અંગ્રેજી નવું વર્ષ મોટે ભાગે ગોવા કે તેના જેવા બીચ રિસોર્ટ કે પછી ક્લબોમાં જ મનાવાવમાં આવતું હોય છે, પરંતુ રજાઓનો મેળ કહો કે પછી લોકોનો ભક્તિભાવ આ વર્ષે નવા વર્ષે ગોવા કરતા વારાણસીમાં પર્યટકોના બુકિંગનું પ્રમાણ વધુ હોવાનું એક ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું હતું. વારાણસી ખાતે કાશી વિશ્વનાથ ધામ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને નવા વષર્ની શરૂઆત લોકોએ આ પવિત્ર ધામથી કરી તે પણ આનંદ અપાવે તેવી વાત છે.
ગોવામાં પણ મોટા પ્રમાણમાં પર્યટકોએ બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તેને પણ વટાવીને વારાણસી આગળ નીકળી ગયું હતું. વારાણસીમાં ગોવા કરતા વધારે હોટેલ બુકિંગ થયું હોવાનું એજન્સીએ જણાવ્યું હતું. આ ઉપરાંત લગભગ 700 જેટલા શહેરમાં લોકો ફરવા કે નવું વર્ષ મનાવવા ગયા હતા.
વારાણસી આમ પણ પર્યટન માટે જાણીતું છે. તેમાં પણ ગયા વર્ષે અહીં કાશી વિશ્વનાથ ધામ સંકુલ વડા પ્રધાન મોદી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું, જે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બીજું અહીં ગયા મહિને કાશી તામીલ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે કારણ હોય તે, પરંતુ મોજમસ્તી માટે જતા પર્યટકો કે પછી ધાર્મિક ભાવથી, શ્રદ્ધાભક્તિથી જતા પર્યટકો જે તે સ્થળના સ્થાનિકોને રોજગારી અપાવે છે અને હોસ્પિટાલિટીનો ધંધો ધીકતો રાખે છે તે વાત નક્કી છે.