Homeધર્મતેજમોરારસાહેબની વિરહાનુભૂતિ

મોરારસાહેબની વિરહાનુભૂતિ

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

કહેવાય છે કે રવિસાહેબ દ્વારિકાની યાત્રાએ અને પછી ખંભાલિડા શિષ્ય સ્થાનકે જવા નીકળેલા. લીંબડીમાં સંત ભજનિક મીઠા ઢાઢીએ આ જાણ્યું. રાત્રીસત્સંગમાં પ્રેમભક્તિને બદલે યોગસાધનાની મહત્તાને વધાવતું ‘બંસરી વાગી રહી આ વનમાં’ ભજનગાન કરેલું. રવિસાહેબને સમજાઈ ગયું કે બંસરીવાદકના દર્શને જાઓ છો, પણ આ દેહમાંથી બંસરીનાદ સાધનાબળે યોગ ઉપાસનાથી સાંભળી શકાય. પ્રેમભક્તિના સાધક યોગના પરમ ઉપાસક પછી ખંભાલિડામાં જ રોકાઈ ગયેલા. મોરારસાહેબને પણ સત્સંગ-સાધના અને સાહિત્ય ઉપાસના તરફ વિશેષ્ા ક્રિયાશીલ કરેલા.
મોરારસાહેબની બારમાસી, ચિંતામણિ. જ્ઞાન-વૈરાગ્યના કુંડળિયા યોગ, બોધ-ઉપદેશ, વૈરાગ્ય અને વિરહભાવની અનુભૂતિના સાહિત્યના રવિસાહેબ સાક્ષ્ાી રહ્યા. એમની પરજ ઢાળ – ઢંગની રચનાઓ આર્તંનાદે ભાઈ નિરંજન રાજયગુરુના કંઠે સાંભળી છે. એમના શિષ્યો ચરણસાહેબ, દલુરામ, દુર્લભસાહેબ, જીવોભગત ખત્રી, હોથી, કરમણ અને જોડિયા સ્થિર થયેલા ધરમશી ભગત જેવી શિષ્યમંડળી મોરાર અને રવિના તપ ને-તેજ ને અને સાહિત્ય પરંપરાને જીવંત રાખનારા નીકળ્યા.
રવિસાહેબની બારમાસી અને મોરારકૃત બારમાસી પ્રેમ અને જ્ઞાનનો સંગમ છે. મોરારસાહેબની હરિમિલનની ઉત્સુક્તા અને વિરહની વેદનશીલતા અભિવ્યક્તિ અર્પતી લોકપ્રિય ભજન રચનાને આસ્વાદીએ…
‘લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે;
એવી શિયો રે અમારલો દોષ્ા, નો આવ્યા ફરીને રે….
લાવો લાવો કાગળિયો ને દોત… …૧
વ્હાલા દૂધ ને સાકરડી પાઈ, ઉછેર્યા અમને રે;
હવે વખડાં ઘોળો મા, મા રાજ ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત… …ર
હે જી હરજી! હીરને હીંચોળે રાજ, હીંચોળ્યાં અમને રે,
હવે તરછોડો મા, મારાજ ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત… …૩
હે જી હરજી પ્રેમના પછેડા રાજ ઓઢાડેલ અમને રે,
હવે ખેંચી લિયો મા, મા રાજ ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત… …૪
હે જી વ્હાલીડા ઊંડેરા કૂવામાં આજ, ઉતાર્યા અમને રે,
હવે વરત વાઢો મા, મા રાજ ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત… …પ
ગુણલા ગાય છે રવિ-ગુરુ ભાણ, ત્રિકમ બેડી તારો રે,
એવી પકડો મોરારની બાંય, ભવસાગર ઉતારો રે…
લાવો લાવો કાગળિયો ને દોત… …૬’
હરિદર્શનનો-પરમેશ્ર્વરનો એક વખત સાક્ષ્ાાત્કાર થઈ ગયા પછી પુન: વારંવાર ફરી-ફરી દર્શનની ઝંખનાને અભિવ્યક્તિ અર્પતું આ પદ – ભજન ભારે લોકપ્રિય છે. એને પરજના ઢંગમાં પ્રસ્તુત થતું મેં ખૂબ સાંભળ્યું છે.
મોરારસાહેબ કહે છે લાવો-લાવો કાગળ-ખડિયો અને કલમ઼ હરિને લખીએ, કે કેમ ફરી પુન: પધારતા નથી. મારો એવો શું દોષ્ા છે કે આપ ફરીને ન આવ્યા? પુન: વધારો આપના દર્શનની મારી ઝંખનાને સંતોષ્ાો.
હે પ્રભુ તમારા દૂધ-સાકર જેવા મધમીઠા નિત્ય દર્શનથી અમારો ઉછેર થયો છે. હવે તમે વિષ્ાપાન સમાન દૂરતા કેળવી એ તમને શોભતું નથી અને અમારાથી પણ આ સહન થતું નથી.
હે હરજી તમે હીરની દોરીવાળા હીંચકે અમને ઝુલાવ્યા-હીંચકાવ્યા. હવે અમને તરછોડી દીધા એ તમારા માટે ઉચિત નથી. તમારો એ પ્રેમભાવ પુન: પ્રગટાવો.
હે પરમેશ્ર્વર તમે પ્રેમની ચાદર-પછેડી અમને ઓઢાડેલી. હવે એ પછેડી ખેંચી લીધી એ તમારા માટે યોગ્ય નથી. અમે નોંધારા થયા. તમારા પ્રેમની હૂંફનો પુન: અનુભવ કરાવો.
હે! ભગવાન તમે અમને તમારા પ્રેમના ઊંડા કૂવામાં દોરડેથી ઉતાર્યા અને અમને જેના વડે ઉતારેલ એ દોરડું હવે વાઢો-કાપો તે બરાબર નથી. તમારી સાથેનો અહર્નિશ પ્રેમભાવ અમારા તરફ વહેતો રહે એવી અપેક્ષ્ાા છે.
ભાણ-રવિસાહેબની કૃપાએ ત્રિકમજી હું તમારા ગુણ ગાઉ છું. આ મોરારનો હાથ ઝાલી – પકડીને ભવસાગરમાંથી એને ઉગારો. તમારી દુરતા મારાથી સહન થતી નથી. તમારો આશ્રિત છું. તમે જ મારો હાથ હંમેશા પકડી રાખજો.
વિરહની વેદનશીલ અવસ્થિતિની અભિવ્યક્તિમાં મોરારસાહેબે કરેલું શબ્દચયન માધુર્ય પ્રગટાવે છે. પ્રેમના પછેડા, હીરને હીંચોળે માં પ્રયોજાયેલ વર્ણનું અર્થપૂર્ણ પુનરાવર્તન તથા ઊંડેરા કૂવામાં આજ ઉતાર્યા અમને રે, માં અ-ઉ વર્ણને બેવડાવીને ઊંડણમાં ભાવકને દોરી જતી પંક્તિ સૌંદર્યાનુભવ કરાવનારી છે.
વિરહ ભાવની ચોટદાર અભિવ્યક્તિ અને ફરિયાદમાં રહેલું માર્દવપણું ઈશ્ર્વરને પણ પીગળાવી દે. પરજના ઢંગમાં ભાઈ નિરંજન રાજયગુરુએ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં યોજેલી હસ્તપ્રતવિદ્યાની કાર્યશાળા પૂર્ણ થયેથી આદરણીય હરિવલ્લભ ભાયાણી સાહેબ વિદાય થતા હતા ત્યારે એ કાર્યશાળાના સમાપનમાં ભારે ભાવથી પ્રસ્તુત કરેલી, એ સમયે ભાયાણીસાહેબ સાથે સહુ કોઈની આંખ ભીની થઈ ગયેલી. એ સ્મૃતિ કાયમ મનમાં ભંડારાયેલી છે – રહેશે.

 

RELATED ARTICLES

Most Popular