Homeઆપણું ગુજરાતમોરબી દુર્ઘટના: સરકારની કામગીરીથી હાઈકોર્ટ નારાજ, વધુ વળતર ચુકવવા કહ્યું

મોરબી દુર્ઘટના: સરકારની કામગીરીથી હાઈકોર્ટ નારાજ, વધુ વળતર ચુકવવા કહ્યું

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની કામગીરી અંગે નારાજગી દર્શાવી હતી. દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને આપવામાં આવતા વળતર અંગે કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
ઓરેવા કંપનીના સંચાલકોનું નામ FIRમાં ન હોવા અંગે રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો. દરમિયાન કોર્ટે કહ્યું કે, મોરબીના ઝુલતા બ્રિજ હોનારતમાં સંચાલક ઓરેવા ગ્રૂપ સામે તપાસ કેમ ન કરાઈ ? તમે ઓરેવા ગ્રૂપ સામે શું પગલું લીધાં?
હાઈ કોર્ટે કહ્યું કે આ દુર્ઘટનામાં 30 થી 40 વર્ષની ઉંમરના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું, મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકોને સમાન જ ગણવામાં આવે.
સરકારે જણાવ્યું હતું કે માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું, 3000માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે, વળતર પૂરતું નથી.
સરકાર વતી હાજર થયેલા એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો છે. જેમણે મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવવાશે.
કોર્ટે કહ્યું છે કે સરકાર રાજ્યમાં પુલોની સંખ્યા અને સ્થિતિ અંગેનો અહેવાલ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરે. રાજ્યના તમામ પુલોના સર્વેની સાથે સરકારે એ પણ જણાવવું પડશે કે પુલ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં.
ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular