Homeટોપ ન્યૂઝમોદીએ જી-૨૦ના લોગો-થીમ- વેબસાઇટનું અનાવરણ કર્યું

મોદીએ જી-૨૦ના લોગો-થીમ- વેબસાઇટનું અનાવરણ કર્યું

નવી દિલ્હી: આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે ભારતને જી-૨૦ રાષ્ટ્રસમુહનું પ્રમુખપદ પ્રાપ્ત થાય એ સોનેરી અવસર અને ગર્વનો વિષય છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું. હાલ જી-૨૦ રાષ્ટ્રસમુહનું હાલનું પ્રમુખ ઇન્ડોનેશિયા ૧ ડિસેમ્બરે પ્રમુખપદનો અખત્યાર ભારતને સોંપશે. એ નિમિત્તે એક ઓનલાઇન ઇવેન્ટમાં ભારતની જી-૨૦ પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું પ્રકાશન કરતાં વડા પ્રધાને ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
વડા પ્રધાને પ્રાસંગિક વક્તવ્યમાં ભારતની વિકાસયાત્રા વર્ણવતાં જણાવ્યું હતું કે આઝાદી બાદ એક પછી એક સત્તા પર આવેલી તમામ સરકારોનું દેશને ઊંચાઈ પર લઈ જવામાં તેમની રીતે મહત્ત્વનું પ્રદાન છે. લોકતંત્રની સંસ્કૃતિ સ્થાપિત થાય ત્યારે ટકરાવ કે ઘર્ષણની શક્યતાઓ નાબૂદ થાય છે, એ બાબતનું નિદર્શન ભારત કરી શકે છે. સક્ષમ વિકાસમાં પ્રગતિ અને પ્રકૃતિ સહયોગાત્મક ધોરણે આગળ વધે છે. જી-૨૦ રાષ્ટ્રસમુહનું પ્રમુખપદ ભારત માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. આ હોદ્દો ભારત અને ભારતીયોની શાન વધારશે. દેશના જી-૨૦ પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટમાં અમારો સંદેશ તથા અમારી પ્રાથમિકતાઓ વ્યક્ત થાય છે.
આગામી ૧૫ અને ૧૬ નવેમ્બરે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી જી-૨૦ રાષ્ટ્રોની શિખર પરિષદમાં નરેન્દ્ર મોદી સહિત વિશ્ર્વના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. દુનિયાના મહત્ત્વપૂર્ણ એવા વિકસતા અને વિકસિત વીસ રાષ્ટ્રોની સરકારોના જી-૨૦ સંગઠનમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઑફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, ટર્કી, બ્રિટન અને યુરોપિયન યુનિયનનો સમાવેશ છે. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular