દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારથી મંગોલિયા અને જાપાનની પાંચ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે મંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખાનાગીન ખુરેલસુખે સાથે પણ મુલાકાત કરી હતી. મંગોલિયાના રાષ્ટ્રપતિએ તેમને એક જાજરમાન ઘોડો ભેટમાં આપ્યો હતો. સાત વર્ષ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મંગોલિયાના નેતૃત્વ તરફથી આવી જ ભેટ મળી હતી.
રાજનાથ સિંહ મંગોલિયાની મુલાકાત લેનારા દેશના પ્રથમ સંરક્ષણ પ્રધાન છે. તેમણે આ જાતવાન ઘોડાનું નામ તેમણે ભારતીય ફાઇટર એરક્રાફ્ટના નામ પરથી ‘તેજસ’ રાખ્યું છે.
આ અંગે ટ્વીટ કરીને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “મંગોલિયામાં અમારા ખાસ મિત્ર તરફથી એક ખાસ ભેટ. મેં આ ભવ્ય સૌંદર્યનું નામ રાખ્યું છે, તેજસ. આભાર, પ્રમુખ ખુરેલસુખ. આભાર, મંગોલિયા.


ઐતિહાસિક કાળથી જુદા જુદા દેશોના નેતાઓ વચ્ચે ભેટોની આપ-લેનો ટ્રેન્ડ રહ્યો છે. મંગોલિયામાં, ઘોડા લોકોના રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં પરંપરાગત રીતે કહેવામાં આવે છે કે “ઘોડા વગરનો મોંગોલ પાંખો વગરના પક્ષી જેવો છે.”
નોંધનીય છે કે આ અગાઉ 2018માં રાજનાથ સિંહે દેશના ગૃહ પ્રધાન તરીકે મંગોલિયાની પ્રથમ વાર મુલાકાત લીધી હતી. તે સમયે ઉખાનાગીન ખુરેલસુખ મંગોલિયાના વડા પ્રધાન હતા. એ સમયે પણ તેમણે રાજનાથ સિંહને એક જાતવાન ઘોડો ભેટમાં આપ્યો હતો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો મંગોલિયાની મુલાકાતનો હેતુ મંગોલિયા સાથે ભારતના વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોને વિસ્તૃત અને વધુ મજબૂત કરવાનો છે. 5 થી 7 સપ્ટેમ્બર સુધી મંગોલિયાની મુલાકાતે આવેલા રાજનાથ સિંહે બુધવારે અહીં મોંગોલિયન રાજધાનીમાં મહાત્મા ગાંધીને તેમની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

Google search engine