પ્રાસંગિક -અનંત મામતોરા

વર્ષાઋતુ તો આમ પણ ખેડૂતોની ઋતુ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. ભારત જેવા ખેતી સંપન્ન દેશ માટે વર્ષાઋતુના મહત્ત્વની કોઈને જાણ કરવાની ન હોય. પણ ખેડૂતો જ નહીં, બાગકામના કોઈ પણ શોખીન, અરે, ઘરમાં એક નાનકડું કૂંડું રાખવાની ઈચ્છા રાખનાર માટે પણ આ ઋતુ શ્રેષ્ઠ કહી શકાય. બાગકામના નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં તમામ પ્રકારની શાકભાજી ફૂલોની સાથે સરળતાથી ઊગે છે. જાણો કઇ શાકભાજી સરળતાથી લગાવી શકાય છે. કલમ અથવા બીજમાંથી કોઈપણ છોડ રોપવાનો શ્રેષ્ઠ સમય વરસાદની મોસમ છે. ગાર્ડનિંગ એક્સપર્ટ શ્ર્વેતા પાંડાના મતે, જો તમે ક્યારેય ઘરે શાકભાજી ઉગાડ્યાં ન હોય, તો તમે આ સિઝનથી શરૂઆત કરી શકો છો. આ સમયે, ઘણા લોકો શિયાળાની ઋતુના શાકભાજીની તૈયારી કરવા ઉપરાંત આખા વર્ષ દરમિયાન ઉગાડવામાં આવતા શાકભાજીનું વાવેતર કરે છે. વરસાદનું પાણી છોડ માટે અમૃત સમાન છે, તેથી થોડી કાળજી રાખીને તમે સારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકો છો.
માટી કેવી રીતે તૈયાર કરવી?
જો કે આ દરેક મોસમમાં છોડનો વિકાસ સારી રીતે થાય છે, જો તમે યોગ્ય ‘પોટિંગ મિશ્રણ’ તૈયાર કરો, તો છોડને યોગ્ય પોષણ પણ મળે છે. શાકભાજી માટે શ્રેષ્ઠ માટી તૈયાર કરવા માટે, તમે ૫૦ ટકા સામાન્ય માટી, ૩૦ ટકા ખાતર અને ૨૦ ટકા કોકોપીટ મિક્સ કરો. તમે આ પોટિંગ મિશ્રણમાં લગભગ દરેક શાકભાજી સરળતાથી ઉગાડી શકો છો. ખાતર માટે તમે ઘરમાં બનાવેલા ખાતર સાથે વર્મીકમ્પોસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ આ સિઝનમાં કઇ શાકભાજી રોપવી જોઇએ.
———
ટામેટા
આ સિઝનમાં તમે આરામથી ટમેટાના ઘણા છોડ રોપી શકો છો. તેના છોડ નાના ક્ધટેનરમાં પણ સરળતાથી ઊગે છે. આ માટે તમારે પહેલા એક નાના કૂંડામાં છોડ તૈયાર કરવો જોઈએ. તમે આ નાના કૂંડામાં પોટિંગ મિક્સ નાખીને ટામેટાના ટુકડાને સીધા રાખી શકો છો અથવા તમે બીજ કાઢીને પણ રોપી શકો છો. બીજ રોપ્યા પછી, તમે ઉપરથી હળવી માટી પણ ઉમેરી દો અને પાણીનો છંટકાવ કરી શકો છો.
નિયમિતપણે પાણી આપો અને જો તમારા કૂંડાની માટી ભેજવાળી હોય, તો તમે એક કે બે દિવસના અંતરે પાણી આપી શકો છો.
શાકભાજીના છોડને તડકામાં રાખવા જોઈએ, પરંતુ જો ત્યાં ઘણો સૂર્યપ્રકાશ હોય, તો તમે હળવા છાંયડામાં રાખી શકો છો અને આ ઋતુમાં વરસાદનું પાણી જોરદાર પ્રવાહ સાથે છોડ પર ન પડે તેનું ધ્યાન રાખો.
જ્યારે ટામેટાંનો છોડ થોડો વધવા લાગે છે, ત્યારે તમે ઘરે બનાવેલા માઈક્રો ન્યુટ્રીઅન્ટનો છંટકાવ કરી શકો છો. તમે ફળો અને શાકભાજીની છાલને પાણીમાં પલાળીને એક કે દોઢ અઠવાડિયા પછી, એ પાણીને છોડ પર સ્પ્રે કરી શકો છો.
એક મહિના પછી, જ્યારે ટામેટાના છોડ ઉપર ફૂલ આવવાં લાગે, ત્યારે માટીને થોડી ખોદીને તેમાં ગાયનું છાણ અથવા ઘરે બનાવેલું ખાતર ઉમેરી શકો છો.
લગભગ ત્રણ મહિના પછી, તમને ટામેટાં મળવાનું શરૂ થશે અને તમને આગામી બે-ત્રણ મહિના સુધી ફળ મળવાનું ચાલુ રહેશે.
————
કોળું
કોળુ વર્ષમાં બે વાર સરળતાથી ઉગાડી શકાય છે. તમે તેને માર્ચ મહિનામાં અથવા જુલાઈ-ઓગસ્ટ મહિનામાં સરળતાથી ઉગાડી શકો છો.
સૌ પ્રથમ, સારી ગુણવત્તાના કોળાના બીજ ઓનલાઈન અથવા નજીકની નર્સરીમાંથી ખરીદો.
બીજને બીજની ટ્રેમાં લગભગ બે સેમી ઊંડે ખોદીને રોપવું.
પહેલા આ બીજમાંથી નાના છોડ તૈયાર કરો. તેના બીજ લગભગ ૭ દિવસમાં અંકુરિત થશે.
બે અઠવાડિયા પછી, જ્યારે છોડ થોડો મોટો થાય છે, ત્યારે તમે તેને મોટા કૂંડામાં સ્થાનાંતરિત કરી શકો છો.
કોળાના વેલા માટે, તમારે ૨૪ ઇંચના મોટા કૂંડાની જરૂર પડશે. ધ્યાનમાં રાખો કે ક્ધટેનરમાં માત્ર એક જ છોડ વાવવામાં આવે. ૩૦ દિવસમાં ફૂલ આવવાનું શરૂ થશે. આ દરમ્યાન તેને નિયમિતપણે ખાતરણ અને પાણી આપતા રહો. લગભગ ૬૦ દિવસમાં ફળ પણ આવશે. રોપણીના ૯૦ દિવસ પછી કોળાં લણણી માટે તૈયાર થઈ જશે.
———-
રિંગણાં
રિંગણની વિવિધ જાતો ઉગાડવા માટે આ સારી મોસમ છે. તમે તેને નર્સરીમાંથી અથવા સારી ગુણવત્તાવાળા બીજમાંથી સરળતાથી ઉગાડી શકો છો. તમે તેને આઠથી દસ ઇંચના કૂંડામાં પણ ઉગાડી શકો છો. તેને સીધું મોટા કૂંડામાં રોપવાને બદલે તેને બીજની ટ્રેમાં ઉગાડીને ટ્રાન્સપ્લાન્ટ કરવું વધુ સારું છે.
તેના બીજને એક ઇંચ માટીમાં દબાવીને વાવો અને પછી થોડું થોડું પાણી આપતા રહો. ૨૦ દિવસમાં તમારી પાસે નાના છોડ હશે, જેને તમે મોટા કૂંડામાં મૂકી શકો છો.
વાવેતર કર્યા પછી, કુંડાને પાણી આપો અને તેને સારા સૂર્યપ્રકાશમાં રાખો. જરૂરિયાત મુજબ પાણી આપતા રહો, મહિનામાં બે વાર, તમે ઓર્ગેનિક ખાતર જેમ કે ગાયનું છાણ, લીમડો, સરસવની કેક અથવા ફળો અને શાકભાજીની છાલનું ખાતર પણ આપતા રહેવું જોઈએ. જો તમને છોડ પર કોઈ જંતુ દેખાય છે, તો તમે જૈવિક જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો. બે મહિનામાં, તમારા છોડ ઉપર રિંગણાં ઉગાડવાનું શરૂ થશે.
———-
તૂરિયાં
શ્ર્વેતા કહે છે કે કોઈપણ વેલાની શાકભાજી ઉગાડવાનો શ્રેષ્ઠ સમય વરસાદની મોસમ છે. આ સમયે કોઈપણ વેલો સરળતાથી ઊગે છે. જો તમારા ઘરમાં સારી જગ્યા હોય, તો તમે સરળતાથી તુરીયા ઉગાડી શકો છો. એકવાર ઉગવાનું શરુ થયા પછી તે બે મહિના સુધી તૂરિયાં આપે છે.
તૂરિયાં બીજમાંથી તૈયાર કરવામાં આવે છે. આ માટે સૌ પ્રથમ સારી ગુણવત્તાના બીજમાં ફૂગનાશક પાવડર નાંખો અને થોડો સમય રહેવા દો. તે પછી, ડિસ્પોઝીબલ ગ્લાસને વર્મી કમ્પોસ્ટ અથવા છાણના ખાતરથી ભરીને તેમાં બે બીજ વાવો અને થોડું પાણી આપો. ઉપરાંત, બહેતર રક્ષણ માટે અને બીજના ઝડપથી અંકુરણ માટે તેને પ્લાસ્ટિક વડે યોગ્ય રીતે ઢાંકી દો. છોડ ચારથી પાંચ દિવસમાં અંકુરિત થશે. ૧૫ દિવસમાં છોડ કૂંડા માટે તૈયાર થઈ જશે. તમે તેને ૧૫ થી ૨૦ ઇંચના કૂંડામાં પણ ઉગાડી શકો છો. કૂંડામાં ઉગાડ્યા પછી, લગભગ
બે મહિનામાં ફૂલ આવવાનું શરૂ કરશે. આ સમયે, માટીને થોડી ખોદીને તેમાં ખાતર ભેળવો અને લગભગ ચાર મહિનામાં તે સારી ઉપજ આપવાનું શરૂ કરશે.
કાકડી
આ સમય દરમિયાન વરસાદને કારણે તાપમાન ૩૦ ડિગ્રીની નજીક રહે છે, તેથી કાકડીઓ રોપવા માટે આ યોગ્ય મોસમ છે. જો તમે ઇચ્છો તો બજારમાંથી લાવેલી કાકડીના બીજ કાઢીને નવા છોડ પણ લગાવી શકો છો. કાકડીના બીજને સીધા કૂંડામાં રોપવા માટે, તમે ૧૫ થી ૧૮ ઈંચનું કૂંડુ લઈ શકો છો.
કૂંડામાં પોટિંગ મિક્સ ભરો અને તેના પર પાણી છાંટો. માટીને ભીની કરોને તેમાં કાકડીના બીજ વાવો. હવે ફરીથી તેમાં પાણી ઉમેરો અને તેને છાંયડાવાળી જગ્યાએ રાખો. લગભગ એક અઠવાડિયામાં બીજ અંકુરિત થશે. તે પછી કૂંડાને તડકામાં રાખો.
જરૂરિયાત મુજબ નિયમિત પાણી આપતા રહો. ઉપરાંત, લગભગ એક મહિના પછી, તમે છોડમાં જૈવિક ખાતર ઉમેરવાનું પણ શરૂ કરી શકો છો. આના માટે તમે ગાયના છાણનું ખાતર, લીમડાનું ખાતર, સરસવની કેક આપી શકો છો. કાકડીના વેલામાં ૩૫ થી ૪૦ દિવસમાં ફૂલ આવવાનું શરૂ થશે અને ૬૦ થી ૭૦ દિવસમાં વેલા પરની કાકડીઓ લણણી માટે તૈયાર થઈ જશે. બસ નિયમિતપણે તેમની કાળજી લેતા રહો.
તો આ વરસાદી મોસમમાં વિલંબ શામાટે? ફૂલોની સાથે આ શાકભાજી પણ ઉગાડવા જ જોઈએ.
હેપી ગાર્ડનિંગ!

Google search engine