વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 99માં સંસ્કરણમાં અંગદાન વિશે ઘણી મહત્વની વાતો કરી. પોતાના શરીરનું કોઈ અંગ અન્યને દાન કરી તેમને નવજીવન આપવાના આ પુણ્યસમા કામ માટે તેમણે લોકોને પ્રેરણા આપી હતી. તેમની આ વાતને ચોમેરથી પ્રશંસા મળી રહી છે. આ સાથે તેમણે અંગદાન માટે વન નેશન વન પોલીસીની વાત કરી હતી, જેમાં અવયવોના પ્રત્યારોપણ માટે ડોમિસાઈલ સર્ટિફિકેટની જરૂર હોય છે તે જોગવાઈને રદ કરવાની કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનું જણાવ્યું. જે ખૂબ જ જરૂરી છે.
જોકે ગુજરાતમાં જ આ જોગવાઈ હજુ લાગુ છે અને હાઈ કોર્ટની ટકોર બાદ પણ નિર્ણય લેવાયો નથી. આ જોગવાઈ અનુસાર જે પણ કોઈ દરદી અવયવ મેળવવા માટે જ્યારે અરજી કરે ત્યારે તેની પાસેથી ગુજરાતમાં ઓછામાં ઓછા દસ વર્ષના વસવાટનું ડોમિસાઈલ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. આમ થવાથી જે લોકો અન્ય રાજ્યમાંથી આવ્યા છે અને અમુક વર્ષોથી ગુજરાતમાં વસે છે, તેમને અવયવો મળવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે જે મૂળ ગુજરાતીઓ છે, ગુજરાતમાં જનમ્યા છે અને અન્ય રાજ્યોમાં વસે છે, તેમને પણ સમસ્યા નડે છે. ગુજરાત હાઈ કોર્ટે આ જોગવાઈ સામે અગાઉ પણ નારાજગી બતાવી છે. ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે કેન્દ્રીય સ્તરે મળેલી બેઠકમાં તમામ પ્રદેશના પ્રતિનિધિઓએ આ જોગવાઈ હટાવવા અંગે સહમતિ દર્શાવી હતી. જોકે ફેબ્રુઆરીની આ બેઠક બાદ કોઈપણ રાજ્યએ આ અંગે નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું નથી. મળતી માહિતી અનુસાર ગુજરાત સહિત ઘણા ઓછા રાજ્યો છે, જ્યાં ડોમિસાઈલ સર્ટિફિકેટ માગવામાં આવે છે. વળી, અરજી કર્યાની તારીખથી છેલ્લા દસ વર્ષથી દરદી ગુજરાતમાં રહ્યો હોય તે જરૂરી છે. ગુજરાતમાં પણ આ નિયમ વર્ષ 2019થી લાગુ કરવામાં આવ્યો હતો.
આ કામ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે અવયવ દાન કરવામાં કોઈ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. અમુક લોકો માને છે કે જે રાજ્યોમાં અવયવદાન અંગે જનજાગૃતિ નથી અને જ્યાં અવયવદાન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે ત્યાના લોકો અન્ય રાજ્યોમાં લાભ લઈ શકે છે, પરંતુ આમ થવાથી અવયવદાન વધારે થતા રાજ્યોના લોકોને અન્યાય થાય છે. આનો ઉકેલ એ છે કે દરેક રાજ્યોમાં આ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવે, તેમ પણ નિષ્ણાતોનું માનવાનું છે. જોકે એક રાજ્ય બીજા રાજ્યના નાગરિકોએ દાન કરેલા અવયવો લે છે ત્યારે દેવાની વાત આવે ત્યારે ભેદભાવ કઈ રીતે થઈ શકે તે સૌ કોઈએ વિચારવા જેવી વાત છે. ભુપેન્દ્ર પટેલ સરકાર આ અંગે વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ જ્યારે મોદી સરકાર આવી પહેલ કરે ત્યારે ગુજરાત તેનો અમલ કરવામાં અગ્રેસર હોય તેવી અપેક્ષા થવી સામાન્ય છે.