મધુ રાયની વાર્તા -મધુ રાય
(ગતાંકથી ચાલુ)
પુષ્પા કાપડિયાનું શારીરિક સ્વાસ્થ્ય માફકસર હતું. ડૉ. સુધીર ફડિયાની સાથે વાત કરતી વખતે તેનું ટેમ્પરેચર વધતું, ધબકારા વધતા, પ્રેશર વધતું, શ્ર્વાસની ગતિ વધતી.
અને ગયા મહિનાથી અચાનક બધું સ્થગિત.
કદાચ ગ્રાહક બહારગામ છે. ના. લોકલ કોલ એક્ટિવિટી ચાલુ છે. તો શું થયું છે? પુષ્પા કે. કાપડિયા પાંચસો માઈલ દૂર રહેતા ડૉ. ફડિયાને કેમ આટલા બધા ફોન કરતી હતી? અને હવે કેમ બંધ કરી દીધા છે? ભારતમાં પણ કેમ કોલ કરતી નથી?
ગુણુભાઈને બહુ કુતૂહલ થયું. ગુણુભાઈએ પેન્સિલ હાથમાં પકડીને હવે શું કરવું તેનો નિર્ણય કર્યો. ગુણુભાઈએ પુષ્પાબહેનને ફોન જોડ્યો. અને સામેથી મીઠો, ઉદાસ અવાજ આવ્યો: “હલો…?
“નમસ્તે મિસ કાપડિયા, હું એનટીસીમાંથી ગુણવંતલાલ બોલું છું. કેમ છો?
“હા. બોલો.
ગુણુભાઈએ કલ્પના કરી કે પુષ્પાના ફોન પાસેના “ઇનકમિંગ કોલ આઈડી-ના લંબચોરસ ખાનામાં એનટીસી કંપનીનું નામ અને નંબર અંકાયા હશે.
“ઘણા સમયથી તમારા ફોન ઉપરથી ખાસ કોલ થયા નથી, અમારી સર્વિસથી કશોય અસંતોષ નથી ને?
“ના. જી. જરા કરકસર કરું છું.
અને ગુણુભાઈએ બીજી બધી વાતો કરી. સામાન્ય શિષ્ટાચારની. પુષ્પાએ સહજભાવે જવાબો આપ્યા.
ગુણુભાઈએ જણાવ્યું કે ફોન સર્વિસની કશી ફરિયાદ હોય કે કશુંક કામ હોય તો ફોન કરજો, મારું નામ આપજો. પુષ્પાએ કહ્યું ભલે. બાય બાય. આવજો. ફરી મળીશું.
બન્ને ગુજરાતી હોવા છતાં ઔપચારિક રીતે વાતો અંગ્રેજીમાં થયેલી. ગુણુભાઈએ પુષ્પાના ઘરની કલ્પના કરી. કેવા ઓરડામાં તે બેઠી હશે, કેવી સાડી પહેરી હશે. રડતી હશે, ફડિયાનો ફોટો સામે રાખીને? ફોન વાગતાં ચમકી હશે, અને પછી “ઇનકમિંગ કોલ આઈડીમાં ફડિયાનું નામ ન જોઈને નિરાશ થઈ હશે?
એકાદ માસ પછી કંપનીએ એક પ્રમોશનલ સ્કીમ બનાવી. ગુણુભાઈએ તેની ઓફર આપવા પુષ્પાને ફોન કર્યો. આ વખતે શરૂઆત અંગ્રેજીથી કરી, પરંતુ ધીમે ધીમે ગુજરાતીમાં વાતો થવા લાગી.
મિસ કાપડિયા, તમે જો તમારા પાંચ મિત્રો કે સગાંઓને એનટીસીની સર્વિસ વસાવવા રાજી કરી શકો, તો તમને સો ડૉલરનું બોનસ મળે. પુષ્પાએ કહ્યું કે હાલ તો તેનું મન ઉદાસ રહે છે અને તેનું કોઈ મિત્ર નથી, કોઈ સગું નથી હવે આ દેશમાં. ગુણુભાઈએ સહાનુભૂતિ દર્શાવી ગુજરાતીમાં જણાવ્યું કે બને છે એવું! કોઈ વાર મન ખાટું
પડી જાય ત્યારે આવું થતું હોય છે. વગેરે.
અને એમ મહિને બે મહિને ગુણુભાઈ કંપનીની નવી નવી ઑફરો આપવા પુષ્પાને ફોન કરતા. એમને ઘણીવાર આશા બંધાતી કે પુષ્પાનો સામેથી ફોન આવશે અને એક દિવસ અચાનક સુપરવાઈઝરે આંખો ગોળ ગોળ ફેરવતાં કહ્યું : “કોલ ફોર યૂ, ગૂન્નુ!
પુષ્પાએ જણાવ્યું કે તેમે તેના પાંચ મિત્રોને એનટીસીની લોન્ગ ડિસ્ટન્સ સર્વિસ વસાવવા માટે વાત કરી છે. તે લોકો વસાવવા રાજી છે. ગુણુભાઈએ તરત તે પાંચેયને ફોન કરી કાર્ય પૂરું કર્યું અને પુષ્પાને સામે ફોન કરીને જણાવ્યું કે તેને સો ડૉલરનું બોનસ મળશે. પુષ્પાના અવાજમાં ચમક આવી.
ગુણુભાઈએ ઝડપથી કમ્પ્યૂટરની ચાંપ દબાવી ને ઈમોશનલ પ્રોફાઈલમાં જોયું. પુષ્પાના શ્ર્વાસોચ્છ્વાસ, લોહીનું દબાણ અને હાથની ગરમીમાં વધારો થતો હતો. ધબકારા વધી જતા હતા. પુષ્પાએ આભાર માન્યો. ફોન મૂકીને ગુણુભાઈ પણ ગણગણવા લાગ્યા.
મોરે પિયા ગયે રં….ગૂન
કિયા હૈ વહાં સે ટેલિ….ફૂન
પુષ્પા સાથેની વાતોમાં ગુણુભાઈ મગ્ન રહેતા ત્યારે મનની તળભીતરમાં એક વિચાર પ્રવાહ ચાલતો. પુષ્પાના હાથમાં પકડેલા રિસીવરમાંથી તેના હાથનું ઉષ્ણતામાન તેમનું કમ્પ્યૂટર માપી શકતું, પરંતુ તે હાથની ગરમીમાં વધારો-ઘટાડો કરવો હોય તો કમ્પ્યૂટર મારફત કરી શકાય કે કેમ તેવો વિચાર તેમના મગજમાં સેલારા લીધા કરતો, પરંતુ પુષ્પા સાથેની વાત પૂરી થતા બાદ વિસરાઈ જતો.
૫
શનિ-રવિ કામના દિવસો હતા, ગ્રાહકો ત્યારે ઘેર હોય અને શાંતિથી વાત થાય. સોમ, મંગળ બે દિવસ ગુણુભાઈને રજા રહેતી. તે બે દિવસ ગુણુભાઈને આકરા લાગતા. ઘરમાં સાફસૂફ, દાણા-બકાલાની ખરીદી, લોન્ડ્રી, તમે કરી કરીને કેટલું કરો. આખા અડતાલીસ કલાક એકલા પસાર કેમ થાય? દીકરાને ફોન થાય, પણ તેને કામના દિવસ હોય એટલે અગવડ પડે. ગુણુભાઈને પોતાની સ્વર્ગસ્થ પત્ની યાદ આવી. ફોનમાં બૂમ પાડીને બોલવાની તેની ટેવ અને પોતાની “હેં અલી વાળી ગમ્મત યાદ આવી. કારણ વિના તેમને ખિન્નતા થઈ. કદાચ કશીક દોષભાવના થઈ આવી.
ઘરનું કાર્ય પૂરું કરીને એકલા પડે ત્યારે ગુણુભાઈને ઘણી વાર પુષ્પાને ફોન કરવાનું મન થતું, પરંતુ ઘરેથી ફોન કરવો અનુચિત ગણાય. કંપનીમાં કોઈ જાણે તો કાયદેસર કામ ચાલે, દંડ થાય.
પુષ્પાનો નંબર તો ગુણુભાઈને મોઢે હતો. સોમ-મંગળ બન્ને દિવસ એમને પુષ્પાને ફોન કરવાના વિચાર આવતા.
એક અઠવાડિયે ઑફિસેથી ગુણુભાઈ કમ્પ્યૂટરનાં મેન્યુઅલ્સ ઘરે લઈ આવ્યા. તે પરથી તેમણે નોંધપોથીમાં આકૃતિઓ બનાવી, ગ્રાફ ચીતર્યા અને પાડોશીના દીકરા પાસેથી અમુક બાબતોની ચોખવટ મેળવી.
બુધવારે ઑફિસે વહેલા જઈને પુષ્પાને ફોન કર્યો. પુષ્પાએ ફોન ઉપાડ્યો અને તરત ગુણુભાઈએ કમ્પ્યૂટરના કમાન્ડની ચાંપ દબાવી, પુષ્પાના હાથમાં પકડેલા રિસીવરનું સંધાન કર્યું. ફોનની લાઈન વાટે વિદ્યુતવેગે પાંચ વોલ્ટનો આંચકો મોકલ્યો ગુણુભાઈએ અને પુષ્પાના અવાજમાં થડકાર સંભળાયો.
ફોન બાબત કશી ફરિયાદ નથી, પુષ્પાએ કહ્યું. પછી સ્વાભાવિક તમે ક્યાંના, તમે ક્યાંના એવી વાતો થવા માંડી. પુષ્પા પણ અમદાવાદની હતી. એક વાર ડિવોર્સ થઈ ગયો છે. ગુણુભાઈએ કહ્યું કે તે વિધુર છે. પછી કહ્યું કે આમ કંપનીના ટાઇમે અંગત વાતો કરવાની મનાઈ છે. પણ પુષ્પાને મન હોય તો ગુણુભાઈના ઘરે ફોન કરી શકે. તેની સાથે સાથે કમાન્ડની ચાંપ દબાવી પુષ્પાના હાથને મીઠો આંચકો આપ્યો. પુષ્પાએ કહ્યું શ્યોર. ગુણુભાઈએ ગુજરાતીમાં પોતાનો ઘરનો નંબર લખાવ્યો. ઘરે જતાં પહેલાં સાચવીને કમ્પ્યૂટર પ્રોગ્રામની કોપી કરી લીધી ગુણુભાઈએ.
ઘરે પાછા ફરવાના માર્ગે કમ્પ્યૂટર સ્ટોરમાંથી જોઈતું કમ્પ્યૂટર અને ફોન મોડેમ ખરીદી લાવ્યા. ઘરે તેનું જોડાણ કરીને ઑફિસના કમ્પ્યૂટર સાથે કનેકશન કર્યું.
તે કાર્ય પતાવી ગુણુભાઈએ આળસ મરડી ત્યાં ફોન વાગ્યો. ફરી પેલો “કોલિંગ ફ્રોમ આઉટ ઑફ રેઇન્જ! કદાચ ઇંડિયાથી કોઈનો કોલ હશે. ગુણુભાઈ ફોન લેવા જાય ત્યાં કટ થઈ ગયો.
રાત્રે પુષ્પાનો ફોન આવ્યો. ગુણુભાઈએ કમ્પ્યૂટરમાં ઇમોશનલ પ્રોફાઇલની સ્ક્રીન ખેંચી. પુષ્પાના હાથમાં પકડેલા રિસીવરમાં પાંચ વૉલ્ટનો ધક્કો પહોંચાડી ગરમી વધારી. અને પછી સ્વેચ્છાએ ગુણુભાઈ પુષ્પાનું બ્લેડપ્રેશર વધારી ઘટાડી શક્યા, તેના શ્ર્વાસોચ્છ્વાસને ક્ધટ્રોલ કરી શક્યા. પુષ્પા અંગત વાત કરે ત્યારે તેને મધુર આંચકો આપવા લાગ્યા, ગુણુભાઈ. પુષ્પા ગમગીન વાત કરે ત્યારે તેના ધબકારા વધારીને તેને આનંદ આપી શક્યા ગુણુભાઈ.
બન્ને જણે ઘણી વાતો કરી. અને પછી પુષ્પાના ફોન વારંવાર આવવા લાગ્યા. ગુણુભાઈ સામેથી ફોન કરતા થયા. પુષ્પાએ અંગત વાતો વધુ ને વધુ કરવા માંડી. તેના પહેલા વરે તેને બહુ દુ:ખ આપેલું. પછી તેને ઓહાઇયોના ડૉ. ફડિયા સાથે સંબંધ થયો. ફડિયાનું નામ આવતાં ગુણુભાઈએ પચ્ચીસ વૉલ્ટનો આંચકો આપ્યો પુષ્પાને, તેના રિસીવર મારફત.
પુષ્પાએ જણાવ્યું કે ફડિયા પરણેલા હતા. પણ તેમને વારંવાર ન્યૂ જર્સી આવવાનું થતું અને તે રીતે તે પુષ્પાને મળતા. અને એમને પ્રેમ થયો, પણ ફડિયા તેની સાથે પરણવા માગતા નહોતા. ફક્ત આ રીતે સંબંધ ચાલુ રાખવા માગતા હતા અને એક દિવસ તેમે કશુંય કહ્યા વિના સંબંધ તોડી નાખ્યો. પુષ્પાએ ગુણુભાઈને જણાવ્યું.
પુષ્પા જ્યારે ફડિયાનું નામ બોલે ત્યારે ત્યારે પ્રત્યક્ષ ન વરતાય તેવો વીજળીનો આંચકો આપવો તેવું ગુણુભાઈએ કમ્પ્યૂટરના પ્રોગ્રામમાં ગોઠવી દીધું.
આ ફોન-સંબંધ અનેક માસ ચાલ્યો. બન્ને શિષ્ટ, સલૂકાઈભરી વાતો કરતાં. બે એકલાં જણ દૂર બેઠાં પરસ્પરની નિર્દોષ સંગતનો આનંદ લેતા, હજી મળવાની વાત થઈ નહોતી.
આખરે પુષ્પાની વાતોમાંથી ફડિયાનું નામ લુપ્ત થવા લાગ્યું. આખરે તેમની વાતો વધુ ઘનિષ્ઠ થવા લાગી. આખરે સામસામે સ્નેહની અબોલ કબૂલાત થવા લાગી: તમને શું ભાવે, તમને કેવો રંગ ગમે, તમને કેવી ફિલ્મો ગમે, તમને કેવી પ્રેમિકા ગમે…
પુષ્પાએ એક દિવસ પૂછયું કે તમે ક્યાં રહો છો. ગુણુભાઈએ એડ્રેસ લખાવ્યું. પુષ્પાનું ઘર તેમના ઘરથી પચાસેક માઈલ દૂર હતું. પુષ્પા પાસે ગાડી હતી. થોડા સમયમાં પુષ્પા રૂબરૂ મળવાની વાત કરશે. ફોન મૂકીને ગુણુભાઈ એક ગઝલ લખવા બેઠા. એહ: હેહ: હે: હે:!
પરંતુ ત્યાં તરત ફરી ફોન વાગ્યો. ફરી “કોલિંગ ફ્રોમ આઉટ ઑફ રેઇન્જ! અને ફરી ગુણુભાઈ લેવા જાય ત્યાં લાઈન કટ થઈ ગઈ. આખી રાત તે ફોન કોનો હશે તેનો વિચાર ગુણુભાઈને આવ્યા કર્યો.
ભારતથી એની દીકરીનો ફોન હશે? અરધી રાતે ઊઠીને ગુણુભાઈને દીકરીને ફોન કરી જોયો. દીકરીને પિતાનો અવાજ સાંભળીને આનંદ થયો. બધા કુશળ હતાં. ભારતથી કોઈએ ફોન નહોતો કર્યો. ગુણુભાઈ વિચારમાં ને વિચારમાં ફરી સૂતા. સાથે સાથે પુષ્પા મળવા આવશે એ મિષ્ટ વિચાર પણ મનની તળભીતરમાં ચાલ્યા કરતો હતો.
૬
અને આખરે તે દિવસ આવ્યો. પુષ્પાએ કહ્યું કે આપણે મળીએ. ગુણુભાઈએ કહ્યું કે શ્યોર, પુષ્પાએ સીધે સીધું તમારા ઘરે હું આવું એવું સંકોચથી ન કહ્યું. કશીક રેસ્ટોરાંમાં મળીએ, ગુણુભાઈએ સૂચવ્યું. સાથે જમીએ, પુષ્પાએ સૂચવ્યું.
ગુણુભાઈના ઘર પાસે એક સરસ પીઝા રેસ્ટોરાં છે. પુષ્પાએ તેનું ઠેકાણું નોંધી લીધું. મળવાની તારીખ, સમય નક્કી થયાં.
ગુણુભાઈનો શ્ર્વાસ ગરમ થઈ ગયો. હવે પાંચ દિવસમાં પુષ્પાને મળવાનું થશે. ગુણુભાઈને હસવું આવ્યું. આ વિરહના ઉત્પાત ઉપર સોનેટ લખી શકાય.
એહ: હેહ: હે: હે:!
મળવાના દિવસે ગુણુભાઈએ બે વાર દાઢી કરી. સ્નાન, કલપ, સેંથો, પાવડર, ડિઓડરન્ટ, ગુણુભાઈ તૈયાર થયા. કે-માર્ટમાંથી લાવી રાખેલા ચાર નવાં શર્ટમાંથી એક સરસ લીંટીવાળું શર્ટ પસંદ કર્યું. સીયર્સના સેઇલમાં લીધેલાં બે પેન્ટમાંથી એક મેચિંગ પેન્ટ. નવાં મોજાં, નવો પટ્ટો, ટાઈ પહેરવાથી બહુ ફોર્મલ લાગે. કોલર ખુલ્લા સારા. સવારથી એમને આજના ‘મિલન’ની ચણચણાટી હતી.
વાતો થશે, કદાચ સહેજ હાથ પકડવાનું થાય. કદાચ આજે કે નહીંતર હવે પછી પુષ્પા ગુણુભાઈનું ‘ઘર જોવા’ આવે. આજે જ કદાચ ઘરે મૂકવા આવે, કહે કે જરાક પાણી પીવું છે. ઘરમાં અને પછી શી ખબર. ગુણુભાઈ સમસમી ગયા. પત્ની-પ્રસંગને ઘણો સમય થયો. રેસ્ટોરાં જવાનો સમય થાય ત્યાં સુધી શું થશે. શું થશે. તેના વિચારમાં ગુણુભાઈ તૈયાર થઈને ઘરમાં આંટા મારવા માંડ્યા.
એહ: હેહ: હે: હે:!
અને અચાનક ખાલી પાણી પીવા જતા હતા ગુણુભાઈ, ત્યાં ફોન વાગ્યો. ચોંકીને ગુણુભાઈએ જોયું : ફરી “કોલિંગ ફ્રોમ આઉટ ઑફ રેઇન્જ! લેવા જાય ત્યાં લાઇન કટ થઈ ગઈ.
ગુણુભાઈ એકદમ વિચારમાં પડી ગયા. પેલો ઓહાઇયોથી ફડિયો ફોન કરતો હશે? તેને પુષ્પાએ કહી દીધું હશે કે હવે તેને તેના કરતાં સારો પ્રેમી મળી ગયો છે, અને ફડિયો ક્રોધથી લાલપીળો થઈને રિસીવર સાથે કપાળ પછાડતો હશે? નો, નો, ઓહાઇઓ “આઉટ ઑફ રેઇન્જ નથી, ઓવરસીઝથી આવતો હોય તો “આઉટ ઑફ રેઇન્જ કહેવાય. એહ: હેહ: હે: હે:!
અરે? ‘બીજા ગ્રહના’ વિચારથી થંભી ગયા ગુણુભાઈ. તે સ્વર્ગ નર્કમાં માનતા નહોતા કે જીવિત હતાં ત્યારેય માલીભાભી ઈર્ષાખોર નહોતાં. ક્ધિતુ….
હવે માલીભાભીનો ભમતો આત્મા ગુણુભાઈ ઉપર નજર રાખે છે? એમને ખાતરી થઈ ગઈ કે આ “આઉટ૨ ઑફ રેઇન્જ વાળા ટેલિફૂન તેમની સ્વર્ગસ્થ પત્ની માલતી કરે છે.
ઓક્કે! ગુણુભાઈ નવા પેન્ટના ખિસ્સામાં હાથ નાખી ઊભા રહી ગયા. પત્ની માલતી એમને શો મેસેજ આપવા માગે છે?
પુષ્પાને મળવા જાઓ, અને જીવનનો આનંદ માણો?
કે પુષ્પાને મળવા ન જાઓ, કોઈનો આત્મા ન દુભાવો?
ફિલાડેલફિયા, ૧૯૯૬