(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાંતર થયાને છ મહિના થઈ ગયા હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પ્રત્યક્ષ સ્વરૂપમાં એકબીજાની આમને સામને આવ્યા નથી. બંને એકબીજાની સામે આવે ત્યારે કેવા તણખા ઝરે છે તે જોવાની બધાને ઉત્સુકતા છે.
વિધાનમંડળના શિયાળુસત્રમાં આદિત્ય ઠાકરેને ગયા અઠવાડિયે દિશા સાલિયાનને મુદ્દે નિશાન બનાવવામાં આવ્યા હોવાથી મારતે વિમાને ઉદ્ધવ ઠાકરે નાગપુર પહોંચ્યા હતા અને સોમવારે વિધાન પરિષદમાં ધુંઆધાર બેટિંગ કરી હતી.
જોકે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીમાં વીરબાલ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હોવાથી બંનેનો સામનો થઈ શક્યો નહોતો. તેઓ દિલ્હીથી પાછા ફર્યા ત્યાં સુધીમાં વિધાનભવનના બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
હવે મંગળવારે વિધાન પરિષદમાં બંનેનો સામનો થાય એવી શક્યતા જોવાઈ રહી છે. બંને સામસામેના બાકડા પર બેઠા હોય ત્યારે કેવા તણખા ઝરે છે? કોણ શું બોલે છે? કોણ કોને હંફાવે છે? તે બધી બાબતો પર આખા રાજ્યનું ધ્યાન લાગેલું છે.