Homeઈન્ટરવલમોમાઈ માતાનું મૂળ સ્થાપન સ્થળ, મોમાઈ મા મંદિર: ‘મોમાઈ મોરા’

મોમાઈ માતાનું મૂળ સ્થાપન સ્થળ, મોમાઈ મા મંદિર: ‘મોમાઈ મોરા’

તસવીરની આરપાર -ભાટી એન.

કચ્છ જિલ્લાનું રાપર અંતરિયાળ તાલુકો રણ વિસ્તારને અડીને આવેલ છે એ વાગડ વિસ્તાર સાથે આજે પણ અતૂટ નાતો છે. કચ્છ જિલ્લો હોવા છતાં તેઓ મોટી ખરીદી કે સાજે માંદે પાટણ જવાનું પસંદ કરે છે…! ભૂજ તો ખાસું દૂર થાય છે. રાધનપુરવાળો નેશનલ હાઈવે ચિત્રોડથી ખસી જાય છે. ત્યાંથી ૩૫ કિ.મી.ના અંતરે રાપર આવે છે પણ રસ્તો નિસ્તેજ સિંગલપટ્ટી છે. અત્યારે કચ્છમાં વિકાસના દ્વાર ખુલી ગયા છે. સામખિયારીથી ગાંધીધામ સુધી સિક્સ લાઈન નેશનલ હાઈવે છે અને એ ટોપ ટનાટન ગુજરાતમાં સિક્સ લાઇન અમદાવાદ, વડોદરા બાજુ આવો ભવ્ય રસ્તો છે. તાજેતરમાં મેં જાતે રાપર તાલુકાનો ૨૦૦ કિ.મી.નો અંતરિયાળ પ્રવાસ કરેલ હું ઠેઠ બોર્ડર સુધી ગયેલ પણ જે વિકાસ ગુજરાતમાં થયો છે, તેના અમૃતફળ હજુ રાપર સિટી કે તાલુકાને મળ્યા નથી તેના બદલામાં મોરબીની સિરામિક માટી સફેદ માટેની વિપુલ પ્રમાણમાં મળે છે. રાપર તાલુકામાં સફેદ માટીનો જથ્થો છે. અંતરિયાળ વિસ્તારમાં વિકાસનો રસ્તો રાપર બનતો જાય છે. હજુ ગામડાઓમાં અક્ષર જ્ઞાનથી વંચિત હોય તેવી અનુભૂતિ થાય છે…! તેમ છતાં રાપર તાલુકામાં ધાર્મિકતાની ધજા અંબર સુધી આંબે છે. આ તાલુકાનું મોમાઈ મોરા વિશ્ર્વવિખ્યાત છે. સાવ સિંગલ પટ્ટી રોડને ખાસ્સું દૂર સુદૂર જતા શ્રી મોમાઈ માતાજીનું મંદિર આવશે.
કચ્છના રાપર તાલુકામાં મોમાઈ-મોરગઢમાં મહાશક્તિ મોમાઈ માતાજીનાં બે મંદિરો આવેલ છે. નવું જૂનું થોડા થોડા અંતરે બંને ભવ્ય મંદિરો આવેલાં છે. જોકે બંને મંદિરે વિકાસ ઘણો થયો હોય અને આજુબાજુ પ્રસાદી અને અન્ય દુકાનો છે. નવા મંદિરમાં ભવ્યતા વધારે છે. ત્યાં પાળિયાનો વિપુલ ભંડાર છે. ચોતરફ કલાત્મક કેશરીયા પાળિયા નિહાળવા મળે છે. મંદિરને અડીને આવેલ એક પાળિયામાં અંગ્રેજે ગોળી મારતા લોહી નીકળ્યું હતું…! તેમ લોકો કહે છે. જોકે ગોળી મારેલ છે. તેની નિશાની પાળિયામાં મોજૂદ છે. આથી મંદિરવાળો વિસ્તાર પણ પ્રાચીનતમ હશે. તેવી પ્રતીતિ તંતોતંત થાય છે. ત્યાંથી થોડે દૂર જતા જૂનું મોમાઈ માતાજીનું મંદિર આવે છે. ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા પણ છે. મોમાઈ મોરા આવતા માના ભક્તો બંને મંદિરે દર્શન કરવા માટે જાય છે.
મોમાઈ માતાજીની પહેલી સ્થાપના આ સ્થળે થયાનું મનાય છે, કારડિયા રાજપૂતો, જાડેજા રાજપૂતો,, વાઢેર ભરવાડ, રબારી, પટેલ અને અન્ય જ્ઞાતિઓ માને અપાર શ્રદ્ધા ભક્તિથી માને છે. ઘણાના કુળદેવી પણ છે. મોમાઈ મોરા ગામમાં માતા મોરાગઢ ઉપર કેમ બિરાજ્યા…? ઘણાં વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં ચંદ્રવંશી જાડેજા કુટુંબો રહેતા હતા. આ કુટુંબોને અંદરોઅંદર મતભેદ થયો. એટલે જતો કૌટુંબિક શાંતિ માટે કેટલાક ચંદ્રવંશી જાડેજા કુટુંબોમાંથી સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કચ્છ ધરાના નારાયણમાં પહોંચ્યા ચાલતા… ચાલતા… એમને પાણીની તરસ લાગી આથી આ કુટુંબો પાણીથી પીડાવા લાગ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી પડ્યા એટલે જાડેજા કુટુંબો પોતાના ઈષ્ટદેવ કુળદેવી માને યાદ કરવા લાગ્યા પણ અશાંત મને ઘરબાર છોડ્યા તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી અને તેઓ મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે માં તું તો જાડેજાની કુળદેવી મોમાઈ મારગ બતાવ.
મોમાઈ જાગતી ને દેવી ડાક વાગતી. છતાંય શાસ્ત્રોમાં કહ્યું છે ને છોરુકછોરું થાય પણ માવતર ન થાય. તરસથી પીડાતા જાડેજાને માર્ગ બતાવા મા પધાર્યાં. કરે જે ભાવથી યાદ એની વહારે મા આવતાં. માતાજી જાડેજા કુટુંબની વારે પધાર્યાં તેણે કેવું રૂપ દેખાડ્યું. સાંઢણી ઉપર બિરાજીને મા પધાર્યાં જાડેજાઓએ તેમની વિતક કથા સંભળાવી કે અમો ભૂખ્યા છીએ કૃપા કરી તરસ પણ જોરદાર લાગી છે. અમારી તૃષાને શાંત કરો. અમારી મા જ્વારા અને ભસ્મ સાથે લાવવાનું ભુલી ગયા છીએ. સાંઢણી સવાર બાઈ બીજું કોઈ નહીં મોહમાયા માતાજી મોમાઈ પોતે જ હતાં. દુ:ખી ભક્તોના અંદરની વેદના સાંભળી ભક્તોની વહારે પધાયાર્ં હતાં અને કહ્યું લો તમને પાણી આપું છું. તમે મારી પાછળ આવજો અને સાંઢણીના નિશાને હાલજો. અને ટીંબો આવે એટલે ગામ આવશે ત્યાં માતાજી તમને ચમત્કાર બતાવશે. એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો. તમારો ભાગ્યોદય થશે. તમારું કલ્યાણ થશે. સાંઢણીના નિશાને ચાલતા ગયાને મીઠ્ઠા મધ જેવા ઝરણામાંથી તરસ છીપાવી આગળ ચાલ્યા બીજા દિવસે જાડેજા કુટુંબો મોમાઈ મોરા ગામમાં પહોંચ્યા એ ટીંબા ઉપર સાંઢણીના નિશાન પૂરા થતાં હતાં. ત્યાં માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હતી તેના નિશાનરૂપે શ્રીફળ, ચૂંદડી, ત્રિશુલ, સુગંધી જોઈ જાડેજા કુટુંબને આશ્ર્ચર્ય થયું કે રણમાં જે દેવી આવ્યાં હતાં તે મા ‘મોમાઈ મોરા’ કહેવાય છે. પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા એમના નામનું સ્મરણ કરવા લાગ્યા એ ગામનું નામ મહા માયાપુર જે અપભ્રંશ થતાં ‘મોમાઈ મોરા’ થઈ ગયું અને કચ્છ મહારાજા શ્રી પહેલા ખેંગારજીએ મોમાઈ માની ડેરી બંધાવી પછી’ તો તેમની એક માનતા સફળ થઈ ગઈ અને વિશાળ મંદિર બંધાવી આપ્યું. મોમાઈ માતાજીની કીર્તિ હવે તો ચારેય દિશામાં પ્રસરી ગઈ છે.
આદ્યશક્તિ મહામાયા માળી મોહમાયા જેના કુળમાં મોમાઈ પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ન હોય. આફત પણ ટળી જાય છે. બધી મનોકામના પૂર્ણ થાય છે. જાગતી જ્યોત મા મોમાઈના દર્શને રોજના હજારો ભકતો આવે છે. અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ કચ્છ વાગડના મહેમાન બનો અને મોમાઈ મોરામાં નવું – જૂનું મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરો તમારી પણ મનછા પૂર્ણ થશે… જય મોમાઈ માતકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -