મોરબીમાં ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ મચ્છુ નદી પરનો સદી જુનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના કેસમાં પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં મોરબી નગરપાલિકાના સસ્પેન્ડેડ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનું નામ સાક્ષી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. સંદીપસિંહ ઝાલાએ જ ઓરેવા ગ્રૂપ સાથે ઝૂલતા પુલની જાળવણી અને સંચાલન માટે કરાર કર્યો હતો.
ગયા વર્ષે 8 માર્ચેના રોજ સંદીપસિંહ ઝાલાએ નગરપાલિકાના જનરલ બોર્ડની મંજૂરી લીધા વગર જ બ્રિજની કામગીરી, જાળવણી અને સમારકામ માટે ઓરેવા ગ્રૂપ સાથે 15-વર્ષના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે સુત્રોના જણાવ્યા મુજબ કરાર પર હસ્તાક્ષર કરવા બદલ સંદીપ ઝાલાની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી નથી.
સંદીપસિંહ ઝાલાની સાથે પોલીસે નગરપાલિકાના વર્તમાન અને પૂર્વ સભ્યોના નામ પણ સાક્ષી તરીકે ઉમેર્યા છે. જેમાં પ્રમુખ કુસુમ પરમાર, ઉપપ્રમુખ જયરાજ જાડેજા, સ્થાયી સમિતિના સભ્ય સુરેશ દેસાઈ, પૂર્વ પ્રમુખ કેતન વિલપરા અને સિવિલ એન્જિનિયર કેવલ કલોલાનો સમાવેશ થાય છે.
ગુરુવારે દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં 369 સાક્ષીઓના નામ છે જેમાં જિલ્લા કલેક્ટર, એડિશનલ કલેક્ટર અને મૃત્યુ પ્રમાણપત્ર જારી કરનારા ડૉક્ટરોનો પણ સમાવેશ થાય છે. ચાર્જશીટ 1,000 થી વધુ પાનાની છે.
જયસુખ પટેલની બેદરકારી તરફ આંગળી ચીંધતા ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે જયસુખ પટેલે કોન્ટ્રાક્ટની શરતનો ભંગ કર્યો હતો. બ્રિજની મજબૂત બનાવવા 8 થી 12 મહિનામાં રીનોવેશન કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે સમય પહેલા જ બ્રિજને જનતા માટે ખુલ્લો મુક્યો. જયારે હજુ છ મહિનાનો સમયગાળો બાકી હતો. આ ઉપરાંત તેમણે રિપેરિંગ કામ માટે એક એવી પેઢીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેને સસ્પેન્શન બ્રિજના કેબલ અને સ્ટ્રક્ચરની કોઈ જાણકારી ન હતી.
જયસુખ પટેલે પુલને ખુલ્લો મુકતા પહેલા ટેકનિકલ નિષ્ણાત પાસેથી કોઈપણ પ્રકારનું સ્ટ્રેન્થ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાની દરકાર કરી ન હતી. ઓરેવા ગ્રૂપે બ્રિજ ખુલ્લો મુકતા પહેલા તરવૈયાઓ, બોટ, ઇમરજન્સી મેડિકલ ટીમો અથવા લાઇફ જેકેટ્સ જેવી આવશ્યક વ્યવસ્થા ઉભી કરી ન હતી. કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ બનાવવામાં આવ્યો ન હતો.
પોલીસે ચાર્જ શીટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે ઓરેવાએ કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ ટિકિટના ભાવ રૂ.5, રૂ.10 અને રૂ.15ને બદલે રૂ.5, રૂ.12, અને રૂ.17 વસુલ્યા હતા. નાણાકીય લાભ માટે બ્રિજ પર 400 થી વધુ લોકોને જવા દેવામાં આવ્યા હતા.
જયસુખ પટેલ અને અન્ય નવ સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં સૌથી ગંભીર બિનઇરાદાપૂર્વક માનવહત્યાનો ગુનો છે.
અકસ્માતના કલાકો પછી સંદીપસિંહ ઝાલા મીડિયા સાથે વાત કરનાર પ્રથમ સરકારી અધિકારી હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓરેવા ગ્રુપે પુલને ફરીથી ખોલતા પહેલા ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યું ન હતું. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે પુલને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યો હોવાની નગરપાલિકાને જાણ નહોતી. પૂછપરછ દરમિયાન સંદીપ ઝાલાએ કબૂલ્યું હતું કે નગરપાલિકા જાણતી હતી કે જો પુલ પર વધુ ભીડ હોય તો દુર્ઘટના સર્જાઈ શકે છે.
મોરબી બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ ચીફ ઓફિસરને સાક્ષી બનાવાયા, જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી
RELATED ARTICLES