કહેવાય છે કે બાળક ક્યારેક અયોગ્ય કે કપુત બની શકે છે, પરંતુ માતા ક્યારેય કુમાતા બની શકતી નથી. માતા કુમાતા હોઈ શકે એવું પુસ્તકોમાં પણ વાંચવામાં નથી આવ્યું, પણ કળયુગની લીલા કહો કે જે કહો તે, ક્યારેક આવું પણ બને છે. માતા શબ્દને લાંછન લગાડતો આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે. મહારાષ્ટ્રના લાતુરમાં એક માતાને પુત્ર જોઈતો હતો. આ ઈચ્છા પૂરી થઈ નહીં. પહેલી દીકરી જન્મી ત્યાર બાદ તેને બીજી પણ દીકરી જ જન્મી તો ગુસ્સામાં આવીને માતાએ રૂમાલ વડે તેની ત્રણ દિવસની બાળકીનું ગળું દબાવી દીધું હતું.
એ માસૂમ બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે આ દુનિયામાં દીકરા તરીકે નહીં પણ દીકરી બનીને આવી હતી! આ ક્રૂર માતાનું નામ રેખા કિસન ચવ્હાણ છે. તે ઉસ્માનાબાદ જિલ્લાના લોહારા તહસીલના હોળી વિસ્તારની રહેવાસી છે, જે હાલમાં લાતુરના એક ટાઉનશીપમાં રહે છે. આ મહિલાની ઉંમર 25 વર્ષ છે.
27 ડિસેમ્બરે આ મહિલાને પ્રસૂતિની પીડા થતાં લાતુરના વસંતનગર ટાંડાના કટગાંવ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી. અહીં તેણે એક સુંદર બાળકીને જન્મ આપ્યો. પરંતુ બીજી વખત પુત્રી હોવાને કારણે રેખાનું હૃદય ઉદાસ થઈ ગયું. આ ગુસ્સામાં 29 ડિસેમ્બર 2022ના રોજ તેણે પોતાની ત્રણ દિવસની ફૂલ જેવી બાળકીનું રૂમાલ વડે ગળું દબાવી દીધું હતું.
પોલીસને શંકા હતી કે માતાએ બાળકની હત્યા કરી છે. પોલીસ પૂછપરછમાં રેખાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. તેની વિરુદ્ધ ગાટેગાંવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
દીકરો જોઈતો હતો, બીજી વાર પણ દીકરી જન્મી તો ક્રૂર માતાએ રૂમાલ વડે ગળું દબાવી હત્યા કરી
RELATED ARTICLES