મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે

મેટિની

હિન્દી ફિલ્મોમાં કૃષ્ણ-રાધા-મીરાનાં કેટલાંક ગીતો અવિસ્મરણીય બન્યાં છે.

ફિલ્મ વીસરાઈ ગઈ હોય, પણ એનાં ગીત મોઢે રમતાં હોય એવાં ગીતોની ઝલક

હેન્રી શાસ્ત્રી

કૃષ્ણને કેન્દ્રમાં રાખેલી ફિલ્મો ઉપરાંત એના ગીત – સંગીત પણ માણવા જેવા હોય છે. ફિલ્મ વિસરાઈ ગઈ હોય, પણ એના ગીત મોઢે રમતાં હોય એવાં કેટલાંક ઉદાહરણ છે. આજે આપણે કૃષ્ણના વિવિધ સ્વરૂપ વિશે તૈયાર થયેલાં કેટલાંક ગીતોની ઝલક જોઈએ. ગાયક – ગીતકાર – સંગીતકારે સાથે મળી કરેલા સર્જનનો જાદુ અનેક વર્ષો પછી પણ અકબંધ રહ્યો છે એનો અહેસાસ થશે. કૃષ્ણનાં ગીતોની વાત નીકળે એટલે ‘મુઘલ – એ – આઝમ’ના ’મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’નું સ્મરણ થયા વિના ન રહે. કૃષ્ણનું નટખટ સ્વરૂપ ઉમદા રીતે ઊભરી આવ્યું છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સર્વ ગીતના ગીતકાર તરીકે શકીલ બદાયૂંનીનું નામ હતું. જોકે આ ગીત આપણી ભાષાના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ૧૯૨૦માં એક ગુજરાતી નાટક માટે લખ્યું હતું. એનો ઘણો વિવાદ થયો અને અંતે રસકવિના પૌત્ર ડો. રાજન બ્રહ્મભટ્ટના પ્રયત્નોને પગલે ફિલ્મની વીસીડી / ડીવીડી પર આ ગીતના રચયિતા તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. ગીતના શબ્દો, એની સ્વરરચના અને લતાદીદીના કંઠના ત્રિવેણી સંગમને પડદા પર પણ આહલાદક બનાવવામાં આવ્યું છે. આજે પણ સાંભળશો તો રસ તરબોળ થઈ જશો. મધુબાલા નૃત્યમાં પારંગત નહોતી અને કે. આસિફ શ્રેષ્ઠ કોરિયોગ્રાફી થાય એવું ઈચ્છતા હતા. નૌશાદસાબે લચ્છુ મહારાજનું નામ સૂચવ્યું અને પાંચ દિવસ મહેનત કરી તેમણે આ ગીત તૈયાર કર્યું. જાણવા જેવી વાત એ પણ છે કે ઈંદુબાલા નામની કોઈ ગાયિકાના કંઠમાં સ્વરબદ્ધ થયેલી આ જ ગીતની એક રેકોર્ડ ૧૯૩૦માં બહાર પડી હતી.
બડા નટખટ હૈ રે ક્રિશન ક્ધહૈયા, અમર પ્રેમ (૧૯૭૧), ગાયક: લતા મંગેશકર, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: આર ડી બર્મન. મસ્તીખોર કૃષ્ણની ફરિયાદ યશોદા મૈયા સમક્ષ થાય છે એની વાત છે. કૃષ્ણને મસ્તીખોર, માખણચોર જેવી અનેક ઉપમાઓ અપાઈ છે, પણ એમાં એના સ્થૂળ ભાવનું કોઈ અસ્તિત્વ નથી. બક્ષી – બર્મનની જુગલબંધીમાં આ ઘરેણું છે. પડદા પર શર્મિલા ટાગોરે ગીતના ભાવને યથાર્થ સાબિત કર્યું છે. યશોમતિ મૈયા સે બોલે નંદલાલા , સત્યમ શિવમ સુંદરમ (૧૯૭૮), લતા મંગેશકર – મન્નાડે, ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા, સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ. રસકવિ જેટલી જ ઊંચી કોટિના ગાયક – સંગીતકાર નિનુ મજુમદાર સાથે થયેલા અન્યાયની વાત આ ગીત સાથે સંકળાયેલી છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સંગીતકાર તરીકે લક્ષ્મી – પ્યારેની પીઠ અનેક લોકોએ થાબડી. જોકે અનેક લોકો એ વાતથી અજાણ હતા કે ‘યશોમતિ મૈયા સે…’ની ધૂન શ્રી નિનુભાઈએ ‘ગોપીનાથ’ (૧૯૪૮) માટે તૈયાર કરેલા ‘આઈ ગોરી રાધિકા બૃજ મેં બલખાતી’ની ઉઠાંતરી હતી. કવિશ્રી પંડિત નરેન્દ્ર શર્માએ બાળસહજ કુતૂહલનું સુંદર વર્ણન કર્યું છે. મન્નાડેથી શરૂઆત થાય છે અને પછી લતાજી એને અલગ સપાટીએ લઈ જાય છે. ગીતના ભાવને હાવભાવથી યોગ્ય ન્યાય આપનાર નાનકડી પદ્મિની કોલ્હાપુરે પડદા પર કેવી સોહામણી લાગે છે. હે રે ક્ધહૈયા કિસકો કહેગા તૂ મૈયા, છોટી બહુ (૧૯૭૨), કિશોરકુમાર, ગીતકાર: ઈન્દીવર’ સંગીતકાર: કલ્યાણજી આનંદજી. રાજેશ – શર્મિલાની ઓછી જાણીતી ફિલ્મના આ ગીતમાં ઈન્દીવરે કૃષ્ણની દ્વિધાને પ્રભાવી વાચા આપી છે. દેવકીએ જન્મ આપ્યો અને ઉછેર કર્યો યશોદાએ તો મા કોને કહેવી એ મીઠી મૂંઝવણની વાત છે. ફિલ્મમાં બાળક નિરુપા રોયની કૂખે અવતર્યું છે, પણ દેરાણી શર્મિલા ટાગોરને એને માટે અનહદની લાગણી થાય છે અને એ એનો ઉછેર કરે છે એની વાત છે. કિશોરદાએ ગીતને અવિસ્મરણીય બનાવી દીધું છે. અરે જા રે હટ નટખટ, નવરંગ (૧૯૫૯), આશા ભોસલે, મહેન્દ્ર કપૂર, ગીતકાર: ભરત વ્યાસ, સંગીતકાર: સી. રામચંદ્ર. સોળે કળાએ ખીલેલી આ રચના આજે પણ જોવી – સાંભળવી ગમે એવી છે. ગીતના શબ્દો, એનું મધુર સ્વરાંકન, એનું પિક્ચરાઈઝેશન અને અભિનેત્રી સંધ્યાનો પરફોર્મન્સનો સરવાળો ગીતને નવલખો હાર બનાવી દે છે. છ દાયકા જૂનું ગીત આજે પણ માણવાનો આનંદ આવે એ એની બહુ મોટી સિદ્ધિ કહેવાય. ગીત ધ્યાનથી સાંભળશો તો શાસ્ત્રીય સંગીત સાથે ગુજરાતી લોકસંગીતનો સુંદર સુમેળ તમારા ધ્યાનમાં આવશે. કૃષ્ણ – રાધાના મધુર સંબંધ વિશે પણ ગીત લખાયા છે. એમાંનું એક છે રાધિકા તુને બંસરી ચુરાઈ – બેટી બેટે (૧૯૬૪), મોહમ્મદ રફી, ગીતકાર: શૈલેન્દ્ર, સંગીતકાર: શંકર – જયકિશન. એસજેનું આ સેમી ક્લાસિકલ સોંગ પડદા પર સુનીલ દત્ત અને બી. સરોજાદેવીએ પરફોર્મ કર્યું છે. કૃષ્ણ ગીત જે નૃત્ય સ્વરૂપે રજૂ થયા છે એમાં આ ગીત યાદગાર બન્યું છે. જીવનમાં સંઘર્ષની વાત કરતી આ ફિલ્મમાં રાધા – કૃષ્ણના સ્નેહની વાત ફિલ્મમેકિંગના પાસાની મૂળભૂત જરૂરિયાત પર પ્રકાશ ફેંકે છે. આ જ શૈલીનું અફાટ લોકપ્રિયતાને વરેલું ગીત છે
મધુબન મેં રાધિકા નાચે રે – કોહિનૂર (૧૯૬૦), મોહમ્મદ રફી, ગીતકાર: શકીલ બદાયૂંની, સંગીતકાર: નૌશાદ. આ ગીત જ્યારે પણ સાંભળીએ, આનંદ આપે છે. આજે પણ સાંભળશો તો ૬૨ વર્ષ પહેલાં બન્યું છે એ વાતની નવાઈ લાગશે, કારણ કે એ સદાબહાર છે. ગીતમાં હળવાશ છે અને નૌશાદ સાબના સ્વરાંકન અને દિલીપ કુમારના અભિનયને કારણે ગીતનો એ ભાવ અકબંધ રહ્યો છે. ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની જે કેટલીક હલકી ફુલકી ફિલ્મો છે એમાં આ ફિલ્મ અને એનું ગીત વટથી બિરાજે છે.
કૃષ્ણની વાત રાધા અને મીરા વિના શક્ય જ નથી એવો અદ્ભુત સંબંધ છે એમનો. બે ગીતનો ઉલ્લેખ કરીએ. એક છે શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ, ગીત ગાતા ચલ (૧૯૭૫), આરતી મુખરજી, જસપાલ સિંહ, ગીતકાર અને સંગીતકાર: રવિન્દ્ર જૈન. ૧૯૭૦ના દોરની રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો માટે એક વિશેષ લગાવ જોવા મળ્યો હતો. ‘ગીત ગાતા ચાલ’ના ટાઇટલ સોન્ગ જેટલી જ લોકપ્રિયતા આ ગીતને પણ મળી હતી. કૃષ્ણનો પ્રેમ કોઈ એકનો ન હોય એ વાત સરળ શબ્દો અને મધુર સ્વરાંકનમાં કર્ણપ્રિય રીતે રજૂ થઈ છે. બીજું ગીત છે રાધા કૈસે ના જલે, લગાન (૨૦૦૧), આશા ભોસલે, ઉદિત નારાયણ, વૈશાલી, ગીતકાર: જાવેદ અખ્તર, સંગીતકાર: એ આર રેહમાન. રાધા – કૃષ્ણની ભાવના આ ગીતમાં આધુનિક અવતારમાં પેશ થઈ છે. ફિલ્મમાં ગ્રેસી સિંહ અને બ્રિટિશ મહિલા બંને આમિર ખાનના પ્રેમમાં પડે છે. અલબત્ત આમિરને ગ્રેસી માટે જ લાગણી છે પણ જ્યારે આમિર પેલી બ્રિટિશ મહિલા સાથે વાર્તાલાપ કરે છે એ જોઈ ગ્રેસીમાં જે ઈર્ષા ભાવ જાગે છે એ આ ગીતમાં ઊભરી આવ્યો છે. જાવેદ અખ્તર અને એ આર રહેમાનની જુગલબંધીએ ગીતને યાદગાર બનાવી દીધું છે. મીરાના ભક્તિભાવના પણ કેટલાક ગીત ફિલ્મોમાં જોવા મળ્યા છે જેમાં મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ, મીરા (૧૯૭૯), વાણી જયરામ, ગીતકાર: મીરા, સંગીતકાર: પંડિત રવિશંકર ઊંચા આસને બિરાજે છે. હેમા માલિની પર પિક્ચરાઇઝ થયેલું આ ગીત ભક્તિભાવનું અનેરું ઉદાહરણ છે.
————————-
The Poseidon Adventure: હોનારત ફિલ્મની છડીદાર
ટિકિટ બારી પર કોઈ ફિલ્મ ઊંધે માથે પટકાય તો ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થઈ એમ કહેવાય છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ. જોકે હોલીવૂડમાં Disaster Film (હોનારત ચિત્રપટ) તરીકે ઓળખાતો એક પ્રકાર છે. આ ફિલ્મોમાં માથે તોળાઈ રહેલા કે પછી ત્રાટકેલા કોઈ સંકટ કે હોનારતને મુખ્ય વિષય બનાવી એની આસપાસ કથા આકાર લે છે. એમાં કુદરતી હોનારત, ભીષણ અકસ્માત, લશ્કરી / આતંકવાદી હુમલા, કે પછી મહામારી જેવી વૈશ્ર્વિક આપત્તિનો સમાવેશ હોય છે. ચિત્રપટમાં હોનારત આકાર લે છે અથવા એ થયા પછીની બેહાલીથી શરૂઆત થઈ કેટલાક વિશિષ્ટ પાત્ર જનસમુદાયને સંકટમાંથી ઉગારવાના કેવા પ્રયત્ન કરે છે એના પર ફોકસ હોય છે. આ શ્રેણીની ફિલ્મ બનવાની શરૂઆત તો છેક Fireઋશયિ (૧૯૦૧) ફિલ્મથી થઈ હોવાનું માનવામાં આવે છે. જોકે હોનારત ચિત્રપટ શ્રેણીના સુવર્ણ યુગની શરૂઆત Airport (૧૯૭૦) ફિલ્મથી થઈ. ૧૦.૨ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ ૧૨૮.૪ મિલિયન ડૉલરનું કલેક્શન મેળવવામાં સફળ રહી હતી. એની સફળતાનો લાભ આજથી ૫૦ વર્ષ પહેલાં આવેલી ફિલ્મ The Poseidon  Adventure (૧૯૭૨)ને મળ્યો. ૪૭ લાખ ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ ૧૨.૫ કરોડ ડૉલરનું કલેક્શન મેળવી શકી હતી. એના પછી આવેલી Earthquake (૧૯૭૪),The Towering Interno (૧૯૭૪) પણ સફળતાને વરી હતી. ૧૯૯૭માં આવેલી જેમ્સ કેમરુનની Titanic સાથે ત્રણ દાયકાની એક અદ્ભુત સફર માણવા જેવી છે. ૧૯૯૦ના દાયકામાં ડિઝાસ્ટર ફિલ્મોને ટેકનોલોજીનું મજબૂત પીઠબળ મળતા દર્શકોને પડદા પર વધુ રોમાંચનો અનુભવ થયો. The Poseidon Adventure  ફિલ્મની બે લાઈનની કથા આ પ્રમાણે છે કે નિવૃત્તિની આરે ઊભેલું જહાજ એસ એસ પોઝાઈડોન ન્યૂયોર્કથી એથેન્સ જવા
નીકળે છે.
જહાજનો કેપ્ટન સલામતીના બધા માપદંડ અનુસરી આગળ વધવાને પ્રાધાન્ય આપે છે, પણ જહાજના માલિકનો પ્રતિનિધિ પૈસાની બચત માટે થોડી બાંધછોડ કરવાનો આગ્રહ રાખે છે જેને પરિણામે હોનારત સર્જાય છે અને… અને પછી શું થાય છે એ જાણવા તમારે આ અદ્ભુત ફિલ્મ જોવી જ રહી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.