એકનાથ શિંદે શાસનનો મહિનો

આમચી મુંબઈ

પ્રધાનમંડળના વિસ્તરણમાં વિલંબ છતાં નિર્ણયો લેવામાં ગજબની ઉતાવળ

મુંબઈ: હાઈ-વોલ્ટેજ રાજકીય ડ્રામા પછી સત્તામાં આવેલી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે શનિવારે કાર્યાલયમાં એક મહિનો પૂરો કર્યો, પણ કેબિનેટનું વિસ્તરણ ક્યારે થશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. કેબિનેટના વિસ્તરણને ભલે વિલંબ થઇ રહ્યો, પણ નિર્ણયો લેવામાં શિંદે સરકારે કોઇ કસર બાકી નથી રાખી.
શિંદેની આગેવાની હેઠળના સેનાના બહુમતી વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેને પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેના એક દિવસ પછી શિંદેએ ૩૦મી જૂનના રોજ મુખ્ય પ્રધાન તરીકે અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
શિંદેએ શિવસેનાના નેતૃત્વ સામે બળવો પોકાર્યાના ૧૦ દિવસ બાદ સરકારની રચના કરવામાં આવી હતી. સેનાના પંચાવનમાંથી ચાલીસ વિધાસનભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું, જેના પરિણામે અઢી વર્ષ જૂની મહાવિકાસ આઘાડી (એમવીએ)નું પતન થયું હતું. મહાવિકાસ આઘાડીમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.
ઠાકરે સરકારના પતન બાદ એવી વ્યાપક અટકળો થતી હતી કે ફડણવીસ સેનાના બળવાખોર નેતાઓના સમર્થનથી ત્રીજી વાર મહારાષ્ટ્રની બાગડોર સંભાળશે. જોકે ફણડવીસે તમામ લોકોના આશ્ર્ચર્ય વચ્ચે એવી જાહેરાત કરી હતી કે શિંદે આગામી મુખ્ય પ્રધાન બનશે, તેઓ નવી સરકારનો ભાગ નહીં બને. જોકે એનાથી પણ વધુ આશ્ર્ચર્યની વાત એ થઇ હતી કે તેઓ નાયબ મુખ્ય પ્રધાનપદ તરીકે સરકારનો ભાગ બનવા માટે સહમત થયા હતા.સત્તામાં આવ્યા બાદ શિંદે સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક બનાવ્યો હતો, જેને ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા ટલ્લે ચડાવવામાં આવ્યો હતો. બે અઠવાડિયાં પહેલાં ફડણવીસે એવું કહ્યું હતું કે પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે તમામ મંજૂરીઓ આપવામાં આવી છે. નવી સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોને પણ અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ નામ આપવા માટે કેબિનેટની મંજૂરી આપી હતી. આ શહેરોના નામ બદલવાનો નિર્ણય એમવીએ સરકારની છેલ્લી કેબિનેટની બેઠકમાં ૨૯મી જૂનના રોજ ઠાકરેએ રાજીનામું આપ્યું એ પહેલાં લેવામાં આવ્યો હતો. શિંદે સરકારે ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન જેલમાં બંધ રાજકીય કાર્યકરો માટે પેન્શન યોજનાને પણ પુન:સ્થાપિત કરી હતી. ફડણવીસ સરકારે લીધેલા નિર્ણયને ઠાકરેના વહીવટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અતિ વિવાદાસ્પદ આરે કોલોનીમાં મેટ્રો-૩ કારશેડના બાંધકામ પરનો સ્ટે હટાવી લીધો હતો. અગાઉની એમવીએ સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્ટેને પગલે નવેમ્બર, ૨૦૧૯માં બંધ કરવો પડ્યો હતો, પણ શિંદે સરકારના નિર્ણયને પગલે બાંધકામનો માર્ગ મોકળો થયો હતો. સરપંચ અને મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખપદ માટે સીધી ચૂંટણી પણ પુન:સ્થાપિત કરવામાં આવી હતી.
હાલમાં કેબિનેટમાં શિંદે અને ફડણવીસ જ સભ્યો છે, કારણ કે તેનું વિસ્તરણ કરવામાં વિલંબ થયો છે. આ વિલંબથી વિપક્ષી પક્ષોને સરકાર પર માછલાં ધોવા માટે અનેક મુદ્દાઓ મળ્યા છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રત્નાકર મહાજને કટાક્ષ કરતાં કહ્યું હતું કે રાજ્યના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે બે સભ્યોની વિશાળ કેબિનેટ મોટા પાયે પૂર, કેટલીક જગ્યાએ વરસાદનો અભાવ અને સમાન બાબતોની કાળજી લઇ રહી છે. કોઇ રાજકીય પક્ષ માટે તે ક્યારે પણ એટલું દયનીય નહીં હોય કે એક મહિનામાં એક રાજ્યમાં સંપૂર્ણ પ્રધાનમંડળ બનાવી ન શકાય. આ માટે ભાજપની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જવાબદાર ઠેરવવી જોઇએ, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.