મોરબીમાં ઘટેલી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ઘટના બાદથી જ ભૂગર્ભમાં ઉતરી ગયેલ મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે મોરબીની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. પોલીસે કોર્ટ સમક્ષ દાખલ કરેલી ચાર્જશીટમાં તેમનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોરબી સેશન્સ કોર્ટમાં ઝુલતા પુલ દુર્ઘટનાની વધુ સુનાવણી આવતી કાલે 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે. જયસુખ પટેલે દાખલ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે.
મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદથી જ જયસુખ પટેલનો કોઈ પતો ન હતો. તેમનું નામ FIRમાં સામેલ કરાયું ન હતું જેથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે તેમનું નામ સામેલ કરાયું હતું.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારો જયસુખ પટેલની ધરપકડની સતત માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજુ થઇ ગયા છે.