Homeદેશ વિદેશમોરબી દુર્ઘટના: ઓરેવાના એમ.ડી. જયસુખ પટેલની ધરપકડ

મોરબી દુર્ઘટના: ઓરેવાના એમ.ડી. જયસુખ પટેલની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબી પુલ દુર્ઘટના કેસમાં આખરે ત્રણ મહિનાથી ભાગતા ફરતા ઓરેવા ગ્રૂપના એમ.ડી. જયસુખ પટેલે મોરબીની કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે તેમની વિધિવત રીતે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા. ધરપકડથી બચવા માટે જયસુખ પટેલે અગાઉ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હોવાથી ત્યારે જ તેમની ધરપકડના ભણકારા સંભળાયાં હતા.
તાજેતરમાં જ ગત તા.૨૭મી જાન્યુઆરીએ મોરબી પુલ દુર્ઘટનામાં સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ ૧૨૬૨ પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. આ કેસની વિગત મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં નવ આરોપીઓ પકડાયા છે, જ્યારે ૧૦માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. જે બાદ મંગળવારને તા. ૩૧મી જાન્યુઆરીએ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. તાજેતરમાં હાઇ કોર્ટમાં ઓરેવા ગ્રૂપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. જયસુખ પટેલની અરજી પર તા.૧લી ફેબ્રુઆરીએ નિર્ણય આવવાનો હતો. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનાવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અરજી હાઇ કોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. જેમાં ઘટનાના ૮૭ દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, મને અફસોસ છે વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલનું રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ. ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી અને હાઇ કોર્ટ દ્વારા જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે પણ સરકારને ટકોર કરી હતી. આ ઘટના બન્યાને ૮૭ દિવસ પૂર્ણ થઈ ગયા છે. મોરબી હોનારતમાં કેટલાય લોકોના અકાળે મોત પણ થયા હતા. ત્યારે જયસુખ પટેલે ૮૭ દિવસ બાદ અફસોસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૩૦ ઑક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular