Homeઉત્સવભારત સિવાયના મોટા ભાગના દેશો રિસેશન અને ડિપ્રેશનની દિશામાં

ભારત સિવાયના મોટા ભાગના દેશો રિસેશન અને ડિપ્રેશનની દિશામાં

બ્રિટન, યુએસ, ન્યૂ ઝીલેન્ડથી લઈ બ્રાઝિલ સુધી

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ગ્લોબલ સ્તરે કેટલીક સમસ્યા છુંટીછવાઈ અને કેટલીક ટોળામાં ચાલી રહી છે, જેની ઓવરઓલ આર્થિક અસરો વિવિધ દેશોને ઘેરી વળી છે. ફુગાવો, વ્યાજદર, કરન્સીની વોલેટિલિટી, મંદ વિકાસ અથવા રિસેશન તરફની ગતિએ અનેકવિધ ભય અને શંકા ઊભા કર્યા છે, આમાં ભારત અપવાદ ખરું, પણ અહીં ચાલતા વિવિધ વિવાદના ઉપાય પણ જરૂરી છે.
સ્કુલો અને કોલેજોમાં રિસેસ પડે અને વેકેશન પણ પડે, જેમાં વિદ્યાર્થીઓને ભરપુર મજા પડે. આ બે આનંદ-મજાના શબ્દોને આર્થિક અર્થમાં દેશ માટે જુદાં લાગુ પાડીને જોઈએ તો આનંદ છિનવાઈ જાય અને તેને બદલે આક્રંદ આવે. હાલમાં વિશ્ર્વના ઘણાં ખરાં દેશોની હાલત કે દશા આવા જ આક્રંદવાળી છે. આ દેશોમાં રિસેસને સ્થાને રિસેસન અને વેકેશનને સ્થાને ડિપ્રેશનના ભયનો સમયગાળો ચાલી રહયો છે. જેની કરન્સી ડૉલર ગ્લોબલ સ્તરે મજબૂત હોવા છતાં યુએસને તેનું ઊંચું કરજ દબાણ હેઠળ લાવી રહયું છે. આ વિષય હાલ ત્યાં ગંભીર ચર્ચાનો અને ચિંતાનો બન્યો છે.
૨૦૨૩ના વરસ માટેના ચોકકસ અભ્યાસ આધારિત આંકડા અને આગાહીને જોઈએ તો એક સમયે જેણે આપણા દેશ પર પોણા બસો વરસ રાજ કર્યુ એ બ્રિટિશ આજે રિસેશન તરફ જવાની સૌથી ઊંચી એવી ૭૫ ટકાની સંભાવના ધરાવે છે. બીજા ક્રમે ન્યૂ ઝીલેન્ડ ૭૦ ટકા, યુએસએ ૬૫ ટકા, ઈટાલી, કેનેડા અને જર્મની ૬૦ ટકા, ફ્રાન્સ ૫૦ ટકા, સાઉથ આફ્રિકા ૪૫ ટકા, ઓસ્ટ્રેલિયા ૪૦ ટકા, રશિયા ૩૭.૫ ટકા, જપાન ૩૫ ટકા, સાઉથ કોરિઆ ૩૦ ટકા, મેકિસકો ૨૭.૫ ટકા, સ્પેન ૨૫ ટકા, સ્વિત્ઝરલેન્ડ ૨૦ ટકા, બ્રાઝિલ ૧૫ ટકા, ચીન ૧૨.૫ ટકા, સાઉદી અરેબિયા ૫ ટકા, ઈન્ડોનેશિયા રિસેશનમાં જવાની બે ટકા શકયતા ધરાવે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિકસની આ આગાહી છે. અર્થાત વિશ્ર્વના અનેક દેશો-મહાશક્તિશાળી ગણાતા દેશો હાલ આર્થિક દૃષ્ટિએ નબળાં પડી ગયા છે અને પડી રહયા છે. આ બધામાં એક દેશ છે, જયાં રિસેશનની શકયતા શૂન્ય છે, આ દેશ છે આપણું હિંદુસ્તાન.
ગ્લોબલ સમસ્યાને સમજો
ગ્લોબલ સ્તરે હાલમાં જિઓપોલિટિકલ સમસ્યા ગંભીર બનતી જાય છે, જેમાં રાજકારણ ઉપરાંત અર્થકારણ કેન્દ્રમાં છે, ત્યાં વળી હવે આજ (હાલ) મોસમ બડા બેઈમાન હૈ જેવું ગીત ગાવું પડે એવો તકલીફવાળો તાલ પણ છે. આ ફિલ્મી ગીત તો રોમેન્ટિક હતું, કિંતુ હાલમાં વિશ્ર્વ માટે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવું છે. હિટવેવ, અલ નિનો, કલાઈમેટ ચેન્જ, કમોસમી વરસાદ, પાણીની ગંભીર સમસ્યા, કુદરતી આફતો, વગેરે વિશ્ર્વ પર એક યા બીજા સ્વરૂપે સવાર થતી જાય છે, કારણ કે માણસજાત કુદરત સાથે સતત અન્યાય અને જુલમ કરતી રહી છે. યુદ્ધ, તનાણ, તંગી, ભાવવધારા, વ્યાજવધારા, કરન્સીની આક્રમક ચંચળતા-વોલેટિલિટી, અસમાનતા, વગેરે જેવા પરિબળો વિશ્ર્વને સજા કરી રહયા હોય એવું જણાય છે. માણસજાત જાગશે નહીં તો વિનાશની દિશા તરફ પ્રયાણ તો ચાલુ થઈ જ ગયું છે.
વિવિધ દેશોની દશા કોરોના અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે વિવિધ દેશો આર્થિક-સામાજિક તણાવમાં મુકાતા ગયા છે, જેમાં રાજકારણ સતત પોતાની સ્થાપિત હિતોની રમત રમતું રહયું હોવાથી સમસ્યા ઉકેલાવાને બદલે વધુ વસમી બને છે. અમેરિકા ભારે દેવા(કરજ) હેઠળ હોવા છતાં તેના ડૉલરની દાદાગીરી ચાલુ રહી છે. ચીન મજબૂત હોવા છતાં કેટલીક બાબતે મજબૂર છે. બ્રિટન અને યુરોપ તેમની ગંભીર સ્થિતિમાં હોવા ઉપરાંત બાકીના નાના-મોટા દેશો એક યા બીજી સમસ્યાનો સામનો કરી રહયા છે. આમાં હાલ સૌથી તાજી અને વિકટ સમસ્યા ઈન્ફલેશન, ઈન્ટરેસ્ટ રેટસ અને લોકલ કરન્સીની વોલેટિલિટી અંગેની છે. આમાંથી બહાર આવવા તમામ દેશો સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ પ્રવર્તમાન સંજોગો તેમને સાથ આપી રહયા નથી. કોઈની પાસે નકકર ઉપાય નથી. આમ પણ હવે ગ્લોબલાઈઝેશનમાં અમુક અપવાદ સિવાય કોઈપણ એક દેશ વૈશ્ર્વિક સમસ્યાની અસરોથી સાવ મુકત રહી શકતો નથી. તમામ દૃષ્ટિએ પાકિસ્તાનની દશા જગજાહેર છે. બાંગલાદેશ, શ્રીલંકાના હાલ પણ સૌની સામે છે. બાકી ઘણાં દેશો લાફો મારીને પોતાના ગાલ લાલ રાખી રહયા હોય એવું લાગે છે. આ બધાં જ દેશો હાલમાં પોતાની મોંઘવારી, બેરોજગારી અને લોકલ કરન્સીની દશાથી પરેશાન હોવાથી તેના ઉપાય પણ શોધી રહયા છે.
સીધા વિદેશી રોકાણનો પ્રવાહ
હવે આપણા દેશની સ્થિતિ પર નજર કરીએ તો ભારતમાં વિદેશોથી આવતા રોકાણ પ્રવાહના કેટલાંક નકકર આંકડાની ઝલક જોવા જેવી છે. ૧૯૪૭ માં દેશ આઝાદ થયા બાદ ભારતમાં ૯૫૦ અબજ ડૉલર જેટલું સીધું વિદેશી રોકાણ (ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ-એફડીઆઈ) આવ્યું છે, જેમાંથી ૫૩૨ અબજ ડૉલરનું રોકાણ છેલ્લા ૧૯ મહિનામાં આવ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ એફડીઆઈનો પ્રવાહ બે-પાંચ કે દસ-બાર દેશોમાંથી જ નહી, બલકે ૧૬૨ દેશોમાંથી આવ્યો છે તેમ જ ૬૧ સેકટરમાં વિદેશી રોકાણ આવ્યું છે, એટલું જ નહીં, દેશના ૩૧ રાજયોમાં આ વિદેશી રોકાણ ફેલાયું છે. આ બાબત ભારતીય અર્થતંત્રમાં મુકાઈ રહેલા વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે. હાલ ભારત વિશ્ર્વના વિવિધ દેશોને રોકાણની-બિઝનેસની તકો ઓફર કરી રહયું છે, આકર્ષી રહ્યું છે અને તેના સારા પરિણામ આપવા સક્ષમ બન્યું છે. ભારતે એક વિશેષ ઈમેજ ઊભી કરી છે. આ માટે ભારતની આર્થિક નીતિઓ-સુધારા અને વિકાસલક્ષી અભિગમનો ફાળો નોંધવો રહયો.
પ્રગતિ છે, પડકારો પણ છે
બાય ધ વે, ભારતના હાલ શું છે? એ પણ સમજી લઈએ. ઈન્ફલેશન, ઈન્ટરેસ્ટ રેટસ અને કરન્સીની બાબતે હાલ તો ભારત બહેતર સ્થિતિમાં હોવાનું જોઈ શકાય છે. અર્થતંત્રના આંકડા અને માહિતી બોલે છે. જીડીપીનો વૃદ્ધિદર કહે છે, વિદેશોથી સતત આવતો રોકાણ પ્રવાહ બોલે છે. બજારની તેજી-સેન્ટીમેન્ટ પોકારે છે. વપરાશ, ડિમાંડ, ઉત્પાદન, નિકાસ, ટ્રેડ ડેફિસિટ, કરન્સી રિઝર્વ, ટેકસ કલેકશનના આંકડા આંખે ઊડીને વળગે છે. તેમ છતાં ભારતે આટલા માત્રથી રાજી થઈ જવા જેવું નથી કે છકી જવાનું પણ નથી.
ભારત સામે હજી પડકારોના ઢગલાં છે. કરચોરી અને કરપ્શન જોરમાં છે, રાજકારણના રંગ સતત બદલાયા કરે છે. ચોકકસ ક્ષેત્રોમાં નિયંત્રણો અને નિયમનો અવરોધ પણ બની રહયા છે. અમલદારશાહી નડી કે કનડી રહી છે. બેઈમાની હજી ફુલીફાલીને વિસ્તરી રહી છે. સુધારા છે તો સામે બગાડા પણ ચાલ્યા કરે છે. આંતરિક સમસ્યા ગંભીર છે, દેખાતી ઓછી હોઈ શકે, પરંતુ ભીતર ઘણી છે. કરવસૂલી કરતા કરચોરીનું પ્રમાણ વધુ છે, હજી ૧૦૦ મેં સે ૯૦ બેઈમાનમાંથી ૭૦ બેઈમાન તો રહયા જ છે.
ઈન શોર્ટ, ભારત સરકારે આત્મનિરીક્ષણની જરૂર છે. સિસ્ટમમાં હજી ઘણી ખામીઓ અને અવરોધો છે, માત્ર વિરોધ ઓછાં થયા છે, જેનું કારણ વિરોધનો ભય ગણાય છે. બાકી વેપાર-ઉદ્યોગ વર્ગ ઘણી બધી રીતે રાજી હોવા સાથે નારાજ પણ છે. કેન્દ્ર સરકારે આ વિષયને ગંભીરતાથી હાથ ધરી તેના નકકર ઉપાય કરવાનો સમય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -