કૉંગ્રેસની ટીકા: સોમવારે કચ્છ જિલ્લાના અંજારમાં વડા પ્રધાન મોદીએ જાહેરસભામાં કૉંગ્રેસની આકરી ટીકા કરી હતી. (પીટીઆઈ)
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
અંજાર: કચ્છમાં ભાજપના ઉમેદવારોની પ્રચારસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર નર્મદા નદીનું પાણી કચ્છના સુકા પ્રદેશમાં પહોંચતું રોકવાના ભરપૂર પ્રયાસો કરનારાઓ જોડે દોસ્તી કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કચ્છની દુશ્મન છે. નર્મદા નદીનું પાણી કચ્છમાં ન પહોંચે એ માટે તમામ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવનારાઓની મૈત્રી કૉંગ્રેસીઓએ કરી છે. કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર સત્તા પર હતી ત્યારે એ સરકારે નર્મદા બંધની ઊંચાઈ વધારવા સામે અવરોધો ઊભા કર્યા હતા.
વડા પ્રધાને અંજારમાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાં જણાવ્યું કે, ૭૦ વર્ષમાં દેશમાં જેટલા ઘર નથી બન્યા એટલા ભાજપે ૨૭ વર્ષમાં ગુજરાતમાં બનાવ્યા છે. જેમાં સૌથી વધુ કચ્છમાં બન્યા છે. તેમણે કૉંગ્રેસની ટીકા કરતા વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હું કચ્છમાં મોટા રોડ બનાવતો હતો ત્યારે કૉંગ્રેસીઓ મારી મજાક ઉડાવતા મને કહેતા આટલા મોટા રોડ કચ્છને શું કરવા છે, મેં કહ્યું આ રસ્તાઓથી જ આખી દુનિયા કચ્છ જોવા આવશે. પ્રવાસી આવે એટલે આવક વધે જ, આજે ખાલી રણોત્સવ જોવા જ પાંચ લાખ લોકો આવે છે. જે ભૂકંપે કચ્છને હલાવી નાખ્યું, એજ કચ્છ અત્યારે અડિખમ ઊભું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેની તેમની જાહેરસભામાં ભારતે ભાજપશાસન દરમિયાન ટેકનોલોજીના ક્ષેત્રમાં કરેલા વિકાસ અંગે વાત કરી હતી અને ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચારને ડામવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે રાશનકાર્ડથી માંડીને તમામ સરકારી લાભોનો ફાયદો કૉંગ્રેસના શાસનમાં વચેટિયાઓ લઈ જતા હતા ત્યારે હવે ટેકનોલોજીની મદદથી લાભાર્થી સુધી પહોંચી શકે છે, તેમ જણાવ્યું હતું.
તેમણે ફરી કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં ટુજી, થ્રીજી, ફોરજી જેવી ટેકનોલોજી અન્ય દેશમાંથી આવી હતી અને ટુજી સ્પેક્ટ્રમનો મોટો ગોટાળો દેશ સામે આવ્યો હતો, પરંતુ અમારા રાજમાં ફાઈવજી ટેકનોલોજી ભારતમાં જ બની છે. આને લીધે વિશ્ર્વમાં આપણો ડંકો વાગ્યો છે. આનું કારણ અમારી નીતિઓ અને સંકલ્પશક્તિ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ડિજિટલાઈઝેશનને લીધે દેશની સામાન્ય જનતાના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિશ્ર્વના મોટા ભાગના દેશોની સરખામણીમાં ભારતમાં ડેટા સહિતની ઈન્ટરનેટની સુવિધાઓ ઘણી સસ્તી છે.
વડા પ્રધાને સોમવારે પાલિતાણામાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જેણે ૪૦-૪૦ વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું એના ખભે હાથ મૂકીને એક ભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે. (એજન્સી)