ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે(SIT) ગુજરાત હાઈકોર્ટમાં એક રીપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રીપોર્ટમાં વહીવટી અને ટેકનીકલ ક્ષતિઓ અને બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે પુલનું રીનોવેશન યોગ્ય રીતે થયું ન હતું.
અહેવાલમાં જણાવાયું છે કે મોરબી બ્રિજને જકડી રાખનાર 49 માંથી 22 કેબલ પહેલેથી જ કટાઈ ગયેલા હતા. ઘટના પહેલા જ કેટલાક કેબલ તૂટી ગયા હોઈ શકે છે. રીપોર્ટ અનુસાર, બ્રીજ મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે અકસ્માત થયો હતો. SIT એ એ પણ શોધી કાઢ્યું કે રીનોવેશન દરમિયાન, જૂના સસ્પેન્ડર્સ (સ્ટીલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે) નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વગર જ બ્રિજની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ)ને આપ્યો હતો. SITએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ નગર પાલિકાના જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ઓરેવા ગ્રુપ સાથે મેન્ટેનન્સ કરાર મંજુર કરવો ન હતો જોઈતો. આ કરાર પર 8 માર્ચ, 2022ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ કરાર 15 વર્ષના સમયગાળા માટે હતો.
કંપની દ્વારા પુલ માર્ચ 2022માં રીનોવેશન માટે બંધ કરવામાં આવ્યો હતો અને 26 ઓક્ટોબરે કોઈપણ પૂર્વ મંજૂરી અથવા નિરીક્ષણ વિના જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. એસઆઈટીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે પુલ પર લગભગ 300 લોકો હતા, જે સંખ્યા પુલની લોડ-બેરિંગ ક્ષમતા કરતા “ઘણી વધારે” હતી. બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.
એસઆઈટીએ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેનની બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો છે.
અહેવાલમાં ઓરેવા કંપનીને “ગેરવહીવટ” માટે પણ ફટકાર લગાવવામાં આવી છે, રીપોર્ટમાં જણાવ્યું હતું કે પુલ પર જતા વ્યક્તિઓની સંખ્યા પર કોઈ નિયંત્રણ ન હતું, ટિકિટ વેચાણની સંખ્યા પર કોઈ સીમા નક્કી કરી ન હતી.
મોરબી બ્રીજ દુર્ઘટના: અડધા કેબલ પહેલાથી જ કટાયેલા હતા, SIT રીપોર્ટમાં ખુલાસો
RELATED ARTICLES