મોદી વિરુદ્ધ કેજરીવાલ: અહમ્નું શીતયુદ્ધ?!

રોજ બરોજ

રોજ બરોજ-અભિમન્યુ મોદી

“સત્તા.. પ્રાપ્ત કરવી અને સત્તા પર ટકી રહેવું બન્ને લોઢાના ચણા ચાવવા સમાન છે. એક રાજા… બીજા રાજાની નગરી પર કબજો કરવા માટે લોહિયાળ યુદ્ધ શરૂ કરતા પહેલા શરણાગતિનો સ્વીકારી લેવાનો સંદેશ મોકલે છે. સ્વાભાવિક છે કે બીજો રાજા તેના તાબે નથી થયો એટલે જ યુદ્ધની સ્થિતિ ઉદ્ભવી રહી છે. જે રાજાએ યુદ્ધ કરીને જીત મેળવવાનો બંડ પોકાર્યો છે તેણે પણ તખ્તાપટલ માટેની તૈયારી કરી લીધી છે. કારણ કે યુદ્ધ માત્ર સૈન્ય બળથી જ જીતી ન શકાય.. યુદ્ધ જીતવા તો રાજકારણી બનવું પડે.. શત્રુ દેશના રાજાના ચુનંદા અને વિશ્ર્વાસપાત્ર લોકોને પોતાની તરફેણમાં લાવવા પડે જેથી વિજયી થયા બાદ કોઈ વિરોધનો વાવટો ફરકાવી ન શકે… ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં સત્તા પ્રાપ્ત કરવાના જે પ્રકરણો આલેખ્યા છે. આ તેની આછેરી ઝલક છે. મૂળ તો કોઈ પણ દેશનો રાજા એ પ્રજાનો સેવક છે. ભારતના બંધારણમાં પણ લોકશાહીને મહત્વ અપાયું છે. પણ.. લોકશાહીની જરૂર ચૂંટણી સમયે જ પડે છે. ચૂંટણીમાં એક વાર પક્ષ ચૂંટાય અને સત્તા પ્રાપ્ત કરી લે એ બાદ પ્રજાને રાજકારણના નવા નવા તાયફા નિહાળવા પડે અને પ્રજાનો સેવક રાજા બનીને રાજ કરે..
તાજેતરમાં એવો તાયફો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં છેલ્લા ૫૬ વર્ષથી જે સેનાનું આધિપત્ય હતું તેના અસ્તિત્વ પર હવે સવાલ ઉઠી રહ્યા છે કે આ સેના કોની ? અને તેનો નાયક કોણ ? આંતરિક રોષ એ હદે વધ્યો કે હવે ન્યાયતંત્રએ નક્કી કરવાનું છે કે સેનાના અસલી સૈનિકો કોણ છે ? મહારાષ્ટ્રમાં તખ્તાપટલ બાદ અન્ય રાજ્યો સાબદાં થઈ ગયા તેમાં જ બિહારને આઠમી વખત એકના એક મુખ્યમંત્રી મળ્યા. અને હવે ખાંડવપ્રસ્થ પણ મહારાષ્ટ્રની કેટેગરીમાં સામેલ થતું જાય છે. ખાંડવપ્રસ્થમાં ફ્રી…ફ્રી…ફ્રી…ની લોભામણી ઓફરો આપતા પક્ષના એક એક તાંતણા અલગ થઈ રહ્યા છે. એક તરફ તેના સેના નાયક ઝાડુ લઈને આગામી ચૂંટણીમાં વિજયી થવા ગુજરાત પ્રવાસ કરે છે બીજી તરફ તેના જ ૯ ધારાસભ્યો અચાનક ગુમશુદા થયા છે, ઓછામાં પૂરું સેનાપતિની જન્મભૂમિ અને કર્મભૂમિમાં આવેલા તેમના નિવાસસ્થાન પર સીબીઆઈ અને ઇડીના દરોડા પડ્યા છે. આ બધાની વચ્ચે સેના નાયક એવો દાવો પણ કરે છે કે, ભાજપ અમારા ૪૦ ધારાસભ્યોને ખરીદવા માંગે છે. દરેક ધારાસભ્યોને રૂ.૨૦-૨૦ કરોડની ઓફર આપવામાં આવી છે. ભાજપ ૮૦૦ રૂપિયાનું આંધણ કરીને દિલ્હી સરકારને પાડવા માંગે છે…
છેલ્લા બે દિવસથી આ વાક્યો એટલા વાઇરલ થયા કે વાત જ ન પૂછો.. ઇન્સ્ટાગ્રામની મીમ્સ જનરેશને તો અટપટા મેસજે ફટકારી દીધા..પણ જેમના પર લાંછન લાગ્યું છે એ ભાજપ તરફથી કોઈ ખુલાસો નથી થયો.. એટલે પ્રજાને એટલું તો સ્પષ્ટ થયું કે ‘આમ આદમી પાર્ટી’ની સરકાર હવે પડી જશે… અને જે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાતો કરે છે હવે તેના જ ધારાસભ્યો પક્ષપલટા માટે અગ્રેસર થયા છે.
ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે પ્રજાના મનમાં મત આપવાની થિયરીને એક ચોક્કસ માધ્યમ થકી ડાઇવર્ટ કરવામાં આવે તો મતદારોનો વિશ્ર્વાસ પોતાના પક્ષ તરફ સંપાદિત કરી શકાય.. પણ તેના માટે લોકોના મનમાં જે ઇમેજ બની છે પહેલા તો તેને સાફ કરવી પડે.. જો એ ન થાય તો તખ્તાપલટ તો છે જ..હાલ અરવિંદ કેજરીવાલનો સિક્કો જામતો જાય છે અને જે રીતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હોવા છતાં ગુજરાતની હદની બહાર નરેન્દ્ર મોદીનું નામ એક જમાનામાં ગાજતું હતું એ જ રીતે દિલ્હી રાજ્યની સીમાઓ બહાર દેશભરમાં કેજરીવાલનું નામ તબક્કાવાર ઊંચે જઈ રહ્યું છે. એમણે એક એવા રાજનેતાનું ચરિત્ર પોતાનામાં ઘડી લીધું જે વધુમાં વધુ સમય પ્રજાહિતના કામો માટે ફાળવે..આવા નેતાઓની સંખ્યા માત્ર ભારતમાં જ નહિ, દુનિયામાં નહિવત્ છે.
ચૂંટણીઓના પરિણામોમાં આંકડાઓ સિવાય પણ અનેક પુરાણો અને ઉપનિષદો સમાયેલા હોય છે. પક્ષના નામ પ્રમાણે કેજરીવાલે દિલ્હીના સામાન્ય નાગરિક માટે કામ કરતી સરકારનું જે મૉડેલ આપ્યું તે લોકપ્રિય નીવડયું છે. મતદારોમાં બુદ્ધિજીવી નાગરિકોએ પણ કેજરીવાલની સામાન્ય પ્રજા પરત્વેની સહાનુભૂતિને દાદ દેવા માટે આમ આદમી પાર્ટીને જ મત આપ્યા હતા.
ભાજપ ક્યા પ્રકારનો પક્ષ છે એ કેજરીવાલ બહુ સારી રીતે જાણે છે અને એટલે જ એમણે પોતાની થિયરી અને પ્રેક્ટિસ એવી રીતે અપગ્રેડ કર્યા કે કમસે કમ દિલ્હીમાં તો ભાજપને સત્તાથી દૂર રાખી અવિરત શાસન કરી શકાય. પરંતુ તેઓ ભૂલી ગયા કે ૨૦૨૪ની ચૂંટણી જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. જેમણે રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તરણ કર્યું એવા નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની ચૂંટણીમાં બાથ ભીડવાની શરૂઆત કેજરીવાલે કરી એ કાબિલેદાદ છે પણ ગુજરાતનો ગઢ જીતવામાં દિલ્હી હવે તેમનાથી દૂર જતી રહી હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
૭૦ સીટ વાળી દિલ્હી વિધાનસભામાં ‘આપ’ પાસે ૬૨ અને ભાજપ પાસે ૮ સીટ છે.. દિલ્હીમાં જો બહુમતી હાંસલ કરવી હોય તો ૩૬ સીટ કબજે કરવી પડે.. એ રીતે ૯ ધારાસભ્યોથી ભાજપને કંઈ ખાસ ફાયદો ન થાય.. ભાજપે હજુ ૨૮ ધારાસભ્યોને પોતાની તરફેણમાં લાવવા પડે અને તેના માટે એકનાથ શિંદે જેવા ‘આપ’ના કોઈ ધુરંધર નેતાની જરૂર પડે.., આ મુદ્દે ‘આપ’નો એવો પણ દાવો છે તેમના મંત્રીમંડળમાં મહારાણા પ્રતાપના સિસોદિયા વંશના સીધી લીટીના વારસદાર એવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ધનના ઢગલા પર બેસાડીને પક્ષપલટો કરવાની ઓફર આપી પણ તેમણે સ્વીકારી નહીં એટલે જન્માષ્ટમીના સપરમા દા’ડે તેમના નિવાસસ્થાન સહિત ૨૧ સ્થળે સીબીઆઈના દરોડા પડ્યા અને પછી ઇડીની એન્ટ્રી થઈ.
મનીષ સિસોદિયાએ દિલ્હીને શિક્ષણ ક્ષેત્રે સક્ષમ કરવા નક્કર પગલાં લીધા અને કેજરીવાલ સરકાર તેના શિક્ષણ મોડેલના કારણે વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ બની છે. તેમાંય સિસોદિયાના ઘરે જયારે રેઇડ પડી એ જ દિવસે ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા તેના શિક્ષણ મોડેલની નોંધ લેવાય હતી. જેને દર્શાવીને ગુજરાતમાં આપના નેતાઓએ ઉત્તમ શિક્ષણ અને ફ્રી વીજળીના વચન આપ્યા. અને કહ્યું કે, સિસોદિયાજી પર જે આક્ષેપ લાગ્યા છે તે પાયાવિહોણા છે પણ હવે એ જ ઉત્તમ શિક્ષણના પ્રણેતાની ધરપકડ થવાના એંધાણ છે. બીજી તરફ ‘આપ’ના નેતાઓ એ ગુજરાતમાં દારૂબંધી લાવવાની માંગ કરી પણ તેઓ એ વાતને ભૂલી ગયા કે દિલ્હીની પ્રજા માટે પાણીની જેમ દારૂ વહાવતી તેમની સરકાર ‘નશામુક્ત ગુજરાત’ અને દારૂ વિરોધી દેશને એવું નહીં કહી શકે કે,‘અમે દારૂના વેચાણનું સમર્થન નથી કરતા’
લૉકડાઉનના એ કે દસમા દિવસો યાદ કરો..માવા અને ફાકીના વ્યસનીઓએ જેમ પોતાના ઘરે ઉત્પાત મચાવ્યો હતો એ જ રીતે દિલ્હી અને એનસીઆરની પ્રજાએ દારૂનું સેવન કરવા સરકાર સમક્ષ તત્પરતા દર્શાવી હતી. એ સમયે તો એક વીડિયો પણ વાયરલ થયેલો જેમાં વાઈન શોપની બહાર પ્યાસીઓ મોટા-મોટા બોક્સ ભરીને મદિરાની ખરીદી કરીને જતા હતા. આ ઘટનાને પગલે જાણે કેજરીવાલમાં અનુકંપા જાગી હોય તેમ.. ફેબ્રુઆરીમાં ૨૦૨૧માં તેમણે એવી જાહેરાત કરી દીધી કે દિલ્હીમાં દર ૩૦૦ મીટરે એક મદિરાલય હશે. ભાજપને તો જાણે મુદ્દો મળી ગયો. ભાજપના કાર્યકરો પહેલેથી આ નીતિનો વિરોધ કરતા હતા. તેમનું કહેવું હતું કે, કેજરીવાલ સરકાર સ્કૂલ-કૉલેજોની નજીક લિકર શોપ્સની મંજૂરી આપીને યુવાનોને દારૂ પિવાના રવાડે ચડાવવાનો ધંધો કરી રહી છે. આ મુદ્દે ભાજપે બહુ ધમાલ કરેલી પણ સામાન્ય લોકોનું સમર્થન મળ્યું નહિ.
આ નીતિના અમલ માટે કેજરીવાલ સરકારે એક્સાઈઝ પૉલિસીમાં ફેરફાર કર્યા.નવી પોલિસી મુજબ સરકાર દારૂના વેચાણ માટે ધંધાર્થીઓને રિટેઈલ શોપ્સ ખોલવાની મંજૂરી આપે એ તો સામાન્ય વાત છે. પણ ’આપ’ની બેદરકારીને કારણે મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈને તેડું આપ્યું. બન્યું એવું કે આ નીતિ ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરી થતી હતી પણ કેજરીવાલ સરકારે બે-બે મહિના માટે લંબાવીને ૩૧ જુલાઈ સુધી તેની મુદત કરી દીધી હતી.એ જ સમયે કેન્દ્ર સરકારે મે મહિનામાં લેફ્ટનન્ટ ગવર્નરના પદે વિરેન્દ્ર કુમાર સક્સેનાની નિમણુંક કરી. અને ફરી દિલ્હીમાં ભાજપના કાર્યકરોએ લિકર શોપ્સનો વિરોધ ચાલુ કરી દીધો. સક્સેનાએ આવતા વેંત જ લિકર પોલિસીનો અભ્યાસ કર્યો ને લિકર પૉલિસીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરી.
તેમણે જાહેર કરેલા રિપોર્ટમાં રીટેઈલ વેન્ડર્સને લાયસંસ ફી, પેનલ્ટી સહિત ૧૪૪ કરોડ રૂપિયાનો ગોટાળો કરી ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ છે. સિસોદિયાના કહેવાતા સાથીના ખાતામાં એક વેપારીએ એક કરોડ રૂપિયા જમા કરાવેલા. આ રકમ સિસોદિયા ખાઈ ગયા હોવાનો પણ દાવો છે. સક્ષમ સત્તાધીશોની મંજૂરી વિના ઘણા વિસ્તારોમાં શોપ ખોલી દેવાયાનો પણ આક્ષેપ છે. આ બધા મુદ્દાના આધારે સિસોદિયા સામે ફરિયાદ નોંધાઈ છે અને મની લોન્ડરિંગ સહિતની કલમો લગાડી દેવાઈ છે.
હાલ સીબીઆઈ અને ઇડીના પ્રારંભિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દારૂના ડીલરોના નફામાં ૯૮૯%નો વધારો થયો છે, જ્યારે સરકારની આવકમાં ઘટાડો થયો છે અને તેની વેટ અને એક્સાઇઝ ડ્યૂટી લગભગ ૯૯% ઘટી છે…સત્ય શું છે એ તો તપાસના અંતે ખબર પડશે પણ દેશ અને ગુજરાતની પ્રજામાં આ ઘટના ‘દારૂકાંડ’ સ્વરૂપે છપાઈ ગઈ.
સંપર્ક વિહોણા ૯ ધારાસભ્યો અને મનીષ સીસોદીયાના ઘરે દરોડા…આ બે મુદ્દા પર કેજરીવાલ લાલચોળ થયા છે અને અંદરખાને તેમના મનમાં ભય પણ પેસી ગયો છે કે હવે દિલ્હીમાંથી ટોપી અને ઝાડુના ઉઠમણાં થઈ ગયા છે. મહારાષ્ટ્રની જેમ ભાજપ સમય આવ્યે ટ્રમ્પ કાર્ડ ખોલશે. એટલે જ તો તેમણે મીડિયાને ખુલ્લેઆમ કહ્યું કે, ઓપરેશન લોટસ દ્વારા ભાજપ ચૂંટાયેલી રાજ્ય સરકારોના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ભેળવીને પક્ષપલટાની રમત રમી રહી છે.
છેલ્લાં ૩ વર્ષ દરમિયાન કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર તેના જ્વલંત ઉદાહરણ છે. આ તમામ રાજ્યોમાં કૉંગ્રેસ કે તેના ગઠબંધનની સરકારો હતી, પરંતુ દરેક જગ્યાએ સરકારો અકાળે પડી ગઈ અને ભાજપા સત્તા પર આવી. જેથી ઓપરેશન લોટસ ચલાવવાના કેજરીવાલના દાવાને પણ સંપૂર્ણપણે ફગાવી શકાય એમ નથી.
જો કે ભાજપ માટે દિલ્હી દૂર છે. ભાજપ છેલ્લાં ૨૨ વર્ષથી દિલ્હીની સત્તાથી દૂર છે. દિલ્હીમાં છેલ્લી વખત ભાજપ ૧૯૯૮માં માત્ર ૫૨ દિવસ માટે સત્તા પર આવી હતી અને એ સમયે દિવંગત સુષમા સ્વરાજ મુખ્યમંત્રી બન્યા હતા. પણ પૂર્ણ બહુમતીના અભાવે તેમણે રાજીનામું આપવું પડ્યું અને પછી તો કૉંગ્રેસનો જ સિક્કો યથાવત હતો. શીલા દીક્ષિત ૧૯૯૮થી ૨૦૧૩ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં.. પણ તેમની રૂઢિગત નીતિઓની અસર ચૂંટણીમાં પડી અને ૨૦૧૩માં આમ આદમી પાર્ટીનો ઉદય થયો ત્યારથી અરવિંદ કેજરીવાલ ૨૦૧૫ અને ૨૦૧૯માં જોરદાર જીત સાથે બે વાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે.
દિલ્હીમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બબ્બે વખત ભાજપે ૭માંથી ૭ સીટ જીતીને ‘આપ’ને ક્લીન સ્વીપ કરી છે. પણ વિધાનસભાની ચૂંટણીમાં તો ‘આપ’ને જ પૂર્ણ બહુમતી મળી.. હવે ગુજરાતની ચૂંટણી ૨૦૨૪નો રોડમેપ તૈયાર કરશે ત્યારે જોવાનું રહેશે કે દિલ્હીમાં કઈ સરકારને પૂર્ણ બહુમતી મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.