મધુ રાયની વાર્તા -મધુ રાય
ગુણુભાઈને પહેલેથી ફોન માટે બહુ ‘એ’.
ઈંડિયામાં આમ પ્રોફેસર હતા, એમ.એસસી. વિથ ફિઝિક્સ. સાકરલાલ કૉલેજમાં રોફ પડતો ગુણુભાઈનો. પિત્તળની ફ્રેમવાળા બાયફોકલ સ્પેકટેકલ્સ, સફેદ વાળમાં સીધો સ્ટ્રેટ સેંથો, સફેદ કડક કોલરવાળું શર્ટ, ડાર્ક પેન્ટ અને ઓલવેઝ નેકટાઈ. કૉલેજમાં એક અંગ્રેજીના પ્રોફેસર કમલાકર જોધાણા ટાઈ પહેરતા અને બીજા ગુુણુભાઈ. પ્રિન્સિપાલ પોતે ખાદીધારી હતા. એનીવે, પ્રિન્સિપાલ કરતાંય રોફ ગુણુભાઈનો વધુ. બધાંને હતું કે પ્રિન્સિપાલ મોદી રિટાયર થશે પછી ગુુણુભાઈ પ્રિન્સિપાલ થશે. પણ મોદીના ડિપાર્ચર પછી ટ્રસ્ટીઓ બહારથી પ્રિન્સિપાલ લાવ્યા; અને એટલે ગુણુભાઈ એક વર્ષ વહેલા રિટાયર થઈ ગયા.
સાયન્સની લાઈન છતાં ગુણુભાઈ ‘સાહિત્યનો જીવ’. ગુજરાતી મીડિયમમાં ભણેલા અને ગુજરાતી મીડિયમમાં ભણાવતા એટલે ગુજરાતી પાવરફુલ. ‘સાદી સંવાદી ગતિ’ નામનું એમનું પહેલું કાવ્ય ‘રુચિ’માં પ્રક્ટ થયેલું, એટ એજ નાઈનટીન યર્સ ઓલ્ડ! ‘બુદ્ધિપ્રકાશ’માં એક ગંભીર નિબંધ “આવતી સદીનું વિશ્ર્વ નામે ચાર હપ્તે છપાયેલો. ઈશ્ર્વર પેટલીકર સાથે તેમને ઘર જેવો સંબંધ હતો. તે ગુજરી ગયા ત્યારે ગુણુભાઈએ એમને અંજલિ આપતું કાવ્ય લખેલું, તે ‘સંદેશ’માં લેવાયેલું. અવારનવાર વિજ્ઞાન સંબંધી લેખો આપતા, રજનીભાઈ વ્યાસના ‘વિજ્ઞાન’ સામયિકમાં અને ઑફકોર્સ કૉલેજના ‘ઘૂધરો’ વાર્ષિકમાં. ‘કુમાર’ બચુભાઈના સમયમાં ગુણુભાઈની કવિતાઓ છાપતું. એક ચોક્કસ યાદ છે. ‘ગાંધીને હું પૂછું.’ બીજી માટે બહુ શ્યોર નથી. વખત થઈ ગયો.
પ્લસ, એમનાં વિવેચન ઓલ્સો પુષ્કળ પ્રક્ટ થયાં છે. ‘પરબ’માં, ‘ગ્રંથ’માં, ‘સંસ્કૃતિ’, ‘ઉદ્દેશ’, એ ટાઈપના ક્લાસ પબ્લિકેશન્સમાં. રિટાયર થયા ને તરત ‘ગુજરાત સમાચાર’માંથી ઓફર આવેલી એક ચાલુ નવલકથા લખવાની.
શ્રેયાંસભાઈએ જાતે ફોન કરેલો. બકુલભાઈ ઓલ્સો ઊભા સ્કૂટરે મળવા આવેલા (બકુલભાઈ ત્રિપાઠી
સાથે તું-તાંનો સંબંધ.) “પણ નવલકથા આપણું કામ નહીં. ચાલુ કવિતા લખવાની હોય તો બોલો! એહ હેહ: હેહ: હે:!
ગુણુભાઈ શોખથી કહેતા, કે કવિતા એમની પ્રથમ પ્રેમિકા છે. માલીભાભીને એનો વાંધો નહોતો- એ બહાને આઘા રહેતા હોય તો વોટીસ રોંગ? માલીભાભી કહેતાં કે ફોન એમની બીજી પ્રેમિકા છે.
જે દિવસથી ગુણુભાઈને ઘેર ફોન આવેલો તે દિવસથી તેમને વન કાઈન્ડનો સંન્યાસ લઈ લીધેલો. આખો દહાડો ફોન ઉપર વાતો કરે, એમના ભઈબંધો સાથે. બીજું કાંઈ કામ નહીં. માલીભાભીને એનોય વાંધો નહોતો. ઊડતું, “તમારા સાહેબ આઘા સારા.
ગુણુભાઈ ગામડામાં ઊછરેલા, અને શહેરમાં આવીને પહેલી વાર એમણે એમના કાકા સાથે ફોન ઉપર વાત કરેલી ત્યારથી તે મુગ્ધ બની ગયેલા. તે યંત્ર ઉપર. કૉલેજમાં પણ, ફોનની ચોપડીમાં એમનું ખાતું મોટા પાયે ચાલતું. બીજા બધા પ્રોફેસરોના પર્સનલ કોલ્સ સમજો કે મહિને બે ત્રણ થાય, પણ ગુણુભાઈના રોજના ચારપાંચ થાય. ખાલી ટાઈમ જાણવા માટે પણ ફોન કરતા, ઘણીવાર ગુણુભાઈ.
પોતાના બંગલા માટે એમણે ફોનની અરજી કરી રાખેલી વર્ષો પહેલાં, પછી એમનો દીકરો મોટો થયો, અને આખરે અમેરિકા ગયો ત્યારે છેક તે અરજી પાકી, અને એમને ફોન મળ્યો.
એટલે ગુણુભાઈને એક જાતની પ્રવૃત્તિ મળી. જાણે કે સદ્ભાગ્યો એસટીડીનું ડિસક્નેકટ કરાવી નાખેલું. નહીંતર બંગલો ગિરવે મૂકવાનો વારો આવતે; એહ હેહ: હેહ: હે:!
પછી અમેરિકાથી ઈન્ડિયા ડાયરેક્ટ ડાયલનું થયું ત્યારથી દર શનિવારે રાત્રે દીકરાનો કોલ આવે. તે એમને ગમતું. “લે લે વાત કર. તારા સન જોડે. કહીને માલીભાભીને ફોન આપતા; માલીભાભી ફોન ઉપર જોસથી બોલતાં. લોકલ ફોન હોય તો બી. એમને જાણે એવું હતું કે જોરથી બોલે તો દૂર બેઠેલા સામેવાળાને સારું સંભળાય. ગુણુભાઈને તેની બહુ ગમ્મત આવતી. “હેં અલી, તું એમ સમજુ છું કે તું આમ પ્રચંડ અવાજે બોલું છું એટલે પેલા કણે પોકે છે? એહ હેહ: હેહ: હે:!
માલીભાભીને તે “હેં અલી? કહીને કાંઈ કહે તેનો બહુ કંટાળો હતો. અને “પ્રચંડ અવાજ’ એવા બધા શબ્દોનોય કંટાળો હતો.
આખરે દીકરાએ ફાધરમધરને સ્પોન્સર કર્યા અને ગુણુભાઈને અમેરિકા આવવાનું થયું. માલીભાભી છ મહિના રહીને આવવાનાં હતાં, નાની છોડીની સુવાવડ આવવાની હતી, તે પાર પાડી; દિવાળી પોતાના પિયરિયે કરી: અને પછી કારતક મહિનામાં સ્વસ્તિકવાળાં કંચનમાસી ડિટ્રોઈટ આવવાનાં હતાં. તેમના સંગાથે માલીભાભી પણ આવવાનાં હતાં. એટલે ગુણુભાઈ પહેલાં આવી ગયા અમેરિકા. માલીભાભી મોડેથી આવે એ દરમિયાન જરા યૂઝુટ થઈ જવાય.
ગુણુભાઈએ એડિસન, ન્યૂ જર્સીમાં પગ મૂક્યો અને ખુશ થઈ ગયા. ટોમસ આલ્વા એડિસન! ધી ગ્રેટ ઈન્વેન્ટર! લાઈટ બલ્બની શોધ કરેલી. તેના નામના ગામમાં આવવા મળ્યું તે તીર્થ જેવું લાગ્યું. દીકરાને ત્રણ બેડરૂમનું હાઉસ હતું. ફાધર માટે ગેસ્ટ બેડરૂમમાં વ્યવસ્થા કરેલી. સરસ પલંગ, ટેબલ-ખુરશી, ટીવી અને ટેલિફોન. ઘરે પહોંચવાનો ફોન કરવાનો હતો. ગુણુભાઈએ ઈન્ડિયા ફોન કરવા શું કરવું, ક્યારે સસ્તો ભાવ, વગેરે લખી લીધું. અને મોડી રાત્રે માલીભાભીને ફોન જોડ્યો.
માલીભાભી ફોન ઉપર આવ્યાં અને લાગલા જ ગુણુભાઈ ગાવા લાગ્યા:
“મોરે પિયા ગયે રંગૂન
કિયા હૈ વહાં સે ટેલિફૂન
તુમ્હારી યાદ સતાતી હૈ
જિયા મેં આગ લગાતી હૈ
(૨)
ગુણુભાઈને પ્રથમ તો અમદાવાદની સાહ્યબી મૂકીને આમ માર માર કરતા ભટકવાનું, ઘરકામ જાતે કરવાનું, રોજના આઠ- આઠ કલાક નોકરીઓ કરવાની, એ બધું બહુ વિચિત્ર લાગ્યું. દીકરો અને તેની લાઈફ ઑફકોર્સ કોપરેટિવ હતાં. બંને જોબ કરતાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં. ઘરમાં પૂજાપાઠ, તુલસી કુંડું વગેરે બધું વ્યવસ્થિત હતું. ફ્રીજમાં ખાવાપીવાનું, માઈક્રોવેવ. ઘરમાં ત્રણચાર ટીવી હતાં; કેબલ ક્નેકશન હતું. રાઉન્ડ ધી ક્લોક પોગ્રામ આવે. અમેરિકા આવતાં પહેલાં રમણભાઈ જોશીએ તેમને સૂચવેલું કે ગુુણુભાઈને “અમેરિકાના ગુજરાતીઓ વિશે એક નિબંધ લખજો, ‘ઉદ્દેશ’માં ચાર ભાગમાં છાપીશ, પણ હાલ ગુણુભાઈને આ નવી આલમનો આસવ પીવો હતો, લખવા કરતાં જીવવું હતું. એહ: હેહ: હેહ: હે:!
નીડ તો નહોતી, પણ ગુુણુભાઈ રોજ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એડ જોઈ જોઈને એપ્લાય કરે. નવા આવેલા ઈન્ડિયાનો ગ્રોસરી શોપ, ન્યૂઝ સ્ટેન્ડ કે મોટેલના કાઉન્ટર પર કામ લઈ લે અમેરિકાની અંદર. ગુણુભાઈને કાંઈક નવીન પ્રકારનું કામ લેવામાં રસ હતો.
અને ગુણુભાઈને ટેલિ- માર્કેટિંગનું કામ મળ્યું. એનટીસી નામની લોંગ ડિસ્ટન્સ કંપનીમાં. ઈન્ડિયન લોકોનાં નામ ફોન- ડિરેકટરીમાંથી શોધીને ફોન કરવાના. તેમને એનટીસીની લોંગ ડિસ્ટન્સ સર્વિસ વસાવવા સમજાવવાના. ‘એટીએન્ટી, એમસીઆઈ અને એવી મોટી કંપનીઓ કરતાં અમારી કંપની સસ્તા રેટમાં ઈન્ડિયાનો ફોન જોડી આપે; તમને બચત થાય. એવું સમજાવવાનું.
કંપની તે માટેની ટ્રેનિંગ આપે, અમુક બેઝિક પગાર અને કમિશન. કંપનીની ઑફિસ હતી સાઉથ જર્સીમાં, ચેરી હિલ નજીક. એટલે દીકરો ફાધરને લઈ ગયો ચેરી હિલ; ત્યાં એનટીસી કંપનીની ઑફિસની નજીક ગુણુભાઈ માટે એપાર્ટમેન્ટ શોધ્યો, અને યસ; ફોનનું કનેકશન કરાવ્યું. બસમાં કામે જવાય- અવાય. કાંઈક જરૂ પડે તો નેબર્સમાં મોટા ભાગે ઈન્ડિયન હતા, અને એડિસન ફક્ત દોઢ કલાક દૂૂર હતું. બાય કાર. કામ પડે તો દીકરો આવી જાય. હળવે રહીને ગુણુભાઈ ડ્રાઈવિંગ શીખશે, ગાડી લેશે, ત્યાં સુધીમાં માલીભાભી આવી જશે, અને ગુણુભાઈ તેને ફોનમાં મોટેથી બોલવાની સ્ટાઈલ બાબત ચીઢવશે. એક નવી લાઈફ! એહ હેહ: હેહ: હે:!
એનટીસી કંપનીના બેઝમેન્ટમાં એક લાંબો ખંડ હતો. ત્યાં નાની નાની દોઢસો કેબિન્સો હતી અને તેમાં દોઢસો ફોન. કમ્પ્યુટર મારફત પ્રિ-પ્રોગ્રામ કરેલા નંબર જોડાઈ જાય, સામેથી રિસ્પોન્સ આવે એટલે એક નાની લાઈટ થાય, અને આપણે વાત કરવાની, હલો, કેમ છો, વગેરે. સામે છેડે આન્સરિંગ મશીન હોય તો તરત કટ કરી નાખવાનો ફોન, ચાંપ દબાવો એટલે નેકસટ નંબર જોડાય. બધું અલ્ટ્રા મોર્ડન, કમ્પ્યુટરાઈઝ્ડ. સેક્ધડે સેક્ધડનો હિસાબ રહે, કોણે કેટલી વાત કરી, કેટલાં કનેકશન વેચ્યાં, બધું રેકોર્ડ થાય, કોણ જલદી પતાવે છે, કોણ થોથવાય છે, બધું આપોઆપ મોટ થાય, અને રિવ્યૂ થાય.
ઑફકોર્સ, ગુણુભાઈએ એનટીસીની લાઈન પોતાના એપાર્ટમેન્ટમાં પણ લીધેલી. દર અઠવાડિયે અમદાવાદમાં ફોન જોડીને ખબર પૂછતાં, “હેં અલી? ક્યારે આવું છું? તારા વિણ વેરાન લાગે છે આખો દેશ, આખો ભૂખંડ.
માલીભાભી અકળાય એવી પેમલાપેમલીની વાતોથી, પરંતુ એમને અમેરિકા આવવાની ખૂૂબ જ હોંશ હતી, અત્યાર સુધી માલીભાભીએ ઢસરડા કરેલા આખી જિંદગી. હવે દીકરાની વહુ સાથે બેસીને એમને અમેરિકાની સાહ્યબી માણવી હતી. એહ હેહ: હેહ: હે:!
માળો લાઈફે કેવો ફાઈન ટર્ન લઈ લીધો!
અને અચાનક લાઈફે એક કરુણ ટર્ન લીઘો. નાની છોડીની સુવાવડ પાર પાડીને માલીબેન દિવાળી કરવા બરોડા ગયેલાં પિયર, અને અચાનક એટેક આવ્યો.
હૉસ્પિટલ લઈ જાય તે પહેલાં માલીભાભી મૃત્યુ પામ્યા. એ સમાચાર આવતાં ગુણુભાઈ જાણે દસ વર્ષ ઘરડા થઈ ગયા. એમને પણ અતિઘણી ઉમેદો હતી અમેરિકા ફરવાની, માલીભાભી સાથે હાથમાં હાથ નાખીને સિનેમા જોવા જવાની. એને આમ દગાપૂર્વક ઉપાડી લઈને ભગવાને ગુણુભાઈનું ડોકું ઉતારી લીધું. માલતીનો આત્મા હવે ભમતો રહેશે. હવે ગુણુભાઈનું આ ધડ જીવશે.
દીકરો અગ્નિદાહ આપવા ઈન્ડિયા જઈ આવ્યો. ગુણુભાઈએ કહ્યું મારે નથી આવવું. પાછા આવીને દીકરાએ ગુણુભાઈને પોતાની સાથે એડિસનમાં રહેવા આવી જવા સમજાવ્યા. ગુણુભાઈએ કહ્યું કે “નો. દીકરાએ કહ્યું, દેશમાં પાછા રહેવા જવું હોય તો તેમ કરીએ; ગુણુભાઈએ કહ્યું કે અહીં ફાવી ગયું છે. મારે અહીં રહેવું છે. અચાનક બધું જાણે કાળું મેશ પડી ગયેલું. હવે ગુણુભાઈને કોઈ સંબંધ નથી જોઈતો. સૌ સૌના રસ્તે. સૌ સૌના ઠેકાણે સારા.
૩.
ગુણુભાઈ પોતાના ફોનનું બિલ તપાસતા હતા. ફોન કંપની વિગતવાર કોષ્ઠક આપતી. કયે દિવસે કયો ફોન થયો. ક્યારે થયો. કેટલી મિનિટ વાત થઈ. કુલ કેટલા ફોન થયા, દિવસે કેટલા. રાત્રે કેટલા શનિ-રવિ અને રજાના દિવસે કેટલા. માલીભાભીના દેહાન્ત પછી ગુણુભાઈએ એક પણ લોન્ગ ડિસ્ટન્સ ફોન કર્યો નહોતો. દર મહિને આખું બિલ કોરું આવતું. મહિનાની બેઠી જે રકમ આપવાની રહે તે જ. ગુણુભાઈએ ઊંડો શ્ર્વાસ લીધો અને વિચાર્યું કે આમ આયખું ન નીકળે. ટાઈમ પાસ કરવા માટે કશુંક જોઈએ.
ગુણુભાઈએ સામાન્ય બેઝિક સર્વિસ લીધેલી; કંપની ભાત ભાતની સગવડો આપતી હતી:
ફોન આવે તો ઉપાડતાં પહેલાં કોનો છે તે જાણી શકાય: “ઈનકમિંગ કોલ આઈડી.
ઈનકમિંગ ફોનની પણ વિગતો મળી શકે: ગુણુભાઈને ઘેર કોણે, ક્યારે, કેટલી મિનિટના, કેટલા ફોન કર્યા. “ઈનકમિંગ કોલ સમરી.
એક ફોન ચાલતો હોય અને બીજો આવે તો તમને ચાલુ ફોને સિગ્નલ આવે; “કોલ વેઈટિંગ.
તમે ઘરમાં ન હોય ને ફોન આવે તો તમે જ્યાં હો ત્યાં ફોરવર્ડ થાય; “કોલ મોરે પિયા ગયે રંગૂન
ફોરવર્ડિંગ .
એકી સાથે ચાર-પાંચ જણ સાથે વાત કરવી હોય તો થઈ શકે: “કોન્ફરન્સ કોલ.
ખિસ્સામાં રાખીને ફરી શકાય તેવો છૂટો “મોબાઈલ ફોન.
કશુંક લખાણ સામેવાળાને મોકલવું હોય તો “ફેક્સ ફોન
ગાડીમાંથી કરવો હોય તો “કાર ફોન.
કમ્પ્યુટર મારફત પત્ર લખવો હોય તો “ઈ-મેલ કે ઈન્ટરનેટ વાટે બીજાં કમ્પ્યુટર સાથે જોડાણ કરવું હોય તો તે માટેનું “ફોન મોડેમ.
કોઈને તાત્કાલિક જ્યાં હોય ત્યાં સંદેશો મોકલવો હોય તો “પેજર.
વગેરે. આમાંની દરેક સર્વિસના અલગ અલગ ભાડાં હતાં. અમુક માટે વધારાનાં યંત્ર વસાવવાં પડતાં. અમુક સર્વિસ રિસ્ટ્રિક્ટેડ હતી.
“ગુણુભાઈએ એમાંની ફક્ત એક સર્વિસ રાખેલી: “ઈનકમિંગ કોલ આઈડી.
ફોન વાગે કે તરત પાસેના ચોખંડા કેલ્ક્યુલેટર જેવા યંત્રમાં ફોન કરનારનો નંબર અને નામ અંકિત થઈ જાય. “જ્યોર્જ ફર્નાન્ડીઝ, ૨૦૧ ૪૫૬ ૭૮૯૦. તમારે તેનો જવાબ આપવો હોય તો આપવો; નહીંતર વાગવા દેવો. તેમાં એક રિસ્ટ્રિકશન હતું. અમેરિકા બહારથી આવતા ફોન આઈડેન્ટિફાય ન થાય: “કોલિંગ ફ્રોમ આઉટ ઓફ રેઈન્જ એવો સંદેશો સ્ક્રીન ઉપર આવતો. તમારી ગેરહાજરીમાં જેટલા ફોન આવ્યા હોય તે બધાની વિગત ટપોટપ તમે ચાંપ દબાવો એટલે મળી જાય: આણે કરેલો; આણે કરેલો; આણે કરેલો.
બીજા દિવસે ગુણુભાઈ કામ પર ગયા. રાબેતા મુજબ દર પહેલી તારીખે, પોતે બનાવેલા ગ્રાહકોનાં ખાતાં તપાસવાનાં;સૌ-સૌના ગ્રાહકોનાં બિલ મુજબ સેલ્સમેનોને કમિશન મળે. ગુણુભાઈની નજર એક નંબર ઉપર સ્થિર થઈ. અગાઉ તે નંબર પરથી મહિને સરેરાશ ૩૦૦ ડોલરનું બિલ થતું. આ મહિને ફક્ત પંદર ડૉલર!
ગ્રાહકનું નામ હતું પુષ્પા કે. કાપડિયા, જર્સી સિટી.
ગુણુભાઈએ તે નંબર કમ્પ્યુટરમાં એન્ટર કરીને “કસ્ટમર પ્રોફાઈલનું બટન ક્લિક કર્યું અને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ગ્રાહકના ફોન વપરાશ અંગેની માહિતી આવી:
પુષ્પા કે. કાપડિયા, ઉ.વ. ૩૭. સિંગલ.
મિસ કાપડિયા ન્યૂયોર્ક જનરલ હૉસ્પિટલમાં નર્સ છે.
મિસ કાપડિયા મહિને સરેરાશ ૫૦ કલાક ફોન પર ગાળે છે.
મિસ કાપડિયા મહિને સરેરાશ ૩૫ ઓવરસીઝ કોલ, ભારતમાં કરે છે.
મિસ કાપડિયા મહિને સરેરાશ ૫૦ કોલ ઓહાઈયો સ્ટેટમાં ડૉ. સુધીર ફડિયાને કરે છે.
મિસ કાપડિયા મહિને સરેરાશ ૩૨ કોલ પોતાની હૉસ્પિટલ પર કરે છે.
મિસ કાપડિયા મહિને સરેરાશ ૭૦ કોલ પોતાની આસપાસના વિસ્તારમાં કરે છે.
પ્રોફાઈલમાં તે ૭૦ કોલ્સની વિગતો હતી: સ્ટોરોમાં, મિત્રોમાં વગેરે.
ગુણુભાઈએ ‘ઇમોશનલ પ્રોફાઈલ’નું બટન ક્લિક કર્યું.
ફોન પર વાત થાય ત્યારે હાથમાં પકડેલા રિસીવર મારફત નાડીના ધબકારા ગણાય; બોડી ટેમ્પરેચર નોટ થાય; બ્લડપ્રેશર વધે, ઘટે તેની નોંધ થાય; શ્ર્વાસોચ્છ્વાસની રિધમ રેકોર્ડ થાય, તેની વધઘટનો ગ્રાફ દોરાય. તે પરથી તે વ્યક્તિની શારીરિક હાલતનું નિદાન સ્ક્રીન પર આવે. પુષ્પા કાપડિયાનું શારીરિક સ્વાસ્થ્ય માફકસર હતું. ડૉ. સુધીર ફડિયાની સાથે વાત કરતી વખતે તેનું ટેમ્પરેચર વધતું, ધબકારા વધતા, પ્રેશર વધતું, શ્ર્વાસની ગતિ વધતી.
અને ગયા મહિનાથી અચાનક બધું સ્થગિત.
કદાચ ગ્રાહક બહારગામ છે. ના. લોકલ કોલ એક્ટિવિટી ચાલુ છે. તો શું થયું છે? પુષ્પા કે. કાપડિયા પાંચસો માઈલ દૂર રહેતા ડૉ. ફડિયાને કેમ આટલા બધા ફોન કરતી હતી? અને હવે કેમ બંધ કરી દીધા છે? ભારતમાં પણ કેમ કોલ કરતી નથી?
ગુણુભાઈને બહુ કુતૂહલ થયું. ગુણુભાઈએ પેન્સિલ હાથમાં પકડીને હવે શું કરવું તેનો નિર્ણય કર્યો. ગુણુભાઈએ પુષ્પાબહેનને ફોન જોડ્યો. અને સામેથી મીઠો, ઉદાસ અવાજ આવ્યો: “હલો…?