સ્ત્રી અને સ્વતંત્રતા એ વિરોધી શબ્દો છે એવું મોટા ભાગનાં પુરુષો માને છે!

મેટિની

‘મર્દ હોને કે નાતે જો બાત તુમ્હારે લિયે સહી હૈ વહ બાત એક ઔરત હોને કે બતૌર મેરે લિયે ભી સહી હોની ચાહીએ…’

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

૧૮મી સદીમાં નોર્વેજિયન નાટ્યકાર હેન્રિક ઈબ્સને એક વ્યક્તિ તરીકે સ્ત્રીને સ્વતંત્રતા હોવી જોઈએ અને એ સ્વતંત્રતાનો આધાર કોઈ પુરુષ પર ન હોવો જોઈએ એવું આખી દુનિયાને ખળભળાવી દેતું એક નાટક ‘ડોલ્સ હાઉસ’ નામનું લખ્યું હતું.
આ નાટકમાં નોરા નામની પત્ની પોતાના પતિની બીમારી માટે એક વ્યક્તિ પાસેથી ૧,૨૦૦ ડોલર ઉધાર લઈને પતિને હવાફેર કરાવી સાજો કરે છે અને એને મનમાં એમ છે કે પોતાનો પતિ વર્ષો પછી આ વાત જાણીને પોતાના પર કેટલો ગર્વ કરશે, પ્રેમ કરશે અને પોતાના જેવી પ્રેમાળ પત્ની એને મળી એ બદલ ખુશખુશાલ રહેશે. પણ એ પૈસા ઉધાર લેવામાં નોરાએ એક ભૂલ કરી છે. એણે પોતાના પિતાની સહી પોતે જ જામીન તરીકે કરી હોય છે (પછી પિતાને કહી દઈશ એવું માનીને), પણ પોતે નિયમિત હપ્તા પણ ચૂકવતી રહે છે. સમય જતાં એના પતિને બેન્કમાં મુખ્ય મેનેજરનો હોદ્દો મળે એવી તક બને છે અને એ જ વખતે પેલા પૈસા ઉધાર આપનાર માણસની એ જ બેન્કમાંની નોકરી ચાલી જાય એવી સંભાવના બને છે!
એટલે પેલો માણસ નોરાને મળીને કહે છે કે નોરા એના પતિને કહીને પોતાની નોકરી બચાવી લે, નહીં તો એ માણસને ખબર છે કે નોરાએ ખોટી સહી કરી છે એટલે તે નોરા સામે ફરિયાદ કરીને કુટુંબને બરબાદ કરી દેશે. નોરા આજીજી કરે છે કે તમને એક પણ હપ્તો ચૂક્યા વગર પૈસા મળે જ છે તો શા માટે આવું કરો છો? પણ પેલો માણસ ધમકી આપી જતો રહે છે અને નોરા નછૂટકે પતિને વાત કરે છે અને પતિ આ વાત જાણી બેહદ નારાજ થઈ જાય છે, કારણ કે એને બેન્કની નોકરી પણ ન મળે અને ભાવિ પણ ખરાબ બને! પતિ નોરાને કહે છે કે તેં અપરાધ કર્યો તો તું સજા ભોગવ! હું અને ૩ બાળકો તારી સાથે નથી અને તને છૂટાછેડા આપીને અમે અમારું ભાવિ સુરક્ષિત કરી લઈશું!
પણ એ પછી બીજા દિવસે એમના ઘરના લેટરપેડમાં પેલો માણસ જે ધમકી આપી ગયો હોય છે તે જ એ નોરાની ખોટી સહીવાળા અસલ કાગળ મૂકીને ચિઠ્ઠી મૂકેલી હોય છે કે પોતે બહુ શરમ અનુભવે છે કે નોરા જેવી સ્ત્રીને પોતે પોતાના સ્વાર્થ માટે બ્લેક મેઇલ કરી! હવે એ વ્યક્તિ દેશ છોડી જાય છે એટલે મૂળ દસ્તાવેજ નોરાને આપી દેવા!
નોરાનો પતિ આ કાગળો જોઈ વાંચીને ખુશ થઈ નોરા અને બાળકોને બોલાવી બધી હકીકત કહે છે અને કહે છે કે હવે કોઈ ડર નથી એટલે આપણે સુખમાં જીવી શકીશું.
પણ નોરા ઇનકાર કરી દે છે અને પોતે પોતાના વ્યક્તિત્વની શોધમાં જવા માગે છે. એટલે હવે એ લોકો સાથે રહેવા માગતી નથી એમ જાહેર કરીને ઘર છોડીને જાય છે અને એ ઘરની બહાર જઈને બહારથી ધક્કો મારીને નોરા ઘરનો દરવાજો બંધ કરે છે એનો ધડામ અવાજ થાય છે અને નાટક ત્યાં પૂરું થઈ જાય છે.
***
એ વખતે આ નાટકની ભજવણી પછી એમ કહેવાયું હતું કે ‘નોરા’એ બંધ કરેલા એ દરવાજાના ધડામ અવાજનો પડઘો આખા યુરોપમાં પડ્યો!
છેક અઢારમી સદીમાં ઈબ્સને જે વિચાર મૂક્યો કે ‘સ્ત્રીનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ આ દુનિયાના પુરુષોને સ્વીકાર્ય નથી હોતું સ્ત્રી ઘર, પરિવાર માટે ઘસાઈ છૂટે તો પણ!’ આ વિચારને કેન્દ્રમાં મૂકી નવી વાર્તા બનાવીને ૧૯૭૩માં તમિળ ફિલ્મ ‘આરંગેત્રમ’ બની અને એ ફિલ્મની રિમેક હિન્દીમાં કે. બાલાચંદરે ૧૯૭૭માં ‘આયના’ નામથી બનાવી. આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાની તક મુમતાઝને મળેલી અને રાજેશ ખન્નાએ ગેસ્ટ રોલ ભજવેલો. પોતાનાં ભાઈ, બહેનો અને પરિવાર માટે મુમતાઝ શરીર વેચે છે અને એની શરીરની કમાઈ થકી સુખી થયેલો પરિવાર પોતાની આબરૂ ગુમાવવાની બીકે મુમતાઝને ધુતકારી દે છે!
એ પછી ૨૦૦૦ની સાલમાં મહેશ માંજરેકરે પોતે ઈબ્સનના કેન્દ્રવર્તી વિચાર પર મરાઠી અને હિન્દીમાં ‘અસ્તિત્વ’ નામથી એક જબરદસ્ત ફિલ્મ બનાવી. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું, જ્યારે હિન્દી આવૃત્તિમાં ડાયલોગ ઈમ્તિયાઝ હુસેન પાસે લખાવ્યા.
તબુ, નમ્રતા શિરોડકર, સચિન ખેડેકર, મોહનીશ બહેલ અને સુનીલ બર્વે જેવાં કલાકારો લીધાં અને આ ફિલ્મની સિનેમેટોગ્રાફી એક્ટર વિજય અરોરા પાસે કરાવી! ‘અસ્તિત્વ’ ફિલ્મનું એડિટિંગ શ્રેષ્ઠ એડિટરોમાંના એક એવા વી. એન. માયકરસાહેબે કર્યું. આ માયકરસાહેબે ગોવિંદ સરૈયાની ‘સરસ્વતીચંદ્ર’ એડિટિંગ કરેલી અને પ્રકાશ મહેરાની ‘મુકદ્દર કા સિકંદર’ ઉપરાંત રાજકુમાર સંતોષી અને મહેશ માંજરેકરની લગભગ બધી ફિલ્મો વી. એન. મયેકરે જ એડિટિંગ કરી છે. સંગીત સુખવિંદર સિંહ અને રાહુલ રાનડેએ આપ્યું હતું.
અદિતિ શ્રીકાંત પંડિતની મુખ્ય ભૂમિકા તબુએ ભજવી અને જાનદાર ભજવી છે. શ્રીરંગ ગોડબોલેએ લખેલું ગીત ‘ચલ ચલ મેરે સંગ સંગ’માં એક સીન છે જેમાં તબુ દરવાજો પકડીને ઊભી છે અને ગજબ કશ્મકશમાં છે. મોહનીશ ગીત ગાઈ રહ્યો છે અને તબુએ પકડેલા દરવાજા પરની નેમ પ્લેટમાં સ્પષ્ટ અક્ષરો ચમકી રહ્યા છે, ‘શ્રીકાંત પંડિત’! આ એક સીનમાં તબુએ જે અભિનય આપ્યો છે એ બદલ એને સ્પેશિયલ એવોર્ડ દર્શકો આપી દે છે! અને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ ‘અસ્તિત્વ’ ફિલ્મના મરાઠી વર્ઝનને મળ્યો જ છે.
આજની આધુનિક દુનિયામાં પણ ભારત, પાકિસ્તાન, બંગલાદેશના મોટા ભાગના પુરુષો પણ શ્રીકાંત પંડિત અને અંકિત પંડિતની જ માનસિકતા ધરાવે છે! ભવિષ્ય આજ કરતાં ઉજ્જ્વળ હશે સ્ત્રીઓ માટે એવી આશા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.