Homeઉત્સવસૌથી વધુ કટ્ટર આતંકવાદીઓ ખૂબ ભણેલા અને અતિસમૃદ્ધ હોય છે!

સૌથી વધુ કટ્ટર આતંકવાદીઓ ખૂબ ભણેલા અને અતિસમૃદ્ધ હોય છે!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

વધતા આતંકવાદ માટે ગરીબી અને અજ્ઞાનતા જરાયે જવાબદાર નથી

કટ્ટર ડાબેરીઓ, ઉર્ફે અર્બન નક્સલો, ઉર્ફે માઓવાદીઓ, ઉર્ફે સામ્યવાદીઓ…એ વર્ષો સુધી એક ભ્રમણા ફેલાવી હતી. ખરેખર તો એક ગપ્પુ ચલાવ્યું હતું કે ‘વધતા આતંકવાદ-નક્સલવાદ માટે ગરીબી, શિક્ષણનો અભાવ, સામાજિક અન્યાય… વગેરે જવાબદાર છે. લાંબા સમય સુધી એક ચાંપલા વર્ગના મગજમાં આ બોગસ થિયરી પ્લાન્ટ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. જોકે હવે છેલ્લાં થોડાં વર્ષોથી એમનું આ જુઠ્ઠાણું ઉઘાડું પડી રહ્યું છે. જેમ જેમ વિશ્ર્વ આખામાં કાળો કેર વર્તાવતા આતંકવાદીઓ ઉઘાડા પડી રહ્યા છે તેમ તેમ એમની અસલિયત સામે આવી રહી છે. ગુનાખોરીની વિકૃત માનસિકતાને ઉછેર, પૈસા કે શિક્ષણ સાથે કોઈ લેવાદેવા હોતી નથી. બાળપણથી જ અઢળક પૈસામાં આળોટતા, ગ્રેજ્યુએટ – ડબલ ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત આતંકવાદીઓ સૌથી વધુ ઘાતકી અને કટ્ટર કૃત્યો કરે છે.
થોડાં વર્ષો પહેલાં શ્રીલંકાનાં ચર્ચો અને હોટેલો પર કેટલાક આતંકવાદીઓએ ખૂબ જ બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં ૨૫૦થી વધુ વ્યક્તિઓનાં મોત થયાં હતાં અને ૫૦૦થી વધુ ગંભીર રીતે ઘવાયા હતા. શ્રીલંકાની ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આ હુમલા પાછળ ‘જમૈઆથુલ વિલાથુ ઇબ્રાહિમ’ અને ‘નેશનલ થોવિથ જમાત’ નામના આતંકવાદી સંગઠનનો હાથ છે. આતંકવાદી હુમલા પછી જે આતંકવાદીઓ પકડાયા, ત્યારે બહાર આવ્યું કે કહેવાતા ઇસ્લામિક સ્કોલર ડો. ઝાકીર નાઇક (જે ભારત છોડીને ભાગી ગયો છે અને સરકારે જેને વોન્ટેડ જાહેર કર્યો છે)નાં પ્રવચનો સાંભળીને આ સ્યુસાઇડ હુમલો કરવાનું આયોજન એમણે કર્યું હતું. યાદ રહે કે આ ડો. ઝાકીર નાઇક પીએચ.ડી. થયો છે અને કરોડપતિ છે. આમ છતાં વિશ્ર્વ આખામાં ફરીને યુવાનોને કટ્ટર બનાવવાનું કામ કરી રહ્યો છે. શ્રીલંકાના હુમલા માટે જે પકડાયા એમાંથી મોહમ્મદ ઇબ્રાહિમ અહમદનો શ્રીલંકામાં કોપરનો વ્યવસાય છે અને મોટી ફેક્ટરીઓ પણ છે. આ જ ફેક્ટરીમાં સ્યુસાઇડ બોમ્બરો માટે જેકેટ તૈયાર કરવામાં આવ્યાં હતાં. બીજો એક આરોપી અબ્દુલ લતીફ જમીલ ઇન્ગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભણેલો અને ડબલ ડિગ્રી ધારક છે. ઓસ્ટ્રેલિયામાં કેટલાક કટ્ટરવાદીઓની સોબતે ચઢીને એ આતંકવાદી બની ગયો હતો. આ ઉપરાંત અલ્લાહુદ્દીન અહમદ તેમ જ મોહમ્મદ નાસર નામના આતંકવાદીઓ પણ દર વર્ષે અબજો રૂપિયાનો ચાનો વ્યવસાય કરે છે.
ભારતમાં આજે સૌથી વધુ વોન્ટેડ ગણાતા આતંકવાદી મૌલાના મસૂદ અઝહરની કુંડળી પણ જોઈ લઈએ. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા મસૂદ અઝહરના પિતા સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, આ ઉપરાંત તેઓ ધાર્મિક શિક્ષણ પણ આપતા હતા. એના કુટુંબ પાસે ડેરી અને ફાર્મનો મોટો વ્યવસાય હતો. મસૂદ પોતે ગ્રેજ્યુએટ થયો હતો અને શિક્ષક તરીકે કામ કર્યું હતું. અચાનક એણે અફઘાનિસ્તાનમાં જઈ જેહાદ કરવાની તાલીમ લીધી. મસૂદ અઝહર, ઉર્દૂ મેગેઝિનનો તંત્રી પણ રહી ચૂક્યો છે. એટલે એમ કહી શકાય કે શિક્ષક, વેપારી ઉપરાંત એ પત્રકાર પણ હતો. આમ છતાં આજે વિશ્ર્વ આખામાં એની ગણના એક સૌથી ખતરનાક આતંકવાદી તરીકે થાય છે. ૨૦૦૧ની સાલમાં ભારતની પાર્લામેન્ટ પર જે હુમલો થયો હતો એને માટે પણ આ મસૂદ અઝહર જ જવાબદાર હતો. ભારતમાં મુંબઈ ખાતે કરાવેલા આતંકવાદી હુમલા ઉપરાંત કંદહાર વિમાન અપહરણની ઘટનામાં પણ તેનો હાથ હતો. ૨૦૧૬માં પઠાણકોટના ભારતીય વાયુમથક પર પણ મસૂદ અઝહરે એના ભાઈ સાથે મળીને હુમલો કરાવ્યો હતો અને છેલ્લે ૨૦૧૯માં પુલવામા ખાતે કરાવેલો હુમલો તો બધાને હજી યાદ હશે જ. થોડાં વર્ષો પહેલાં આ જ મસૂદ અઝહરને કેટલાક ભારતીય પત્રકારો તેમ જ અરુધંતી રોય, કવિતા કૃષ્ણન અને તિસ્તા સેતલવાડ જેવા ચળવળિયાઓ ગરીબ હેડ માસ્ટરના બગડેલા પુત્ર તરીકે ઓળખાવતા હતા.
દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીનો ભૂતકાળ તો યાદ હશે જ. એના પિતા મુંબઈના પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. આતંકવાદી બનતાં પહેલાં ગોલ્ડ અને ડ્રગ્સના સ્મગલિંગ ઉપરાંત અપહરણ અને ખંડણી મારફતે એ કરોડો રૂપિયા કમાયો હતો. કદાચ ભારતના સૌથી પૈસાદાર ૫૦ની યાદીમાં આવી શકે એટલો પૈસો એની પાસે હતો. આમ છતાં કરાચી ભાગી ગયા પછી એણે ભારતમાં કેટલાય બોમ્બધડાકા કરાવી નિર્દોષોને મરાવ્યા હતા.
વિશ્ર્વમાં સૌથી વધારે જોખમી આતંકવાદી ગણાયેલા આઇએસઆઇના વડા અબુ બકર અલ-બગદાદીનો જન્મ ઇરાકમાં થયો હતો. એમ કહેવાય છે કે સ્કૂલના અભ્યાસ દરિમયાન તે ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો. ત્યાર પછી એણે બગદાદની ઇસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને કાયદાની ડિગ્રી પણ મેળવી હતી. બગદાદીએ ઇસ્લામ અને કુરાન પર રિસર્ચ કરીને ડોક્ટરેટની પદવી પણ મેળવી લીધી હતી. કાયદાની ડિગ્રી ઉપરાંત એણે બીએ અને એમએ પણ કર્યું હતું. આટલો બધો અભ્યાસ કર્યા પછી પણ બગદાદીએ નિર્દોષોને મારવાનો ધંધો પસંદ કર્યો અને આતંકવાદી સંગઠનનો વડો બની ગયો. ન તો બગદાદી સાથે કોઈ અન્યાય થયો હતો કે ન તો એને કોઈ વાતની કમી હતી. કેટલાંક વિદેશી અખબારના કહેવા પ્રમાણે બગદાદી દિવસના ઘણા ખરા સમય દરમિયાન ધર્મની વાત જ કર્યા કરતો અને મોટે ભાગે મસ્જિદમાં રહેવાનું જ પસંદ કરતો.
આપણે ઓસામા બિન લાદેનનો દાખલો પણ જોઈએ. ૨૦૦૧ના સપ્ટેમ્બર મહિનાની ૧૧મી તારીખે અમેરિકા પર વિમાન દ્વારા હુમલો કરીને હજારો વ્યક્તિઓની હત્યા કરનાર ઓસામા બિન લાદેનને પછીથી અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધીને ફૂંકી માર્યો હતો. સાઉદી અરેબિયાના રિયાઝ ખાતે જન્મેલા ઓસામા બિનના પિતા મહોમ્મદ બિન અવાદ બિન લાદેન બાંધકામના વ્યવસાયમાં હતા અને એમની ગણના અબજોપતિ તરીકે થતી હતી. તેઓ સાઉદીના રાજવી પરિવારની ખૂબ નજીક હોવાનું પણ કહેવાય છે. મહોમ્મદ બિન લાદેનને ૧૧ પત્નીઓ હતી. ઓસામા બિન લાદેને અર્થશાસ્ત્ર તેમ જ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રીઓ લીધી હતી. આ ઉપરાંત ઓસામા બિન લાદેને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હતો. આટલો બહોળો અભ્યાસ કરનાર અને લાંબો સમય પશ્ર્ચિમમાં રહેનારી વ્યક્તિ સામાન્ય રીતે કટ્ટર ન હોય એવું મનાય છે, પરંતુ ઓસામા બિન લાદેનની બાયોગ્રાફી લખનારાઓનું માનવું છે કે ઓસામા જેમ જેમ વધુ ભણતો ગયો તેમ તેમ વધુ ને વધુ કટ્ટર થતો ગયો હતો.
આજથી આશરે ૧૦ વર્ષ પહેલાં પુણેમાં જર્મન બેકરી ખાતે થયેલા બોમ્બધડાકા માટે જવાબદાર આતંકવાદી અબ્દુલ ભટકલે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને સમૃદ્ધ કુટુંબમાંથી આવતો હતો. પુણેના હુમલા પછી જ ધીમે ધીમે સવાલ પુછાવાના શરૂ થયા કે: ‘કોણ કહે છે કે અન્યાય કે ગરીબાઈને કારણે આતંકવાદીઓ નિર્દોષોને મારે છે?’
આ સવાલે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સવાલનો જવાબ ઘણાને જોઈએ છે, પરંતુ ડફોળ અને બદમાશ ડાબેરીઓ મોં પર અલીગઢી તાળું લગાવીને બેઠા છે.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular