‘શ્રેષ્ઠ ભારત’નું નિર્માણ કરવા મોદીની હાકલ: સ્નેહયાત્રા કાઢવા અનુરોધ

દેશ વિદેશ

હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીને સંબોધતાં પક્ષના નેતાઓ અને કાર્યકરોને ‘શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે કાર્ય કરવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્નેહયાત્રા કાઢી સમાજના દરેક વર્ગને સ્તરના લોકો સુધી પહોંચવાનો અનુરોધ કર્યો હતો.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારત પર શાસન કરનારા રાજકીય પક્ષો હાલમાં અધ: પતનને રસ્તે છે. આપણે તેમની મશ્કરી ન કરવી જોઇએ, પરંતુ તેમની ભૂલોમાંથી શીખવું જોઇએ. દેશ વંશવારસાના રાજકારણથી કંટાળ્યો અને પરેશાન થઈ ગયો છે. નેતૃત્વ અને હોદ્દામાં વારસાગત ધારાધોરણો જાળવતા પક્ષો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
ભારતીય જનતા પક્ષમાં લોકશાહી સામે સવાલો ઊભા કરતા વિરોધ પક્ષો ને વડા પ્રધાન મોદીએ પડકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રની બાબતે અન્ય પક્ષો તરફ આંગળી ચિંધતા લોકોની યોગ્યતા અને વિશ્ર્વસનીયતા તપાસવાની જરૂર છે. એ પક્ષોએ તેમના આંતરિક સંગઠનમાં કેટલા પ્રમાણમાં લોકશાહી છે, તે પહેલાં જોવું જોઇએ. વડા પ્રધાને ખુશામતખોરીના રાજકારણને બદલે સમાજના તમામ વર્ગોની અપેક્ષાઓ સંતોષવા પક્ષના કાર્યકરોને અનુરોધ કર્યો હતો. કારોબારીને સંબોધતાં વડા પ્રધાને હૈદરાબાદનો ‘ભાગ્યનગર’ તરીકે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના તમામ રાજ્યોને સંગઠિત કરીને અખંડ ‘એક ભારત’નો પાયો નાખ્યો હતો. એ સંદર્ભમાં ‘શ્રેષ્ઠ ભારત’ના નિર્માણને ભાજપ કર્તવ્ય માને છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.