બોમ્બની ધમકી બાદ સોમવારે ગુજરાતના જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરનાર મોસ્કો-ગોવા ફ્લાઈટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા, મંગળવારે ફ્લાઇટને ગોવા રવાના કરવામાં આવી હતી.
મોસ્કોથી ગોવા જઈ રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બની કથિત માહિતી બાદ સોમવારે હંગામો મચી ગયો હતો, જે બાદ ફ્લાઇટનું ઉતાવળમાં ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નહીં મળતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોસ્કોથી ગોવા જઈ રહેલા પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા. જે બાદ તમામ લોકોને રાત્રે લગભગ 9.49 કલાકે સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. એરક્રાફ્ટ હાલમાં આઇસોલેશન બેમાં ઊભું કરી દેવામાં આવ્યું હતું અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરીને તેની સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. દરેક બેગ અને ફ્લાઇટના ભાગની તપાસ કરવામાં આવી હતી.
ગોવા એર ટ્રાફિક કંટ્રોલને એક ઈમેલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં બોમ્બ રાખ્યો હોવાની ધમકી આપવામાં આવી હતી. ભારતીય સત્તાવાળાઓ દ્વારા રશિયન દૂતાવાસને આની જાણ કરવામાં આવી હતી. વિમાનનું જામનગર ભારતીય વાયુસેના બેઝ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોડ તેમજ ફાયર બ્રિગેડની ટીમો, સીઆઈએસએફના અધિકારીઓ તેમજ કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ એરપોર્ટ પર દોડી આવ્યા હતા. વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નહીં મળતા તેને ગોવા માટે રવાના કરવામાં આવ્યું હતું.