Homeઆપણું ગુજરાતMorbi Bridge Collapse: જાણો બ્રિજ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો તે કંપની વિશે

Morbi Bridge Collapse: જાણો બ્રિજ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો તે કંપની વિશે

ગુજરાતના મોરબીમાં રવિવારે એટલે કે 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પર બનેલો હેંગિંગ બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના બની હતી. આ ગોજારા અકસ્માતમાં 142થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે અને મરણાંક હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી હજુ ચાલુ છે. આ અકસ્માત બાદ ઘણા પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે દિવાળીના એક દિવસ બાદ એટલે કે ગુજરાતી નવા વર્ષના દિવસથી આ બ્રિજને રિનોવેશન બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમારકામ બાદ ખોલવામાં આવેલો બ્રિજ આ રીતે તૂટ્યા બાદ તેનું કામ કરનારી કંપની ઓરેવાની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
મોરબીની ઓળખાણ તરીકે પ્રસિદ્ધ 143 વર્ષ જૂના આ કેબલ બ્રિજના મેઈન્ટેનન્સની જવાબદારી ઓધવજી પટેલની કંપની ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો. વર્ષ 2022થી 2037 સુધી બ્રિજના મેઈન્ટેનન્સની જવાબદારી આપવામાં આવી હતી, જેમાં બ્રિજની સાફસફાઈ, સુરક્ષા અને ટોલ વસૂલવાનું કામ કંપનીને આપવામાં આવ્યું હતું.
આ બ્રિજની ક્ષમતા 100 લોકો સુધીની જ છે, પરંતુ જે સમયે દુર્ઘટના બની ત્યારે બ્રિજ પર 400થી વધુ લોકો ઉપસ્થિત હતાં.
ઓરેવા કંપનીની શરૂઆત વર્ષ 1971માં ઓધવજી રાઘવજી પટેલે કરી હતી. બિઝનેસની દુનિયામાં ઝંપલાવતા પહેલા ઓધવજી એક સાયન્સ ટીચર તરીકે સ્કૂલમાં કાર્યરત હતાં. ત્યારબાદ તેમણે અજંતા અને ઓરપૈટ બ્રાન્ડ હેઠળ ઘડિયાળ બનાવવાનું કામ શરૂ કર્યું, જે બાદ વીજળીના ઉપકરણ, લાઈટ, કેલક્યુલેટર, ચીની માટીના ઉત્પાદનો, સીએફએલ અને ઈ-બાઈક પણ બનાવે છે. ઓરેવા કંપનીનું ટર્ન ઓવર 800 કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવી રહ્યો છે ત્યારે કંપનીમાં 6000 કરતાં વધુ કર્મચારી કામ કરે છે. કંપનીના સંસ્થાપક ઓધવજી પટેલનું 88 વર્ષની ઉંમરે તાજેતરમાં જ નિધન થયું હતું. મોરબી દુર્ઘટના બાદ સવાલ ઉઠી રહ્યા છે કે ઘડિયાળ અને સીએફએલ બનાવનારી કંપનીને બ્રિજ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો? આ સિવાય ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, જેના રહસ્યો તપાસ બાદ સામે આવશે.

RELATED ARTICLES

Most Popular