નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
આજે જે જીવ અંગે વાત કરવી છે ત્યારે મને બે કિસ્સા યાદ આવે છે. એક તો અમારા બાળપણમાં અમદવાદ હટાણેથી લાવેલું એક પ્યોર નાયલોન ટીશર્ટ અને એક અમારા ઘરે લોટ માગવા આવતો માંગણ. ગામડાના બાળપણમાં અમને અમદાવાદની બજારેથી લઈ આપેલું નાયલોનનું ટી-શર્ટ અમારા માટે અમારું મહામૂલું ઘરેણું હતું. ડાર્ક કોફી રંગના આ ટીશર્ટમાં આગળના ભાગમાં એ સમયના વિશ્ર્વ ચેમ્પિયન મુક્કેબાજ મહમ્મદઅલીનો બોક્સિંગ ગ્લવ અને શોર્ટ પહેરેલું ચિત્ર હતું. એ ટી-શર્ટ પહેરીને અમે ગૌરવ અને થોડેઘણે અંશે અભિમાન કરતા. ત્યારે અમને થતું કે વિશ્ર્વનું એક એવું કપડું અમે ધારણ કર્યું છે જે વિશ્ર્વમાં બીજા કોઈ પાસે નથી! પછી ખબર પડી કે એ જમાનામાં વીસ રૂપિયાનું એ ટી-શર્ટ આખી દુનિયામાં એમના ફોટાવાળા ટી-શર્ટ પહેરવાની ફેશન ઓસરી ગયા બાદ અમારા ડીલ પર આવેલું ! નવાઈની વાત એ છે કે મહમ્મદઅલીના ટી-શર્ટ અને લોટ માગવા આવતા ઝૂંપડાવાસીની યાદ કેવી રીતે જોડાઈ શકે ?
તો એમાં બનેલું એવું કે અમારા ઘરની સામે આવેલા મફતિયા પરાની પાછળ એક નાનો વોંકળો એટલે કે ગામની નહેરમાંથી વધારાના નીકળતા પાણીમાંથી બનેલી મીનીએચર નદી મુખ્ય નદી સુધી પહોંચે એ પ્રવાહ વહે. આ વોંકળો ગરીબોનું સ્નાનાગાર, અને વૉશિંગ મશીન પણ હતું. અમારી સોસાયટીનાં પાકાં ઘરોમાં એક ઝુંપડાવાસી લોટ માગી જતો. બધી ધર્મપ્રેમી મહિલાઓ પુણ્ય લુંટી લેવાના અભરખામાં એને વાટકી વાટકી લોટ આપે. એમાં એક દિવસ અમે ટણક ટોળી કાળા બપોરે આ વોંકળાના પાણીમાં રમતા રમતા એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં આ લોટભિક્ષુ અમારા લોટની ગોળીઓ બનાવતો જોયો. અમને રસ પડ્યો એટલે નજીકની થોરીયાની વાડમાંથી છુપાઈને તેની હરકતો જોવા લાગ્યા. એણે વોંકળાના પાણીમાં લોટની ગોળીઓ નાખી, અને નાની નાની માછલીઓ ટોળે વળી. પોતાના થેલામાંથી એણે નાની એવી જાળ એ માછલીઓ પર નાખી અને ઢગલો પાણીના જીવો પકડી લીધા. એણે નાની માછલીઓ પાણીમાં પાછી નાખી અને મીઠા પાણીના વિચિત્ર લાગતા જીવોને થેલામાં ભર્યા. પછી અમને ખબર પડી કે એ જીવો એટલે મીઠા પાણીના ઝીંગા હતાં.
અમે આ વાતનો હોબાળો મચાવ્યો અને સોસાયટીમાં ઘરે ઘરે જઈને પુણ્યના ઢગલા પર બેઠેલી ગૃહિણીઓને ચેતવી કે ‘હવે ઓલા પાપીયાને લોટ દેવો નહીં, કારણ કે ઈવડો ઈ તો આપણા લોટમાંથી માછલીયું પકડે હે . . .’ અને એમ અમે લોટદાનનું પુણ્યકર્મ બંધ કરાવેલું, પરંતુ ત્યાર બાદ અમને મોડે મોડે સમજાયેલું કે ઝીંગા શું હોય, એનો ખોરાક તરીકે કેવો ઉપયોગ થાય છે. પ્રકૃતિ સાથેનું અમારું અનુસંધાન જેમ જેમ મજબૂત થતુ ગયું એમ એમ અન્ય જીવોની માફક ઝીંગાઓની પણ અનેક મોટી-નાની વાતો અમારા ધ્યાન પર આવેલી.
કહેવાય છે કે પૃથ્વી પરની જીવસૃષ્ટિ જ જો આપણને અચંબિત કરતી હોય તો દરિયાની જીવસૃષ્ટિ અંગે તો આપણે હજું પ્રાથમિક જ્ઞાન જ ધરાવીએ છીએ. કહેવાય છે કે દરિયાના અગાધ ઊંડાણના જેટલા જીવોની આપણે ઓળખાણ કરી છે તે તો માત્ર એક ટીપાં બરોબર જ છે, ૮૫ ટકા જીવસૃષ્ટિ અંગે તો આપણે હજુ નિરક્ષર જ છીએ. દરિયાના જીવોએ મને હંમેશા આકર્ષ્યો જ છે. એમાં દરિયાના અનેક જીવોમાં મને મોટી બાબતો, ધ્યાનાકર્ષક બાબતો તો યાદ રહી જાય, પરંતુ નાની નાની બાબતો આપણે ગણીને ગાંઠે બાંધતા નથી. તો મને આજે જે એકાએક જે જીવ યાદ આવ્યો તે છે “મેન્ટીસ શ્રીમ્પ એટલે કે મેન્ટીસ ઝીંગો. મેન્ટીસ એટલે કે એક ખડમાકડી જે તીતીઘોડાની એક જાતિ છે અને પ્રકૃતિઓના ભયાનક શિકારીઓમાંની એક ગણાય છે. ભલે તે નાની હોય અને પોતાને અનુરૂપ નાના શિકાર કરતી હોય, પરંતુ તેની શિકાર અને હુમલો કરવાની સ્ટઈલ પરથી તો કહેવાય છે કે કુંગ-ફૂમાં પણ એક ટેકનિક વિકસાવવામાં આવી છે.
તો વાત કરીએ આપણા મેન્ટીસ ઝીંગાભાઈની. ઝીંગાઓ ક્રસ્ટેસીયન એટલે કે કવચધારી જીવના વર્ગમાં આવે છે. આપણા નાયક મેન્ટીસ ઝીંગાભાઈ મોટે ભાગે ટ્રિપીકલ દરિયા એટલે કે ઉષ્ણ દરિયાઈ પાણીમાં થાય છે. હિન્દ અને પેસીફિક હવાઈ ટાપુઓ સુધીના સમુદ્રમાં એ ફુલેફાલે છે. દેખાવે રૂપકડા અને લીલો, વાદળી, લાલ અને નારંગી રંગોના મિશ્રણ ધરાવતી રંગછટા ધરાવે છે. તેની લંબાઈ ચાર થી છ ઈંચ જેટલી હોય છે અને બાર થી નેવું ગ્રામ જેટલું વજન હોય છે. તેનો શિકાર માણસ ઉપરાંત યલોફીન ટ્યુના માછલી અને બીજી મોટા કદની માછલીઓ કરે છે. અને પાછા પોતે તો નાની માછલીઓ અને નાના કરચલાઓ અને બીજી પ્રજાતિના નાના ઝીંગાઓને મારી ખાય છે !
કાનુડાના માથે શોભતા રંગબેરંગી મોરપીંછ જેવા આ મેન્ટીસ શ્રીમ્પનું એક બીજું બહુ મજાનું ઉપનામ પણ છે. દરિયામાં શ્રીમ્પ્સનો શિકાર કરતાં લોકો આ શ્રીમ્પને “અંગૂઠાતોડ ઝીંગા તરીકે ઓળખે છે. વિશ્ર્વના દરિયાઓમાં જોવા મળતા ઝીંગાઓમાંથી આપણે આ ઝીંગાભાઈ પર ધ્યાન કેન્દ્રિત શા માટે કરવું જોઈએ ? કારણ કે તેનામાં થોડી વિશેષતાઓ છે. આપણા આ “અંગૂઠાતોડ ઝીંગાભાઈ બે પ્રકારના હોય છે. એક જાતિ પોતાના શિકારને પોતાના અણીદાર અંગથી વિંધી નાખે છે જેને ‘સ્પીયરર’ શ્રીમ્પ કહેવાય છે. બીજી જાતિ છે ‘સ્મેશર’ શ્રીમ્પ જે પોતાના શિકરને હથોડો મારતો હોય તેમ તેનું જાડા કવચના ભુક્કા કાઢી નાખે છે. આ સ્મેશર શ્રીમ્પ એ આપણો
અંગૂઠાતોડ જ છે.
આપણો અંગૂઠાતોડ પોતાના શરીરના બે આગળના હાથ જેવા અંગથી હુમલાખોર અથવા તો શિકાર પર જ્યારે મુક્કા પ્રહાર કરે છે ત્યારે ૨૨ કેલિબરની રિવોલ્વરની ગોળીથી જેટલો આઘાત લાગે એટલો આઘાત કરે છે. એવું નોંધવામાં આવ્યું છે કે તેના પર હુમલો કરનાર મોટા કદના કરચલાને આ ઝીંગો જ્યારે મુક્કો મારે ત્યારે તેના આગળના મોટા પીન્સર પણ તૂટી જાય છે અને અક્વેરિયમમાં રાખેલા આ અંગૂઠાતોડના મુક્કા પ્રહારથી તેનો કાચ પણ તૂટી ગયાના દાખલા છે! તેની આંખો વિશ્ર્વમાં સૌથી અજાયબ હોય છે. શરીરથી થોડી ઊંચી ઉઠેલી તેની આંખો દરિયાઈ પ્રાણીઓની નબળી આંખો કરતાં એટલી તેજ હોય છે કે રંગોની ઓળખ કરવામાં માનવની આંખો કરતાં તેની આંખો ત્રણ ગણી વધારે સક્ષમ હોય છે. કહેવાય છે કે આપણો અંગૂઠાતોડ આ પૃથ્વી પર ડાયનોસોર આવ્યા તેનાથી પણ પહેલાથી અસ્તિત્વમાં છે. ઝીંગા શિકારી માનવ જ્યારે તેને પકડ્યા બાદ જો સહેજ પણ ભૂલ કરે તો આ ઝીંગો પોતાના બચાવમાં એટલો ઝડપી અને જોરદાર પ્રહાર કરે છે કે અંગૂઠો છુંદાઈ જાય છે . . . અને તેથી જ કદાચ એનું નામ આપણે અંગૂઠાતોડ પાડ્યું હોવું જોઈએ.