Homeઈન્ટરવલવિસ્ફોટક કપરી ઘડીમાંય મોતીલાલે અહિંસા કે આશા છોડ્યા નહીં

વિસ્ફોટક કપરી ઘડીમાંય મોતીલાલે અહિંસા કે આશા છોડ્યા નહીં

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૨૯)
હકીકતમાં તો બ્રિટિશ સત્તાધીશો અને દેશી રજવાડામાં ફફડાટ પેસી ગયો હતો. મોતીલાલ તેજાવતનો પ્રભાવ અને એકી આંદોલનની સફળતા તેમનાથી સહન થતી નહોતી. આ આંદોલન અને એના નામને કચડી નાખવા માટે સામ, દામ, દંડ અને ભેદની સાથે ‘ભાગલો કરો અને રાજનીતિ’ના દાવ સરિયામ નિષ્ફળ નિવડ્યા હતા. તેજાવતની ધરપકડ કરવાનો આદેશ મેવાડ ભીલ કોર્પ્સને અપાયો હતો, ને તેમને સાથ આપવા રજવાડાઓની સેનાને તૈયાર રખાઇ હતી. આ ઓપરેશન માટે લશ્કરી કાર્યવાહી કરવાની જવાબદારી કમાન્ડિંગ ઑફિસર નસીરાબાદને અપાઇ હતી.
મોતીલાલ તેજાવતના આયોજન મુજબ દ્રઢવાવમાં બધા ભેગા થવાના હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ સૌને એકઠા કરવા પાછળ ધાર્મિક ભાવના હતી. આથી જ મોટા ભાગના ભીલો, ગરાસિયા અને આદિવાસીઓ નાળિયેર, ઘી, કંકુ, લોટ અને ચિલ્લર પૈસા લઇને આવતા હતા. અલબત્ત, એકી આંદોલનની એકતાને જાળવવા અને મજબૂત બનાવવા માટે તેજાવતે આ સભા બોલાવી હતી પણ એની કાર્યસૂચી જરાય રાજકીય નહોતી, પરંતુ બ્રિટિશ અને રજવાડાઓની સેનામાં એટલો બધો ડર પેસી ગયો હતો કે એમને આ કાર્યક્રમમાં કાવતરું જ દેખાયું.
ભોળા ભીલો પોતાના નાયક મોતીલાલ તેજાવતનું કંકુ-ચોખાથી સ્વાગત કરતા હતા. એમનો અને એકી આંદોલનનો સાથ ક્યારેય ન છોડવાનો કોલ પણ આપતા હતા. આંદોલનકારીઓમાં પહેલેથી જ ભળી ગયેલો રતનલાલ નામનો ગરાસિયો આ બધું જોઇ રહ્યો હતો. હકીકતમાં એ બ્રિટિશરોનો ખાંધિયો હતો, જાસૂસ હતો અને એકી આંદોલનનો ગદ્દાર હતો. આ ખબરી શકય એટલી જાણકારી પોતાના ગોરા માલિકોને પહોંચાડતો હતો.
નજીકના ગામ ખેરવાડામાં અર્ધ-લશ્કરી દળ મેવાડ ભીલ કોર્પ્સના જવાનો આદેશની પ્રતીક્ષામાં હતા. આમાં મહીકાંઠા અને મેવાડના ઠાકરોની પણ મદદ લેવાઇ હતી. આ બધા વર્દીધારીઓમાં ટોચના ચાર-પાંચ ઓફિસરોને બાદ કરતા મોટાભાગના સૈનિકો ગરાસિયા જ હતા. ગુજરાતના પાલનપુર, વિજયનગર, દાંતાથી લઇને ખેડબ્રહ્માના અને રાજસ્થાનના ઉદયપુર, બાંસવાડા, સિરોહી અને ડુંગરપુરથી આદિવાસીઓના ધાડેધાડા ઊતરી આવ્યા હતા.
ખબરી રતનલાલને કારણે બ્રિટિશરોને તેજાવતની એક એક હિલચાલ, સ્થળ, સમયની જાણકારી સાથે એકી આંદોલનના વ્યૂહની રજેરજની માહિતી મળતી રહેતી હતી. એક તરફ તેમને સજજ હોવાનો સંતોષ મળતો હતો, તો બીજી બાજુ સતત નવાજૂની થવાના ભયને લીધે જીવ ઊચક રહેતો હતો. એકી આંદોલનની છાવણીમાં થોડી-ઘણી શાંતિ અને નિરાંત હતી. પણ સામે પક્ષે અંજપા ઉતાવળના વટવૃક્ષ વિકસી રહ્યાં હતાં.
ચોતરફ અર્ધલશ્કરી દળ અને પોલીસની હાજરી વચ્ચે મોતીલાલ તેજાવતે આંદોલનકારીઓને પાનો ચડાવવો અનિવાર્ય બની ગયું. સાથોસાથ પોતાને કોઇની બીક નથી અને તમારે ય જરાય ડરવાની જરૂર નથી એ સૌના મનમાં ઠસાવવાનું હતું. ધાર્મિક મેળાવડો હતો અને ભીલ-ગરાસિયા શ્રદ્ધાળુ પ્રજા. તેજાવતે ભીલોને સંબોધનમાં આ મતલબનું કંઇક કહી દીધું. “તમે જો જો હું કારતૂસોને ભમરા બનાવી દઇશ અને પિસ્તોલમાંથી ગોળીને બદલે પાણી વરસાવીને રહીશ. સમજી શકાય છે કે નહોતા મોતીલાલ જાદુગર કે નહોતા અંધશ્રદ્ધાના પોષક પણ ભીલોને મનથી મજબૂત બનાવવા માટે આવી જુમલાબાજી જરૂરી લાગી હશે.
૧૯૨૨ની સાતમી માર્ચે દ્રઢવાવના ડુંગરાળ પ્રદેશમાં સાત આંબાની ઘટામાં તેજાવત અને ‘એકી’ આંદોલનકારીઓ ભેગા થઇ ગયા હતા આની જાણકારી ખબરી થકી એક સૈનિકને પહોંચી ગઇ. આ સૈનિક ગભરાઇને દોડ્યો. નજીકના ગામ ખેરડાવા. ત્યાં પહોંચીને પોલિટિક્લ એજન્ટને બધી જાણકારી આપી. જામી રહેલી ભીડ વચ્ચે પોલિટિક્લ એજન્ટને કંઇક નવાજૂની થવાનો ભય લાગ્યો હશે તેણે તરત ચક્રો ગતિમાન કરી દીધાં. કયારના આદેશની રાહ જોતી મેવાડ ભીલ કોર્પ્સ એકદમ જોશમાં આવી ગઇ. તેણે મેજર સદનની આગેવાનીમાં દ્રઢવાવ ભણી આગેકૂચ શરૂ કરી.
અહીં દ્રઢવાવમાં શાંતિપૂર્વક એકીની સભા ચાલતી હતી. પલટન આવી રહી હોવાની જાણકારી મળવા છતાં તેજાવત લેશમાત્ર ગભરાયા નહીં. તેમણે અનુયાયીઓને હૈયાધારણ બંધાવી કે ભીલ કોર્પ્સમાં આપણા જ ભાઇઓ છે. તેઓ આપણને કંઇ હાનિ પહોંચાડવાને બદલે એકી આંદોલનમાં જોડાઇ જશે. આવા કપરા કાળમાં મોતીલાલ તેજાવતની હિંમત અહિંસા વિશ્ર્વાસ અને આશાવાદ પ્રશંસનીય હતા પણ કમનસીબે એમની ધારણા ખોટી પડવાની હતી.(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -