( અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગત દિવાળીના તહેવારો ટાણે હાહાકાર મચાવનારી મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખ પટેલની કંપની ઓરેવા ગ્રૂપે દુર્ઘટનાના પીડિતો માટે વચગાળાના વળતરની રકમના ૫૦ ટકા જમા કરાવ્યા છે.
ઓરેવા ગ્રૂપ દ્વારા સોમવારે કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે પ્રથમ હપ્તો એટલ કે કુલ રકમના ૫૦ ટકા ૧૪મી માર્ચે જમા કરવામાં આવ્યો હતો અને બાકીની રકમ ૧૧મી એપ્રિલ અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે.
મોરબીમાં મચ્છુ નદી પરના બ્રિટિશ યુગના પુલના સંચાલન અને જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રૂપ (અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ) હતી ત્યારે ૩૦મી ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ આ બ્રિજ તૂટી પડ્તા ૧૩૫ લોકોનાં મોત થયાં હતાં અને ૫૬ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
હાઈ કોર્ટે ઓરેવા ગ્રૂપની એફિડેવિટ રેકોર્ડ પર લીધી હતી અને કંપનીને બાકીની રકમ જમા કરવા માટે સમય આપ્યો હતો. બેન્ચે આ મામલાની વધુ સુનાવણી ૧૮ એપ્રિલે રાખી હતી.
ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું પુલ તૂટી પડવાના કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ હાઇ કોર્ટે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને ચૂકવવા માટે પ્રસ્તાવિત વચગાળાના વળતરની રકમ બમણી કરવાનો આદેશ આપ્યો હતો.
કંપનીએ વચગાળાના વળતર તરીકે ૧૩૫ મૃતકોના દરેક પરિવારને ૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૧ લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, હાઈ કોર્ટે ૨૨ ફેબ્રુઆરીએ કંપનીને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને અનુક્રમે રૂ. ૧૦ લાખ અને રૂ. ૨ લાખની રકમ બમણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઈ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઓરેવા ગ્રૂપ દ્વારા જમા કરવામાં આવેલી અડધી રકમ દાવેદારોને તેમના બૅન્ક ખાતામાં તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે બાકીની રકમ રાષ્ટ્રીયકૃત બૅન્કમાં સંચિત ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવામાં આવશે. કંપનીને દરેક મૃતકના પરિજનો માટે રૂ. ૫ લાખ અને ઘાયલો માટે રૂ. ૧ લાખ ચાર સપ્તાહની અંદર જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે વધારાની રકમ વધુ ચાર અઠવાડિયા પછી ચૂકવવાની રહેશે. બીજી બાજુ રાજ્ય સરકારે ૮ લાખ રૂપિયા અને કેન્દ્ર સરકારે દરેક મૃતકોને બે લાખ રૂપિયા વળતર ચૂકવ્યું હતું, જ્યારે ઘાયલોને ૨-૨ લાખ રૂપિયા મળ્યા હતા. હાઈ કોર્ટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવને પણ આદેશ આપ્યો હતો કે પીડિતોની યોગ્ય ચકાસણી કર્યા પછી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને સંબંધિત સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને વિતરણ કરવામાં આવે તેની ખાતરી કરે.