Shocking!!! છોટા ઉદેપુરના બોડેલીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 100થી વધુ કબરો તણાઈ ગઈ

આપણું ગુજરાત

Chhota Udepur: છોટા ઉદેપુર જીલ્લામાં પડેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં મુસળધાર વરસાદ પડતા ચારેબાજુ જળબંબાકાર થઇ ગયું હતું. વિસ્તારના નદી-નાળાઓ છલકાઈ જતા પાણી આજુબાજુના ગામોમાં ઘુસી ગયા હતા. હવે જયારે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે પાણી ઉતરતા ચારે તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. પાણીનો ધસમસતા પ્રવાહ બોડેલીના કબ્રસ્તાની દિવાલ તોડીને 100થી વધુ કબરોને વહાવી ગયો હતો.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પડેલા 22 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેણે કારણે બોડેલીની મધ્યમાંથી પસાર થતા હરખલી કોતરમાં પાણીનું ઘોડાપુર આવ્યું હતું. કોતરના પાણી બાજુમાં આવેલા કબ્રસ્તાનની ત્રણ બાજુની દીવાલોને તોડી 100 જેટલી કબરોને વહાવીને લઇ ગયું હતું. પાણી ઓસરતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જયારે કબ્રસ્તાને પહોંચ્યા ત્યારે કબરોની જગ્યાએ ખાડા જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા, જેની જાણ થતા મુસ્લિમ સમાજના લોકો કબ્રસ્તાન દોડી આવ્યા હતા. બની શકે તેટલું સમારકામ જાતે કરવા જોતરાઈ ગયા હતા. કબ્રસ્તાનની બહાર આવેલી જગ્યાએથી માટી ખોદી માટી પુરાણ કરવામાં આવી રહી છે. કબ્રસ્તાનને અંદાજે 70થી 80 ટકા નુકસાન પહોંચ્યું છે.

બનાવની જાણ થતા મોરવાહડફના વિધાનસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન નિમિષાબેન સુથાર તથા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા કબ્રસ્તાને પહોંચ્યા હતા. મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વાત કરી નુકશાનનો અંદાજો લગાવ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનની તૂટી ગયેલ સંરક્ષણ દિવાલ બનાવવા સરકાર પાસેથી સહાય અપાવવા અપીલ કરાઈ હતી. નિમિષાબેન સુથારે નવી દિવાલ બનાવવા રકમ ફાળવી આપવાની મુસ્લીમ સમાજને હૈયાધારણા આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.