ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

આપણું ગુજરાત

આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી
ભારે ઉકળાટ અને બફારા બાદ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઇ ગઈ છે. અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહીસાગર અને ખેડા જિલ્લામાં બુધવાર સાંજે વરસાદ વરસ્યો છે. બુધવારે રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે.
અમરેલી શહેરમાં મધરાતે ૨૫ મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે અમરેલી જીલ્લાના ખાંભા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધાતરવડી નદીમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નદીમા પાણી આવ્યું છે. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર, જસદણ, ગોંડલ અને ધોરાજી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી વહેતાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બુધવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
મહીસાગર જિલ્લામાં પ્રથમ વરસેલા ધોધમાર વરસાદને કારણે 25 વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. ગત રાત્રિએ જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદને લઇ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.