ખંભાલિડા તીર્થ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
રવિસાહેબ અને મોરારસાહેબનું સમાધિસ્થળ, સાધનાસ્થળ અને સાહિત્યસર્જન – લેખનનું સ્થાનક ખંભાલિડા મારી દૃષ્ટિએ મોટું તીર્થ છે. ત્યાંનો હસ્તપ્રતભંડાર અદ્યપિ કાળજીથી સચવાયો છે. જે કાવડનો રામરોટી યાચના માટે ઉપયોગ કરતા, તે કાવડ અને જે હિંડોળા ઉપર બેસીને ભજન કીર્તનગાન અને નામજાપ કરતા તે પ્રસાદીની ચીજ-સામગ્રી પણ અહીં જળવાઈ છે. એમની ચાંખડી એમણે એમના વડોદરાના એક શિષ્યા વણારસીમાને પ્રસાદી રૂપે આપેલી. મોરારસાહેબની વડોદરા પધરામણી યાત્રા હતી ત્યારે વિઠ્ઠલપોળમાં હરિભાઈ જેઠાભાઈ ઠક્કરને ત્યાં નિવાસ-સત્સંગ રાખેલો. એ સમયે એના પડોશી વણારસીમા સત્સંગમાં આવતા. શ્રીગોડ બ્રાહ્મણ કુંટુંબની વિધવા સન્નારી વણારસીમાએ ગુરુમંત્રની માગણી કરી. મોરારસાહેબે મંત્ર દીક્ષ્ાા આપી. પોતાની સંપત્તિ અને રહેણાંક મોરારસાહેબને અર્પણ કરી દીધેલું. મોરારસાહેબ તો અપરિગ્રહી હતા. સાધુ સંતોની સેવામાં એનો ઉપયોગ કરવાનું કહી પોતાની ચરણપાદુકા-ચાંખડી પ્રસાદી રૂપે આપેલી. એ સ્થળે વણારસીમાએ શિવાલય અને રાધાકૃષ્ણનું મંદિર સ્થાપી ભજન કીર્તન સાધનામાં લીન રહેતા. પછી ત્યાં હરિદાસજી, હીરાદાસજી અને હરભજનદાસજી મહંત તરીકે સેવારત રહેલા. ઈ.સ.૧૯૮૮માં મેં દલપત પઢિયાર અને નિરંજન રાજયગુરુના માર્ગદર્શનથી હસ્તપ્રત પ્રાપ્તિ માટે મુલાકાત લીધેલી ત્યારે ઘનશ્યામદાસજી ગાદીપતિ હતા એમની સાથે સત્સંગ કરેલો. પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાના તત્કાલીન સંશોધન અધિકારી ડો. દેવદત્ત જોશી મારી સાથે હતા.
મોરારસાહેબની સ્મૃતિને સાચવતી ચરણપાદુકાને મેં શીર પર ધારણ કરીને આનંદની અનુભૂતિ થયેલી. પ્રેમભક્તિમાં લીન અને અજપાજાપની યોગસાધનામાં તલ્લીન રહેતા મોરારસાહેબની પ્રેમભક્તિ વિભાવનાનો પરિચય કરાવતું એક ભજન આસ્વાદીએ…
‘મારું ચિતડું ચોરાયેલ રે, મનડું વિંધાયલ રે, કોડીલા વર કાન સે;
હરિ વિના વાધેલ વ્રેહ ને વેરાગ રે,
ઓધાજી, વાતું કેંને કૈયેં ? ..ટેક…૧
પ્રીત્યું છે પૂરવની રે, નવીયું નથી નાથજી, હો મેં વારી જાઉં,
છોડી નવ છૂટે હો, મર જાય શરીર રે,
ઓધાજી, વાતું કેંને કૈયેં ? ..ર
ધીરજ કેમ ધરીએં રે, વ્રેહ કેમ વિસરીએં, હો મેં વારી જાઉં,
તેણે કાંઈ તપે, હમારાં તન રે,
ઓધાજી, વાતું કેંને કૈયેં ? …૩
દોહ્યલા દિવસ રે, જાય જાુગ જેવડા, હો મેં વારી જાઉં,
રજની કાંઈ, રુદન કરતાં વિહાઈ રે,
ઓધાજી, વાતું કેંને કૈયેં ? …૪
પ્રાણને પિંજરિયે રે હરિ, વળૂંભી રહ્યાં, હો મેં વારી જાઉં,
નેણે કાંઈ, નિરખવા નંદકુમાર રે,
ઓધાજી, વાતું કેંને કૈયેં ? …પ
મોરાર ના સ્વામી રે, ગોપીજન વિનવે, હો મેં વારી જાઉં,
દરશન અમને, દેજો દીનદયાળ રે,
ઓધાજી, વાતું કેંને કૈયેં ? …૬
હે પરમેશ્ર્વર-હરિ, મારું ચિત્ત તમે ચોરી લીધું છે અને મારું મન તમારા નામથી વિંધાયું છે. હે કોડભર્યા કંથ કાનજી હું તમને સમર્પિત છું. તમારા વગર મારો વિરહભાવ વૃદ્ધિ પામ્યો છે. હે ઉદ્ધવ આ વાત હું ક્યાં-કોને કહું.
હે નાથ – પરમેશ્ર્વર શ્રીકૃષ્ણ તમારી સાથે આ જન્મ નહીં પણ જન્મજન્માંતરથી મારે પ્રેમભાવ છે. હું તમારી ઉપર ઓવારી ગઈ છું. કોઈ રીતે એ છૂટવાનું નથી. આ શરીર-દેહ જશે પણ એ આત્મભાવ મારામાંથી વિદાય થવાનો નથી.
હવે ધીરજ કેટલી રાખવી, વિરહ ભાવને કઈ રીતે ભૂલું. આપની ઉપર હું ઓવારી – સમર્પિત થઈ છું. આ વિરહાગ્નિથી મારું શરીર તપી ગયું છે.
વિરહ-જુદાઈ-આપને મળવાની તિવ્રેચ્છાના આ દિવસો ભારે વિકટ છે – દોહ્યલાં છે. એક યુગ જેટલાં લાંબા લાગે છે. રાત્રી તો મારી રડવામાં જ જાય છે. હે ઉદ્ધવજી આ વાતો મારે કોની સમક્ષ્ા કરવી.
આ શરીરના પ્રાણ રૂપી પીંજરામાં જીવાત્મા વલખા મારે છે. હજુ આ નેત્રોથી એને તમારા દર્શન કરવા છે, એ વિદાય નહીં થાય, હે નંદકુમાર તમારી રાહ છે. મારી આ સિસૃક્ષ્ાા કોને કહેવી.
મોરારસાહેબના હે સ્વામીનાથ, હે ગોપીજન વલ્લભ તમને વિનવણી કરું છું. હે દીનદયાળ મને પ્રત્યક્ષ્ા દર્શન આપો. હે ઉદ્ધવ પરમેશ્ર્વરના વિરહની વેદનાની વાતો મારે ક્યાં જઈને, કોને કહેવી.
બૌદ્ધિકો-સાધકોને થતો બહુ મોટા પ્રશ્ર્ન આજથી ત્રણસો વર્ષ્ા પૂર્વે મોરારસાહેબને પણ થયો હશે. વાત ક્યાં અને કોની સાથે કરવી. એકાકીપણું આખરે ક્યાં તોડવું? વાત કરવાની પોતાની મનની ભાવના વ્યક્ત કરવી ક્યાં? ‘વાતુ કેંને કૈયે રે’ આજનો આપણો પ્રશ્ર્ન કેટલો શાશ્ર્વત અને સનાતન છે. પરમેશ્ર્વર દર્શનની ઝંખનાને પ્રગટાવતું આ પદ આવી રીતે સનાતન ભાવને પ્રગટાવતું જણાયું છે. ઈશ્ર્વરની વિરહાનુભૂતિ, પ્રત્યક્ષ્ા દર્શનની ઝંખના ન તોષ્ાાતા ઉદ્ભવતો વિરહ -પ્રેમભક્તિભાવનો પરિચાયક છે. મોરારસાહેબ એ ભાવને અહીં હૃદયસ્પર્શી અભિવ્યક્તિ અર્પી શકેલા અવલોક્વા મળે છે.