મની લોન્ડરિંગ કેસ: સંજય રાઉતનાં પત્નીની કલાકો સુધી પૂછપરછ

આમચી મુંબઈ

મુંબઈ: મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કર્યા બાદ તેમનાં પત્ની વર્ષા રાઉતને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા, જેને પગલે વર્ષા રાઉત ઇડી સમક્ષ હાજર થતાં તેમની કલાકો સુધી પૂછપરછ કરાઇ હતી.
દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી ઇડીની ઓફિસમાં વર્ષા રાઉત શનિવારે સવારે ૧૦.૪૦ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. ઇડીની ઓફિસ બહાર બંદોબસ્ત માટે પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ગોરેગામની પતરા ચાલના રિડેવલપમેન્ટમાં કથિત ગેરરીતિઓ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ૧ ઓગસ્ટે સંજય રાઉતની ધરપકડ કરી હતી અને કોર્ટે તેમને ૮ ઓગસ્ટ સુધીની ઇડી કસ્ટડી ફટકારી હતી.
ઇડીએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે સંજય રાઉત અને તેના પરિવારને હાઉસિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિના માધ્યમથી રૂ. એક કરોડ મળ્યા હતા.
એપ્રિલમાં ઇડીએ તપાસના ભાગરૂપે સંજય રાઉતના બે સાથી અને વર્ષા રાઉતની રૂ. ૧૧.૧૫ કરોડની મિલકતોને ટાંચ મારી હતી. આ મિલકતો જમીનના સ્વરૂપમાં હતી, જેની માલિકી પ્રવીણ રાઉત, સંજય રાઉતના સાથી અને ગુરુ આશિષ ક્ધટ્રસ્ટ્રકશન પ્રા.લિ. ના ભૂતપૂર્વ ડિરેક્ટરના નામે છે. આ જમીન પાલઘર, સફાળે અને પડઘામાં આવેલી છે.
આ મિલકતોમાં વર્ષા રાઉતની માલિકીનો દાદરનો ફ્લેટ તેમ જ અલીબાગના કિહિમ બીચ ખાતેના આઠ પ્લોટ્સનો સમાવેશ છે, જે વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરની સંયુક્ત માલિકીના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.