કવર સ્ટોરી -દર્શના વિસરીયા

ભારતમાં પણ અન્ય દેશોની જેમ મંકીપોક્સના કેટલાક કેસ નોંધાયા છે. એટલે સામાન્ય લોકોના મનમાં લોકડાઉન, પ્રતિબંધો અને સામાજિક અંતરનો ડર ફરી શરૂ થયો છે. આ નવા વાઇરસ સાથે જોડાયેલા પ્રશ્ર્નો વચ્ચે ઘણી ભ્રામક વાતો અને દાવાઓ પણ છે, જે ઝડપથી ફેલાઈ રહ્યાં છે. એવું કહેવાય છે કે મંકીપોક્સ કોવિડ -૧૯ જેવો નવો રોગચાળો છે અથવા ફક્ત ગે લોકોને તેનાથી જોખમ છે અથવા તેનો કોઈ ઈલાજ નથી અથવા શારીરિક સંબંધ બાંધવાથી મંકીપોક્સ થઈ શકે છે અને તેને ઓળખવા માટે હાલમાં કોઈ પરીક્ષણ સુવિધા નથી. ચાલો, જાણીએ આ ભ્રામક વાતોનું સત્ય.
——-
પ્રશ્ર્ન મંકીપોક્સનો ટેસ્ટ કરવાની સુવિધા છે?

કોવિડની જેમ,RTPCR ટેસ્ટ પણ મંકીપોક્સની તપાસ માટે કરવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે કોવિડ ટેસ્ટ માટે ગળા કે નાકનો સ્વેબ લેવામાં આવે છે, તેના બદલે શરીર પર જે ફોલ્લીઓ નીકળે છે તેની અંદરનું પાણી મંકીપોક્સમાં ટેસ્ટ કરવામાં આવે છે. હાલમાં, આ ટેસ્ટની સુવિધા દેશમાં માત્ર પુણેના NIVમાં ઉપલબ્ધ છે.
——-
પ્રશ્ર્ન શું મંકીપોક્સ એ કોવિડ-૧૯ જેવો નવો રોગચાળો છે?

આનો સરળ જવાબ છે – ના. ડબ્લ્યુએચઓ અનુસાર, મંકીપોક્સ અન્ય ચેપની જેમ ચેપી નથી અને તે કોવિડની જેમ લોકોમાં સરળતાથી ફેલાતો નથી. મંકીપોક્સ ચેપ ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા તેઓ જે વસ્તુઓ વાપરે છે તેના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. તેનો વાઇરસ આપણી ત્વચા પરના કોઈ પણ ઘા દ્વારા અથવા આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. સેક્સ દ્વારા પણ ચેપ ફેલાય છે. તેવી જ રીતે, તે વાંદરાઓ, ઉંદરો અથવા ખિસકોલી જેવાં ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા પણ ફેલાય છે. જોકે તેનો ચેપ શ્ર્વાસ દ્વારા પણ ફેલાય છે, પરંતુ મંકીપોક્સ એ કોરોના જેટલો ચેપી નથી.
——-
પ્રશ્ર્ન શું માત્ર સમલૈંગિકોને જ જોખમ છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક જનરલ ડો. ટેડ્રોસ અધનોમ ગેબ્રિયેસસ મંકીપોક્સને વૈશ્ર્વિક સ્વાસ્થ્ય ઈમર્જન્સી ગણાવતાં કહે છે કે તેનો ચેપ મોટા ભાગે ગે પુરુષોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ અહીં એ વાત પર ભાર મૂકવો પણ જરૂરી છે કે મંકીપોક્સ કોઈને પણ અસર કરી શકે છે.
જો તમે લાંબા સમય સુધી સંક્રમિત વ્યક્તિ અથવા તેની સંક્રમિત સામગ્રીના સંપર્કમાં આવ્યા હો, તો તમે તેના શિકાર બની શકો છો. આ સિવાય હેલ્થ વર્કર્સ અને સેક્સ વર્કર્સને પણ ચેપનું જોખમ હોઈ શકે છે. બીજી બાજુ, સગર્ભા સ્ત્રીઓ, નાનાં બાળકો અને એવી વ્યક્તિઓ કે જેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય, તેમને ખાસ સુરક્ષિત રાખવાની જરૂર છે.
——–
પ્રશ્ર્ન શું સંભોગ કરવાથી મંકીપોક્સ થાય છે?

સામાન્ય રીતે આવું થતું નથી. જો તમને મંકીપોક્સનાં લક્ષણો હોય, જેમ કે તમારા શરીરના કોઈ પણ ભાગ પર લાલ ચકામાં અથવા ફોલ્લીઓ થયાં હોય અને તે સમયે તમે કોઈ પણ સુરક્ષા વિના શારીરિક સંબંધ બાંધો તો તમારા શરીરનો ચેપ તમારા જીવનસાથીના શરીરમાં સંક્રમિત થઇ શકે અને તે પણ મંકીપોક્સનો ભોગ બની શકે છે. મંકીપોક્સથી સંક્રમિત લોકોને રિકવરી પછી ૧૨ અઠવાડિયાં સુધી સંભોગ વખતે કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી, તમે મંકીપોક્સથી તો સુરક્ષિત નહીં રહી શકો, પરંતુ તે તમને અને તમારા જીવનસાથીને અન્ય STDs(સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ)થી બચાવે છે. સાથે, એ પણ નોંધવું યોગ્ય છે કે મંકીપોક્સ ફક્ત જાતીય સંપર્ક કરવાથી થતો નથી. જો તમે કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્કમાં રહેશો, તો તમને ચેપનું જોખમ હોઈ શકે છે.
——–
પ્રશ્ર્ન શું આનો કોઈ ઈલાજ છે?

મોટા ભાગના કિસ્સાઓમાં સારવારની જરૂર નથી. બધાં લક્ષણો ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. જો જરૂર હોય તો પીડા અને તાવ માટે દવાઓ લઈ શકાય છે. દર્દીએ પૌષ્ટિક ખોરાક લેવો, પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. ત્વચા પર ઊભા થયેલા પિમ્પલ્સ અથવા ફોલ્લીઓ પર ખણવાનું ટાળો. તેને સમય સમય પર સ્વચ્છ પાણી અને એન્ટિસેપ્ટિકથી સાફ કરતા રહો. સીડીસી, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ તેમની વેબસાઇટ પર કેટલીક દવાઓનો ઉલ્લેખ કર્યો છે જે મંકીપોક્સ સામે અસરકારક છે. દા. ત. વેક્સિનિયા ઇમ્યુનોગ્લોબ્યુલિન, ST-૨૪૬ અને સિડોફોવિર.
મંકીપોક્સને ફેલાતો રોકવા અને સારવાર માટે, JNNEOSTM નામની એક રસી પણ ઉપલબ્ધ છે, જેને ઘણા દેશોમાં ઉપયોગ માટે મંજૂરી પણ આપવામાં આવી છે. તેને ઈમ્વામ્યુન અથવા ઈમ્વેનેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુરોપિયન મેડિસિન એજન્સીએ મંકીપોક્સની સારવાર માટે વર્ષ ૨૦૨૨માં ટેકોવિરિમેટ નામની એન્ટિવાઇરલ પણ વિકસાવી છે. આ સિવાય ACAM૨૦૦૦ નામની સ્મોલ પોક્સની રસી છે. આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે આ રસી મંકીપોક્સ સામે પણ અસરકારક છે.

Google search engine