ખંડગ્રાસ સૂર્યગ્રહણની વિવિધ ક્ષણની મુંબઈમાં લેવાયેલી તસવીરો. મંગળવારે બપોરે દેશભરમાં સૂર્યગ્રહણ દેખાયું હતું. (જયપ્રકાશ કેળકર)
——–
નવી દિલ્હી: ભારત અને દુનિયાના અનેક દેશમાં પચીસ ઑક્ટોબરે બપોરે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અનોખો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.
મુંબઈમાં મંગળવારે બપોરે ૪:૪૯ વાગ્યે શરૂ થયેલું સૂર્યગ્રહણ સાંજના ૬:૦૯ સુધી ચાલ્યું હતું, જ્યારે ગાંધીનગરમાં બપોરે ૪:૩૭ વાગ્યાથી સાંજના ૬:૦૫ વાગ્યા સુધી સૂર્યગ્રહણ દેખાયું હતું.
ખગોળશાસ્ત્રીઓ અને અવકાશમાં રસ ધરાવતા લોકોએ ફિલ્ટર કાચવાળા ચશ્માં પહેરીને અને ખાસ દૂરબીન વાપરીને ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. મોટા ભાગના મંદિર આ સમય દરમિયાન બંધ રહ્યા હતા. ઘણાં લોકોએ નદી, તળાવમાં સ્નાન કર્યું હતું તેમ જ કેટલાક લોકોએ ઘરમાં ભજન-કીર્તન પણ કર્યાં હતાં.
ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે દેશમાં ઘણી જગ્યાએ આકાશ સ્વચ્છ, ઓછા વાદળવાળું હોવાથી ખંડગ્રાસ સૂર્યગ્રહણ સારી રીતે જોઈ શકાયું હતું.
ગ્રહણ સમયે ભોજન નહિ લેવાની માન્યતા ખોટી છે. તેની કોઈ માઠી અસર ખોરાક પર નથી થતી. માત્ર સૂર્યગ્રહણ સીધું જોવું નહિ, કારણ કે તેમ કરવાથી આંખને નુકસાન થાય છે.
દેશમાં સૂર્યગ્રહણ સૌપ્રથમ અમૃતસરમાં બપોરે ૪:૧૯ વાગ્યે શરૂ થયું હતું. દિલ્હીમાં ૪:૨૯ વાગ્યે શરૂ થઈ ૫:૪૨ વાગ્યે, ભોપાલમાં ૪:૪૨ વાગ્યે શરૂ થઈ ૫:૪૬ વાગ્યે, જયપુરમાં ૪:૩૧ વાગ્યે શરૂ થઈ ૫:૪૯ વાગ્યે, રાયપુરમાં ૪:૫૧ વાગ્યે શરૂ થઈ ૫:૩૧ વાગ્યે, કોલકાતામાં ૪:૫૨ વાગ્યે શરૂ થઈ ૫:૦૩ વાગ્યે, ચેન્નઈમાં ૫:૧૪ વાગ્યે શરૂ થઈ ૫:૪૪ વાગ્યે, બેંગલુરુમાં ૫:૧૨ વાગ્યે શરૂ થઈ ૫:૫૫ વાગ્યે, પટણામાં ૪:૪૨ વાગ્યે શરૂ થઈ ૫:૧૩ વાગ્યે, ગાંધીનગરમાં ૪:૩૭ વાગ્યે શરૂ થઈ ૬:૦૫ વાગ્યે, હૃષીકેશમાં ૪:૨૬ વાગ્યે શરૂ થઈ ૫:૩૬ વાગ્યે, ઈન્દોરમાં ૪:૪૨ વાગ્યે શરૂ થઈ ૫:૫૩ વાગ્યે, ઉદયપુરમાં ૪:૩૫ વાગ્યે શરૂ થઈ ૬:૦૦ વાગ્યે, લુધિયાણામાં ૪:૨૨ વાગ્યે શરૂ થઈ ૫:૪૪ વાગ્યે, સિમલામાં ૪:૨૩ વાગ્યે શરૂ થઈ ૫:૩૯ વાગ્યે, વારાણસીમાં ૪:૪૧ વાગ્યે શરૂ થઈ ૫:૨૨ વાગ્યે, લખનઊમાં ૪:૩૬ વાગ્યે શરૂ થઈ ૫:૨૯ વાગ્યે અને અમદાવાદમાં ૪:૩૮ વાગ્યે શરૂ થઈ ૬:૦૬ વાગ્યે પૂરું થયું હતું.
ભારતના અનેક વિસ્તારોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. શ્રીનગરમાં સૌથી વધુ પંચાવન ટકા સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.
ચંદ્ર જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે.
અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’ની વૅબસાઈટ પર જણાવ્યા અનુસાર પચીસ ઑક્ટોબરે ખંડગ્રાસ સૂર્યગ્રહણ યુરોપ, નોર્થ-ઈસ્ટ આફ્રિકા, મિડલ ઈસ્ટ, વેસ્ટ એશિયા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યું હતું.
કોલકાતાના ખગોળ વિજ્ઞાની દેવીપ્રસાદ દુઆરીના જણાવ્યા અનુસાર આ ગ્રહણ દેશના ઉત્તર અને પશ્ર્ચિમ ભાગમાં સૌથી સારું દેખાયું હતું. જોકે, દેશના પૂર્વ ભાગમાં ગ્રહણ સારું જોવા મળ્યું નહોતું કેમ કે તે જગ્યાએ વહેલો સૂર્યાસ્ત થઈ ગયો હતો. આ સિવાય યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્યપૂર્વ અને પશ્ર્ચિમ એશિયાના અમુક ભાગમાં આ ગ્રહણ જોવા મળ્યું હતું.
દિવાળી જેવા મોટા તહેવારમાં સૂર્યગ્રહણ હોવાથી અનેક પ્રકારની મૂંઝવણો ઊભી થઈ હતી, જેમ કે દિવાળીએ રાત્રે પૂજા કર્યા બાદ લક્ષ્મીજીનો બાજોઠ ક્યારે હટાવવો, ગ્રહણ સમયે ભોજન કેવી રીતે પવિત્ર અને સુરક્ષિત રાખવું, સૂતકનો સમય શું રહેશે, ગ્રહણની અસર તમામ રાશીઓ પર કેવી થશે, સૂર્યગ્રહણ સમયે આંખનું ધ્યાન કેવી રીતે રાખવું? વગેરે…
ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
સૂર્યગ્રહણ બાદ આઠ નવેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થશે અને તે એશિયા, ઑસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં જોવા મળશે. ભારતમાં પણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે અને તેનું સૂતક પણ લાગશે. (એજન્સી)