અનેક બૅન્કના શૅરનું ટ્રેડિંગ અટકાવાયું: ગ્રૅડિંગ ઘટાડાયું: રિવ્યૂ હેઠળ મુકાઈ
ન્યૂ યૉર્ક: અમેરિકાની ડઝનથી વધુ બૅન્ક આર્થિક મુશ્કેલીમાં મુકાઈ છે, તેમાંની અનેક બૅન્કના શૅરના ભાવમાં મોટો કડાકો બોલ્યો હતો, કેટલીક બૅન્કના શૅરના ટ્રેડિંગને સ્ટૉક એક્સ્ચેન્જમાં અટકાવાયું હતું, અમુક બૅન્કનું ગ્રૅડિંગ ઘટાડાયું હતું, ઘણી બૅન્કને રિવ્યૂ હેઠળ મુકાઈ છે. મુંબઈ, ટોક્યો સહિતના શૅરબજારોમાં બૅન્કોના શૅર્સમાં મોટા પાયે વેચાણને લીધે ઘટાડો નોંધાયો હતો. મુંબઈ, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા, હૉન્ગકૉન્ગ, શાંઘાઈમાં શૅરબજાર ઘટ્યું હતું. જે.પી. મોર્ગન ચેઝના શૅરના ભાવ ૧.૮ ટકા અને બૅન્ક ઑફ અમેરિકાના શૅરના ભાવ ૫.૮ ટકા જ ઘટ્યા હતા. ન્યૂ યૉર્ક મર્કન્ટાઇલ એક્સ્ચેન્જમાં યુએસ ક્રૂડના ભાવ ઘટ્યા હતા. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ભાવમાં પણ મોટો કડાકો બોલ્યો હતો.
મૂડીસે સિગ્નેચર બૅન્કનું ગ્રૅડિંગ ઘટાડીને ‘જંક’ કર્યું હતું અને અમેરિકાની છ બૅન્કનું રેટિંગ રિવ્યૂ હેઠળ મૂક્યું હતું, જેમાં ફર્સ્ટ રિપબ્લિક બૅન્ક, ઝીઓન્સ બૅન્કૉર્પોરેશન, વેસ્ટર્ન અલાયન્સ બૅન્કૉર્પોરેશન, કૉમર્શિકા ઇન્કૉર્પોરેટેડ, યુ.એમ.બી ફાઇનાન્શિયલ કૉર્પોરેટેડ અને ઇનટ્રસ્ટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશનનો સમાવેશ થાય છે. અમેરિકાના બૅન્કિંગ ક્ષેત્રના નિયામકે સિગ્નેચર બૅન્કને બંધ કરાવી તેના બે દિવસ પહેલાં સિલિકોન વેલી બૅન્કનું ઉઠમણું થયું હતું. અમેરિકાની સિલિકોન વેલી બૅન્ક ઊઠી ગઈ તેની અસરને પગલે ફર્સ્ટ રિપબ્લિક, પેસવેસ્ટ, વેસ્ટર્ન અલાયન્સ મુશ્કલીમાં મુકાઈ હતી. અમેરિકામાં અનેક બૅન્કના શૅરના ભાવ મોટા પાયે તૂટ્યા હતા, પણ જે.પી.મોર્ગન ચેઝ ઍન્ડ કંપનીના શૅરના ભાવ પર ખાસ અસર થઈ નથી.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને દેશની બૅન્કિંગ વ્યવસ્થા સધ્ધર હોવાનો અને નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હોવા છતાં બૅન્કોના શૅરના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ન્યૂ યૉર્ક શૅરબજારમાં ૧૨થી વધુ બૅન્કના શૅરનું ટ્રેડિંગ અટકાવાયું હતું. વેસ્ટર્ન અલાયન્સ બૅન્કૉર્પોરેશન, પેકવેસ્ટ બૅન્કૉર્પોરેશન, ફર્સ્ટ રિપબ્લિક બૅન્ક, ઝીઓન્સ બૅન્કૉર્પોરેશન, ઓશન્સ ફર્સ્ટ, કસ્ટમર્સ બૅન્કૉર્પ., ઇસ્ટવેસ્ટ બૅન્કૉર્પ. ઇન્કૉર્પોરેટેડ, મેટ્રોપોલિટન બૅન્ક હોલ્ડિંગ, ફર્સ્ટ હોરાઇઝન કૉર્પોરેશન, રિજિયન્સ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન, કોમર્શિયા ઇન્કૉર્પોરેટેડ, બૅન્ક ઑફ હવાઈ કૉર્પોરેશન, કી કૉર્પ, કસ્ટમર્સ બૅન્કકૉર્પ, મેકટવા બૅન્ક કૉર્પોરેશન, ટૅક્સાસ કૅપિટલ બીએનસી, યુનાઇટેડ કમ્યુનિટી, ચાર્લ્સ સ્ક્વૅબ કૉર્પોરેશન, કોસ્ટલ ફાઇનાન્શિયલ કૉર્પ, હન્ટિંગટન બૅન્ક, મેગ્યાર બૅન્કૉર્પ ઇન્કૉર્પોરેટેડ, મેકટવા બૅન્ક કૉર્પોરેશનના શૅરનું ટ્રેડિંગ અટકાવાયું હતું.
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ કમિશને સાન ફ્રાન્સિસ્કોની ફર્સ્ટ રિબ્લિક બૅન્ક, વેસ્ટર્ન અલાયન્સ અન પેકવેસ્ટ બૅન્કૉર્પના શૅરનું ટ્રેડિંગ અટકાવ્યા બાદ ફરી શરૂ થયું હતું. ફર્સ્ટ રિપબ્લિકના શૅરનો ભાવ એક સમયે ૭૦ ટકાથી વધુ, વેસ્ટર્ન અલાયન્સ બૅન્કૉર્પોરેશનના શૅરના ભાવ ૮૦ ટકા અને પેકવેસ્ટ બૅન્કૉર્પોરેશનના શૅરના ભાવ અંદાજે પંચાવન ટકા ઘટ્યા હતા. કૅલિફોર્નિયાની સિલિકૉન વેલી બૅન્ક ઊઠી જતાં અમેરિકાના ટૅક્નોલૉજી ક્ષેત્રને માઠી અસર થઈ છે. તેને લીધે ઇઝરાયલ અને અખાતના અનેક દેશમાં પણ મુશ્કેલી ઊભી થઈ હોવાનું કહેવાય છે. સાન ફ્રાન્સિસ્કોની ફર્સ્ટ રિપબ્લિકના શૅરના ભાવ ૬૨ ટકા, ફિનિક્સની વેસ્ટર્ન અલાયન્સના શૅરના ભાવ ૪૭ ટકા અને ડલાસની કોમર્શિકાના શૅરના ભાવ ૨૮ ટકા ઘટી ગયા હતા. આ પરિસ્થિતિમાં અગાઉ વર્ષ ૨૦૦૮માં આવેલી આર્થિક મંદી બધાને યાદ આવી છે. રિયલ એસ્ટેટ સ્ટાર્ટ અપ્સ, ક્રિપ્ટોકરન્સી સ્ટૉક્સમાં કરાઈ રહેલા આડેધડ રોકાણને લીધે બૅન્કિંગ ક્ષેત્ર મુશ્કેલીમાં સપડાયું હોવાનું પણ કહેવાય છે. (એજન્સી)