Homeદેશ વિદેશમોરબી દુર્ઘટના: ‘ઓરેવા’ કંપનીના જયસુખ પટેલની ધરપકડના ભણકારા

મોરબી દુર્ઘટના: ‘ઓરેવા’ કંપનીના જયસુખ પટેલની ધરપકડના ભણકારા

ભાજપશાસિત નગરપાલિકાને સરકારની નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મોરબીની મચ્છુ નદી પર રાજાશાહી વખતના ઐતિહાસિક ઝૂલતા બ્રિજના સમારકામમાં થયેલી કથિત ઘોર બેદરકારીને કારણે બ્રિજ તૂટી પડતાં ૧૩૫ લોકોનાં મોત થયાં બાદ આ ઘટનાને મહિનાઓ વીતી ગયા બાદ આખરે ગુજરાત હાઇ કોર્ટની દરમિયાનગીરીને પગલે ગુજરાત સરકારે ભાજપ શાસિત મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટેની શો કોઝ નોટિસ આપી છે. જોકે અગાઉ નગરપાલિકાના ભાજપના નગરસેવકોએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ ઘટનામાં ચૂંટાયેલી પાંખનો કોઇ દોષ નહીં હોવાનું જણાવીને ઓરેવા કંપનીને પાલિકાના ચીફ ઓફિસરે સંચાલન સોંપ્યું હતું. જેથી ચીફ ઓફિસરની ભૂલની સજા ચૂંટાયેલા પાંખને આપવી ન જોઇએ અને નગરપાલિકાને સુપરસીડ ન કરવી જોઇએ. બીજી બાજુ મોરબી દુર્ઘટનામાં
ઓરેવા કંપનીના જયસુખ પટેલની ધરપકડના ભણકારા વચ્ચે તેમણે મોરબીની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ પોલીસે બ્રીજના જવાબદાર મનાતા સંચાલકો ને બદલે ઓરેવા કંપનીની કર્મચારીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરતા હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટનાના અસલી જવાબદારો સામે કાર્યવાહી થવી જોઇએ એવી રજૂઆત કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઇ કોર્ટમાં રાજય સરકારે એવી ખાતરી આપી હતી કે મોરબી નગરપાલિકા સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આખી તપાસ કાર્યવાહીમાં બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીના જયેસુખ પટેલ સહિતના લોકો સામે પગલાં ભરવામાં આવ્યા નહોતા. બીજી બાજુ આ કેસમાં ધરપકડ થવાની શક્યતાને પગલે પટેલે પણ મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા તપાસનો મામલો હવે મોટો બનવાની પૂરી સંભાવના છે.
દરમિયાન રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવીને પૂછ્યું છે કે તેની ફરજો નિભાવવામાં નિષ્ફળતા માટે તેને કેમ વિસર્જન ન કરવું જોઈએ. ગત બુધવારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં મોરબી નાગરિક સંસ્થાને ૨૫મી જાન્યુઆરી સુધીમાં જનરલ બોડીના ઠરાવના રૂપમાં લેખિત સ્પષ્ટતા રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ૧૩મી ડિસેમ્બરે ગુજરાત હાઈ કોર્ટને એવું જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાને વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો. ૩૦મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતાં. મોરબી નગરપાલિકા સાથે થયેલા કરાર મુજબ આ બ્રિજની જાળવણી અને સંચાલન ઓરેવા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું.
નોટિસમાં એવું જણાવાયું હતું કે ઝૂલતા બ્રિજના સંચાલન માટેનો અગાઉનો કોન્ટ્રાક્ટ ૨૦૧૭માં પૂરો થયો હતો. ૨૦૧૮ અને ૨૦૨૦ની વચ્ચે ઓરેવા ગ્રૂપે મોરબી નગરપાલિકાને અનેક પત્રો લખીને પુલની જર્જરિત હાલત અંગે ચેતવણી આપી હતી અને ગંભીર અકસ્માતની પણ ચેતવણી અપાઇ હતી. જો કે, નાગરિક સંસ્થાએ કંપની દ્વારા આવી ચેતવણીઓને ધ્યાનમાં લીધી ન હતી, પાલિકાએ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ ૨૦૧૭માં કંપની પાસેથી બ્રિજ પરત લેવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી અને બ્રિજની સ્થિતિ જાણતા હોવા છતાં પાલિકા નિષ્ક્રિય રહી હતી. દુર્ઘટનાની તપાસ માટે નિમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ના તારણોને ટાંકીને નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, ઓરવા કંપની સંબંધિત સત્તાધિકારીને બ્રિજ સોંપવામાં નિષ્ફળ રહી અને બ્રિજની સ્થિતિ સુધારવા માટે કોઈપણ પક્ષ દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યાં નથી. ઓરેવા ગ્રૂપ દ્વારા પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં પણ ઘણી ક્ષતિઓ જોવા મળી હતી.
———-
આગોતરા જામીન અરજી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સેશન્સ કોર્ટમાં ઓરેવા કંપનીના એમ.ડી જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. ત્યારે કોર્ટમાં આ સમગ્ર મામલે તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૩ને શનિવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ કેસની વિગત મુજબ તા.૩૦મી ઑક્ટોબર, ૨૦૨૨ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવારરીતે ૧૩૫ લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી ૪૭ તો માત્ર બાળકો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular