‘ભગવાન શિવે જેમ વિષપાન કર્યું હતું, તેમ મોદીજીએ 2002ના રમખાણોના જુઠા આરોપોની પીડા સહન કરી’-અમિત શાહ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં 2002ના રમખાણ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મૌન તોડ્યું છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઝાકીયા જાફરીની SITના રીપોર્ટને પડકારતી અરજી ફગાવી દીધી હતી. રમખાણમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના અધિકારીઓની ભૂમિકા અંગે જે આરોપો થયા હતા એ અંગે અમિત શાહે ખુલીને વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સાથી અમિત શાહે જણવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે, આ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા, એ સાબિત પણ થઈ ગયું છે. આ 19 વર્ષ લાંબી લડાઈ હતી, આટલા મોટા નેતા એક શબ્દ પણ બોલ્યા વગર ભગવાન શંકરે જેમ વિષપાન કર્યું હતું એમ બધા દુઃખોને ગળે ઉતારીને પીડા સહન કરતા રહ્યા અને લડતા રહ્યા. હવે જ્યારે સત્ય ચમકતા સોનાની જેમ બહાર આવ્યું છે ત્યારે આનંદ થવો સ્વાભાવિક છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે “મેં મોદીજીને આ દર્દ સહન કરતા જોયા છે, તેઓ સત્યના પક્ષમાં હોવા છતાં આરોપોનો સામનો કરતા રહ્યા. ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે તેઓ કશું ન બોલ્યા. માત્ર મજબૂત મનોબળ ધરાવતો માણસ જ આ કરી શકે છે. આજે આપણે આ ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ એ હું 2003માં ગુજરાતના ગૃહપ્રધાન તરીકે અને બાદમાં પાર્ટીના વડા તરીકે કરી શક્યો હોત. પરંતુ જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયા પૂરી ન થઈ ત્યાં સુધી પ્રક્રિયા પર કોઈ પ્રભાવ ન પડે તે માટે મોદીજીએ કશું કહ્યું ન હતું. તેમણે આ બધું ચૂપચાપ સહન કર્યું હતું.’
કોર્ટના ચુકાદાને આવકારતા તેમણે ઉમેર્યું હતું કે, ‘કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે ઓછામાં ઓછા નુકસાન સાથે પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. રાજ્ય સરકારે સાક્ષી સુરક્ષા યોજનાનું યોગ્ય રીતે પાલન કર્યું હતું. ચુકાદામાં લગભગ 300 પાનાંનો સમાવેશ થાય છે જેમાં સર્વોચ્ચ અદાલતે દરેક મુદ્દાની સ્પષ્ટતા કરી છે. મોદીજીએ ઘણી બધી મીટીંગ કરી હતી, શાંતિ માટે અપીલ કરી હતી. આજે સત્યની જીત થઈ છે અને મોદીજીની જીત થઈ છે.’
હાલમાં રાહુલ ગાંધીની EDની પૂછપરછ બાબતે દેખાવો કરી રહેલી કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ‘લોકશાહીમાં બંધારણનું સન્માન કેવી રીતે કરી શકાય એનું મોદીજીએ રાજકારણમાં રહેલા લોકો સમક્ષ એક આદર્શ ઉદાહરણ પરું પડ્યું છે. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને મારી પણ ધરપકડ થઇ હતી ત્યારે કોઈ પ્રદર્શન નહોતું થયું.’
‘એનજીઓની માંગ પર એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું. અમારી સરકારને કંઈ છુપાવવુ ન હતુ તેથી એસઆઈટી અમને મંજૂર હતી. આજે કોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં પોલીસ ઓફિસર, એનજીઓ અને કેટલાક પોલિટિકલ એનજીઓનુ નામ છે. એસઆઈટીની ટીમે સ્પષ્ટ કર્યુ કે, સનસની ફેલાવવા ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. ખોટા સબૂત બનાવાયા હતા.’ તેમણે વધુમાં જણાવ્યું હતું.
જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ‘મેં નિર્ણય ઉતાવળમાં વાંચ્યો છે. જોકે તેમાં સ્પષ્ટ રુપથી તિસ્તા સીતલવાડના નામનો ઉલ્લેખ છે. તેનો એક એનજીઓ હતો, જેણે બધા પોલીસ સ્ટેશન ભાજપા કાર્યકર્તાઓ સાથે જોડાયેલા હોવાના નિવેદન આપ્યા હતા. મીડિયાનું એટલું દબાણ હતું કે બધા આવેદનો સાચા માની લેવામાં આવ્યા હતા. જ્યારે યૂપીએ સરકાર તે સમયે સત્તામાં આવી તો તેણે 2022ના ગુજરાત રમખાણ મામલામાં તિસ્તા સીતલવાડના એનજીઓની મદદ કરી હતી.’

નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં 58 યાત્રાળુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા પછી રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને પોલીસ અધિકારીઓ પર મોટા ષડ્યંત્રના આરોપો લાગ્યા હતા. સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કરાયેલી SITએ આ કેસની તપાસ હાથ ધરી હતી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અન્ય ટોચના રાજકારણીઓ અને અધિકારીઓને ક્લીનચીટ આપી હતી. ગુજરાત હાઈકોર્ટના 5 ઓક્ટોબર, 2017ના ચુકાદામાં પણ નરેન્દ્ર મોદીએ અપાયેલી SITની ક્લીનચીટ યથાવત રાખવામાં આવી હતી.
ગોધરા પછીના રમખાણો પર નાણાવટી-મહેતા કમિશનના અહેવાલને 2019માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં પણ ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ અપાઈ હતી. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રમખાણો ‘આયોજિત ન હતા’.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.