેક વાતોનો ઉલ્લેખ ડો. અર્ન્સ્ટ મુલદાશેવના પુસ્ક્ત ‘વેર ડુ વી કેઈમ ફ્રોમ’માં જોવા મળે છે.
આ તો થઈ વિજ્ઞાનની વાત. વેદોમાં પણ કૈલાસ પર્વતનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે ફક્ત શુદ્ધ આત્મા જ કૈલાસ પર્વત પર પહોંચી શકે છે અને કૈલાસ પર્વત પર પહોંચ્યા પછી સ્વર્ગનો રસ્તો ખૂલી જાય છે. જેમણે શિવ તત્ત્વનો સાક્ષાત્કાર કરી લીધો હોય, જેણે એવી સંતૃપ્તિ પ્રાપ્ત કરી લીધી હોય તેવા સિદ્ધ યોગી, સંતો અને પુણ્ય આત્માઓ જ કૈલાસ પર્વત પર પહોંચી શકે છે.
કૈલાસ પર્વતની ભૌગોલિક પરિસ્થિતિ પણ ગજબ છે. કૈલાસ પર્વતની સંરચના કંપાસનાં ૪ બિંદુઓ સમાન છે. કૈલાસ પર્વત સિંધ, બ્રહ્મપુત્ર, સતલજ અને ધાધરા નદીની વચ્ચે આવેલો છે, જેનો આકાર સૂર્ય સમાન છે. અહીં રાક્ષસ સરોવર પણ છે, જે દુનિયાના સૌથી ખારા પાણીનાં સરોવરમાંનું એક છે. પર્વતનું ચંદ્ર સમાન તેજ છે, જેને સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સ્રોત માનવામાં આવે છે. જ્યારે આકાશમાંથી ડ્રોન શોટ લઈને જોઈએ તો આ સરોવરો અને પર્વતોમાંથી સ્વસ્તિક જેવી આકૃતિ પણ જોવા મળે છે. તમે ક્યારેય માન સરોવરની મુલાકાતે ગયા છો! જો ગયા હશો તો આજે મેં કૈલાસ પર્વતની જે અચરજ પમાડે તેવી વાતો કરી એ અવશ્ય સાંભળી હશે. શિવતત્ત્વની સાધના કરનાર અનેક યોગીઓએ જ્ઞાન અને વિજ્ઞાનની વચ્ચેથી પસાર થતાં સત્ત્વ અને સત્યને પ્રાપ્ત કર્યું છે, પણ કૈલાસ પર્વત આજ સુધી એક વણઉકેલ્યું રહસ્ય બની ગયો છે, જે કોયડો કદાચ ક્યારેય નહીં ઉકેલાય!

1 thought on “કૈલાસ પર્વત: રહસ્યોના પેટાળમાં દટાયેલું શિવત્વ

  1. માહિતીસભર લેખ, ભારતીય લોકોનું – વૈજ્ઞાનિકોનું આ બાબતમાં રીસર્ચ કેટલું?
    યોગદાન કેટલું?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.