મુંબઈમાં ત્રણ મહિનામાં રસ્તા પર ૭,૦૦૦થી વધુ ખાડા

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદમાં મુંબઈના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર ખાડા પડવાની ફરિયાદ આવવાના ૨૪ કલાકની અંદર તેને પૂરી દેવામાં આવતો હોવાનો દાવો કર્યો છે. મનપાએ કરેલા દાવા મુજબ મુંબઈમાં છેલ્લા ત્રણ મહિનામાં રસ્તા પર પડેલા ૭,૨૧૧ ખાડા પૂરી દેવામાં આવ્યા છે.
પાલિકાએ કરેલા દાવા મુજબ રસ્તા અને તેના પરના ખાડા પર નજર રાખવા ખાસ ટીમ તૈયાર કરવાની સાથે જ કૉન્ટ્રેક્ટર નીમવા સહિત જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. આ વર્ષે પહેલી એપ્રિલ, ૨૦૨૨થી ૮ જુલાઈ, ૨૦૨૨ના સમયગાળામાં મુંબઈની હદમાં આવેલા રસ્તા પર લગભગ ૮,૨૪૬ ખાડા પડ્યા હતા, તેમાંથી અત્યાર સુધી ૭,૨૧૧ ખાડા પૂરવામાં આવ્યા હોવાનો દાવો પણ પાલિકા પ્રશાસને કર્યો છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૧૨,૬૯૫ ચોરસમીટર જેટલું છે. ગયા વર્ષે આ સમયગાળામાં મુંબઈમાં લગભગ ૧૦,૧૯૯ ખાડા પૂરવામાં આવ્યા હતા.
પાલિકાના દાવા મુજબ રસ્તા પર પડેલા ખાડાઓને તુરંત પૂરવામાં આવી રહ્યા છે. ખાડાને લઈને ફરિયાદ કરવા માટે પાલિકાની વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તથા મોબાઈલ ઍપની વિગતો પાલિકાએ પહેલાં જ જાહેર કરી હતી.
પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલરાસૂના જણાવ્યા મુજબ મુંબઈ મનપાએ પોતાની હદમાં આવતા તમામ ખાડાઓ પૂરવાનું કામ કરી રહી છે. મુંબઈમાં ૨,૦૫૫ કિલોમીટર લંબાઈના રસ્તા છે, તેમાંથી ૧,૨૫૫ કિલોમીટરના રસ્તા ડામરના તો ૮૦૦ કિલોમીટરના રસ્તા કૉંક્રીટના છે. ડામરના રસ્તા (અસ્ફાલ્ટ રોડ)માં રહેલા બિટુમનના ગુણધર્મ અનુસાર ચોમાસામાં પાણીના સંપર્કને કારણે ખાડા પડવું સામાન્ય છે.
પી. વેલરાસૂના જણાવ્યા મુજબ રસ્તા પરના ખાડા શોધીને તેને ભરવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ખાડા શોધીને તેને ભરવાનું કામ યુદ્ધના ધોરણે કરી રહી છે. ખાડાની ફરિયાદ મળ્યા બાદ તેને ૪૮ કલાકની અંદર ભરવાની મુદત છે, છતાં કોલ્ડ મિક્સ ટેક્નોલોજીની મદદથી ૨૪ કલાકમાં ખાડા પૂરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. વોર્ડ સ્તરે દર વર્ષની માફક બે કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું છે, જેમાં દોઢ કરોડ રૂપિયા પ્રતિબંધાત્મક ઉપાયયોજના માટે તો બાકીના ૫૦ લાખ રૂપિયા ખાડા પૂરવા માટે આપવામાં આવ્યા છે.
૨,૪૨૨ મેટ્રિક ટન કોલ્ડ મિક્સની સપ્લાય
રસ્તા પરના ખાડા પૂરવા માટે પાલિકાના વરલીસ્થિત અસ્ફાલ્ટ પ્લાન્ટમાં બનાવેલો કોલ્ડ મિક્સ પાલિકાના ૨૪ વોર્ડની માગણી મુજબ પૂરો પાડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ૨૪ વોર્ડમાં કુલ મળીને ૨,૪૨૨ મેટ્રિક ટન ડ્રાય કોલ્ડ મિક્સ પૂરો પાડવામાં આવ્યો છે.
ખાડાની અહીં કરો ફરિયાદ
તમારા વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ ઓનલાઈન પોર્ટલ ખુઇખઈાજ્ઞવિંજ્ઞહયરશડ્ઢશિં અથવા એપ પર કરી શકાશે. ડિઝાસ્ટર મૅનેજેન્ટના ફોન નંબર ૧૯૧૬ પર ફરિયાદ કરી શકાશે. તમામ વોર્ડની ઓફિસમાં નાગરી સુવિધા કેન્દ્રમાં તથા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૧૨૯૩, ટ્વિટર ળુબળભજ્ઞિફમત પાલિકાની વોટ્સએપ ચેટબોટ નંબર ૯૧-૮૯૯૯-૨૨-૮૯૯૯ તથા પાલિકાના તમામ ૨૪ વોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર પણ ફરિયાદ કરી શકાશે.
ખાડાની સમસ્યા દૂર કરવા કૉંક્રીટાઈઝેશન
રસ્તા પરના ખાડાની સમસ્યા દૂર કરવા એટલે કે કાયમી રીતે રસ્તા પરના ખાડા દૂર કરવા માટે પાલિકા દ્વારા મુંબઈના તમામ રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેથી દર વર્ષે રસ્તા પર પડતાં ખાડાની સંખ્યા ઓછી થઈ ગઈ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૬૦૮ કિલોમીટર લંબાઈના રસ્તાનું સિમેન્ટ કૉંક્રીટાઈઝન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મુંબઈના લગભગ ૮૦૦ કિલોમીટર રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ થઈ ગયા છે. ભવિષ્યમાં મુંબઈના છ મીટર પહોળા રસ્તાનું કામ પણ તબક્કાવાર સિમેન્ટ કૉંક્રીટીકરણના કરવાની પાલિકાની પૉલિસી છે.
———
રસ્તા પર દેખરેખ માટે ખાસ ટીમ
રસ્તા પર ખાડા પડે નહીં તે માટે પ્રતિબંધાત્મક ઉપાયયોજના અમલમાં મૂકવાની સાથે જ ખાડા પૂરવા માટે ઝોન મુજબ ટેન્ડર બહાર પાડીને પાલિકાએ કૉન્ટ્રેક્ટર નીમ્યા છે. સંબંધિત કૉન્ટ્રેક્ટરના કામ પર દેખરેખ રાખવા માટે પાલિકાએ નીમેલી ટીમ ખાસ રસ્તા પર નજર રાખી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.