Homeઆપણું ગુજરાતચેતી જજોઃ ફોન પે એપ અપડેટ કરવાના બહાને ચૂનો લગાવતા ભેજાબાજોથી

ચેતી જજોઃ ફોન પે એપ અપડેટ કરવાના બહાને ચૂનો લગાવતા ભેજાબાજોથી

સાયબર ક્રાઈમમાં જેટલા અલગઅલગ પ્રકારના ગુના નોંધાય છે, તેટલા લગભગ અન્ય કોઈ ગુના શાખામાં નોંધાતા નહીં હોય. સાયબર પોલીસ એક પ્રકારે થતાં ગુનાથી લોકોને ચેતવે ત્યાં તો બીજા પ્રકારે લોકોને ઠગનારા ઊગી નીકળે છે. આવું જ કંઈક જામનગરમાં બન્યું હતું. અહીં નાના મોટા પાંચ જેટલા વેપારીઓને ફોન પે એપ્લીકેશન અપડેટ કરવાના બહાને આવેલા ઠગે ચૂનો લગાડ્યો હતો. જોકે આ ભેજાબાજ ઝડપાઈ ગયો છે.
જામનગરમાં આ ચોરે નવી મોડસ ઓપરેન્ડી બનાવી હતી. આ યુવક ફોન-પે ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાનદારો પાસે જતો હતો. તે ફોન-પે અપડેટ કરવાના બહાને વેપારીઓને કહેતો કે, તેમજ ફોનમાં રહેલો ક્યુઆરકોડનો ઉપયોગ કરી ગુગલ-પે કરવાથી પૈસાની લેવડ-દેવડમાં ફાયદો થશે. આવા બહાના બતાવી દુકાનદારોને વિશ્વાસમાં લઇ બેહલાવી-ફોસલાવી દુકાનદારનો મોબાઇલ મેળવી લેતો. બાદમાં ફોન-પે એપ્લીકેશન ચાલુ કરાવી તેના યુ.પી.આઇ. પીન નંબર મેળવી ફોનમાં થોડીવાર કંઈક એક્ટિવીટી કરીને ફોન પરત આપતો હતો. બે-ત્રણ વાર દુકાનદાર પાસે આવી ફોન-પે બરાબર ચાલે છે કે નહિ તેવું ચેક કરવાનું જણાવતો. આ બાદ તેમનો મોબાઇલ મેળવી લાખો રૂપિયા ટ્રાન્સફર કરતો હતો.
જામનગરમાં આ બાબતની ફરિયાદો વધી રહી હતી. વેપારીઓ સાથે આ રીતે છેતરપીંડી બાબતની ફરીયાદ મળી હતી. જે મુજબ જામનગર જિલ્લાના વિવિધ દુકાનદારો પાસેથી ઇકબાલ સમા નામના વ્યક્તિ દ્વારા ફોન-પેના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપીંડી આચરી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું. તે નાના વેપારીઓ પાસેથી કુલ રૂ.૨,૦૮,૦૦૦ની છેતરપીંડી કરી અને જામનગરથી નાસી ગયો હતો.
આ પ્રકારના ગુન્હાઓ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આરોપીને પકડી પાડવા સાયબર ક્રાઇમની વિશેષ ટીમે આરોપીના મોબાઇલ નંબરની માહિતી મંગાવી હતી. તેમજ લોકેશન મંગાવી તેનું ટેકનિકલ એનાલિસીસ કર્યુ હતું. આ દરમ્યાન બાતમી મળતા ગુનામા સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
તેની અટકાયતક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે કે, કોઇ પણ અજાણ્યા વ્યક્તિને મોબાઇલ ફોન તેમજ કોઇ પણ પ્રકારનો પાસવર્ડ આપવો નહિ તેમજ કોઈ નાણાકીય વ્યવહાર કરવો નહિં.
જોકે વારંવાર આ અપીલ કરવામાં આવતી હોવા છતાં લોકો કોઈની વાતમાં ભોળવાઈ જાય છે અને લાખો ગુમાવી બેસે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -