* પાલિકાની ચૂંટણી માટે રણશિંગું ફૂંક્યું
* કેન્દ્રથી સ્થાનિક સ્તર સુધી એક જ વિચારધારાની સરકાર લાવવાની કરી હાકલ
* મુંબઈને ભવિષ્ય માટે તૈયાર કરવાનું કામ શિંદે-ફડણવીસની સરકાર કરે છે અને આગળ પણ થશે
મુંબઈ મોદીમય: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ગુરુવારનો વર્કિંગ ડે હોવા છતાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને હકડેઠઠ ભીડ થઈ હતી. (જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની એક દિવસની મુંબઈ મુલાકાત દરમિયાન રૂ. ૩૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરતાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું હતું. તેમણે હજારોની સંખ્યામાં હાજર રહેલા મુંબઈગરાને વિકાસ માટે શિંદે-ફડણવીસ સરકાર કામ કરી રહી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે મનપાથી લઈને કેન્દ્ર સુધી એક જ વિચારધારા સરકાર હશે તો વિકાસ ઝડપથી થશે.
દિલ્હી, મહારાષ્ટ્ર અને મુંબઈમાં એક જ દિશામાં કામ કરનારી સરકાર હોવી જોઈએ એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલિકાના પ્રચારનો આડકતરો આરંભ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે મુંબઈમાં વિકાસના કામ ઝડપથી કરવા માટે ભાજપ અને એનડીએની સરકારને ટેકો આપો. મુંબઈમાં ૨૦૧૪થી વિકાસને ગતિ મળી હતી, પરંતુ વચ્ચે થોડો સમય માટે વિકાસની ગતિ અવરોધાઈ હતી, પરંતુ હવે રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર આવ્યા પછી ફરી એક વખત વિકાસકામને ગતિ મળી છે.
ડબલ એન્જિનની સરકારને કારણે મહારાષ્ટ્ર અને મુંબઈનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. અનેક દેશનું અર્થતંત્ર કથળી રહી છે, પરંતુ આપણા દેશમાં મૂળભૂત સુવિધાના અનેક કામ ચાલી રહ્યા છે. વિકસિત ભારતના નિર્માણ માટે આપણા શહેરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આગામી ૨૫ વર્ષમાં અનેક શહેરો દેશના વિકાસને ગતિ આપશે. મુંબઈને ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. આ કામ શિંદે-ફડણવીસના માધ્યમથી થઈ રહ્યું છે. શિંદે-ફડણવીસની સરકાર આવતાં જ રાજ્યમાં વિકાસને ગતિ મળી છે.
આખી દુનિયાને લાગી રહ્યું છે કે ભારતમાં સારું કામ થઈ રહ્યું છે. આખી દુનિયામાં પોઝિટિવિટી વધી રહી છે. આખી દુનિયાના અનેક દેશનું અર્થતંત્ર મુસીબતમાં છે, પરંતુ ભારત ૮૦ કરોડ લોકોને આજે પણ મફતમાં રેશન આપી રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈમાં વિકાસ માટે બજેટની અછત નથી, પરંતુ આ નાણાં યોગ્ય સ્થળે વાપરવા જોઈએ. મુંબઈના નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેથી યોગ્ય કામ કરવું આવશ્યક છે. વિકાસનો પૈસો યોગ્ય સ્થળે લાગે તો જ ફાયદો થાય છે. મુંબઈ વિકાસથી કદી દૂર રહેશે નહીં કેમ કે ભાજપ ક્યારેય વિકાસના કામમાં રાજકારણ લાવતું નથી.
———
…અને મોદી હસવાનું રોકી શક્યા નહીં!!!
મુંબઈ: વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી આજે મુંબઈમાં છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાષણ આપ્યું હતું. આગામી અઢી વર્ષમાં મુંબઈ સંપૂર્ણપણે ખાડામુક્ત થશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કરીને શિંદેએ મુંબઈની કાયાપલટ થશે એવું જણાવ્યું હતું.
આ જ દરમિયાન શિંદેએ મોદીજીને પોતાની દાવોસમાં પોતાની સાથે થયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો અને એ કિસ્સો સાંભળીને મોદીજી ખુદને હસતાં રોકી શક્યા નહોતા. આવો જોઈએ શું હતો એ કિસ્સો મુખ્ય પ્રધાન શિંદેના શબ્દોમાં:
દાવોસમાં અનેક દેશના લોકો આવ્યા હતા. હું ઘણા દેશના લોકોને મળ્યો તેમાંથી કેટલાક વડા પ્રધાન હતા. કેટલા પ્રધાનો હતા અને એ બધા ફક્તને ફક્ત મોદીજી વિશે પૂછતા હતા. એક વડા પ્રધાન મને મળ્યા અને તેમણે મને કહ્યું કે તેઓ મોદીભક્ત છે અને તેમણે મારી સાથે ફોટો ક્લિક કર્યો. ફોટો ક્લિક કર્યા બાદ તેમણે મને કહ્યું કે આ ફોટો જોઈને મોદીજીને દેખાડજો… આ સિવાય ત્યાં જર્મની, સાઉદીના લોકો પણ મળ્યા. એ લોકો મને પૂછી રહ્યા હતા કે તમે મોદીજી સાથે છો ને? મેં તેમને કહ્યું. અમે એમના જ લોકો છીએ. આખી દુનિયા મોદી મેજિક હેઠળ આવી ગઈ છે અને જેને જુઓ તે બસ મોદીજીની જ વાતો કરે છે.
એકનાથ શિંદે જ્યારે પોતાની લાક્ષણિક અદામાં આ કિસ્સો મોદીજીને સંભળાવી રહ્યા હતા ત્યારે મંચ પર બેઠેલા મોદી પણ પોતાને હસતાં રોકી શક્યા નહોતા…
———-
વડા પ્રધાને મુંબઈ મેટ્રોનો પણ પ્રવાસ કર્યો
જાહેર પરિવહન પ્રણાલી (પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ)ની નવી સેવા મુંબઈ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. તેમણે મેટ્રો ટ્રેનમાં ગુંદાવલીથી મોગરા સ્ટેશન સુધી પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન મોદીએ યુવાનો અને મેટ્રો રેલવેના કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ બંને સ્ટેશન મેટ્રોના બીજા તબક્કાની મેટ્રો લાઈન-૭નાં છે, જેની મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસ પણ હતા. રૂ. ૧૨૬૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન બીકેસીમાં એમએમઆરડીએ મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ લાઈન અંધેરીથી દહીંસર સુધીની ૩૫ કિમી લાંબી છે.
———–
ઠેકઠેકાણે ટ્રાફિકજામ સર્જાયો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને પગલે ગુરુવારે બપોરે પરાં વિસ્તારોમાં ઠેકઠેકાણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાન ગુરુવારે મુંબઈ આવ્યા હોવાથી અમુક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા હતા, જ્યારે અમુક માર્ગોના વાહનવ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેને પગલે વાહનચાલકોએ ભારે હેરાનગતિ સહન કરવી પડી હતી.
બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), સાંતાક્રુઝ, વાકોલા અને અંધેરી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ નજરે પડતો હતો. બીકેસી જવા ઘણા લોકો ઊમટી પડ્યા હતા. તેથી અંદરના માર્ગો, ઈસ્ટર્ન એક્સપ્રેસવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનો સરળતાથી ચાલી શકે તે માટે ટ્રાફિક પોલીસે યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો હતો.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર બપોરે ૧૨ વાગ્યાથી રાતે નવ વાગ્યા દરમિયાન ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ટ્રાફિકની આ વ્યવસ્થાને કારણે બીકેસી તરફના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકજામ હતો. અમુક સ્થળે વાહનોની લાંબી લાઈન લાગી હોવાથી ગોકળગાયની ગતિએ વાહનો આગળ વધી રહ્યાં હતાં. વાહનવ્યવહાર સરળ બનાવવા માટે અનેક ઠેકાણે પોલીસ જવાનો તહેનાત કરાયા હતા. (પીટીઆઈ)
——–