છેલ્લાં ૩૨ વર્ષથી જરૂરિયાતમંદ બાળકોને ભણાવીને આત્મનિર્ભર બનાવે છે
વિશેષ -અનંત મામતોરા
પુડુચેરીમાં ‘ઉધાવી કરંગલ’ નામની એનજીઓ ચલાવતી એલિસ થોમસ સેંકડો બાળકો માટે ગોડમધરથી ઓછી નથી! દક્ષિણ ભારતનું શહેર પુડુચેરી તેની સુંદરતા માટે જાણીતું છે. પરંતુ અહીં પણ બાળકો અને વૃદ્ધોને લગતી અનેક સમસ્યાઓ ગંભીર સમસ્યા છે. પુડુચેરીમાં રહેતી એલિસ થોમસ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાઓનો અંત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને તેણે બાળકો માટે એક એનજીઓ શરૂ કરી છે. વાત કરતાં, ૫૩ વર્ષીય એલિસ કહે છે, આ બાળકોની વાત મારા કરતાં વધુ પ્રેરણાદાયી છે. મારી પાસે ઉછરેલા ઘણા બાળકો આધુનિક સુવિધાઓ વિના પણ જીવનમાં સારા સ્થાને પહોંચ્યા છે. આ મારા માટે ગર્વની વાત છે.
વર્ષો પહેલા, એક ૧૦ વર્ષના બાળકને રસ્તે રઝળતો અને રડતો જોઈને, એલિસે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેના જીવનની મુશ્કેલીઓ વિશે જાણીને એલિસ વિચારવા મજબુર થઇ ગઈ. દારૂ અને ખાવાના પૈસા ન લાવી શકવાને કારણે બાળકને તેના જ માતા-પિતાએ ખુબ માર માર્યો હતો. તેણે જોયું કે ઘણા બાળકો માટે આ રોજિંદી ઘટના હતી. આ ઘટનાએ ૨૧ વર્ષીય એલિસના જીવનમાં એક વળાંક આપ્યો. તેમણે આવા બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું અને પહેલા તેમના માટે આશ્રય બનાવવાનું અને તેમને શિક્ષણ આપવાનું નક્કી કર્યું.
એલિસે ૧૯૯૧માં ‘ઉધાવી કરંગલ’ નામથી એનજીઓ શરૂ કરી હતી. તે સમયે તેણે માત્ર ૧૦ બાળકો સાથે આશ્રયસ્થાન ખોલ્યું હતું. લોકોની મદદથી થોડાં જ વર્ષોમાં જમીન લઈને તેણે છોકરા-છોકરીઓ માટે બે અલગ-અલગ શેલ્ટર હોમ બનાવ્યાં, જેમાં પછાત પરિવારોના બાળકોને શિક્ષણની સાથે રહેવા અને ખાવાની સુવિધા પણ આપવામાં આવી. આ રીતે આજે તે માતા બનીને હજારો બાળકોનો ઉછેર કરી રહી છે. આમાંના ઘણા પરપ્રાંતિય મજૂરોના બાળકો છે, જ્યારે ઘણા જાતીય શોષણ અથવા ડ્રગ વ્યસનનો શિકાર છે. સારી વાત એ છે કે આટલા વર્ષોની મહેનત પછી આજે એલિસના લગભગ તમામ બાળકો જીવનમાં સ્વતંત્ર બની ગયા છે. કેટલાક ઓટો રિક્ષા ચલાવે છે, તો કેટલાક શિક્ષક કે નર્સ બની ગયા છે. ઘણા બાળકો મોટી આઈટી કંપનીઓમાં પણ કામ કરી રહ્યા છે. સેંકડો બાળકોના જીવનમાંથી અંધકાર દૂર કરીને, એલિસે તેમને આશાનો નવો પ્રકાશ બતાવ્યો. તેથી જ આ બધા બાળકો માટે તે તેમના માતાપિતા કરતાં વધુ એક ગોડમધરનું સ્થાન ધરાવે છે.