આશીર્વાદ: દિલ્હી પાસે ફરિદાબાદમાં એશિયામાં સૌથી મોટી અને અદ્યતન હૉસ્પિટલોમાંથી એક અમૃતા હૉસ્પિટલના ઉદ્ઘાટન વેળા સંતમાતા અમૃતાનંદમયીના આશીર્વાદ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર: પીટીઆઈ)

——-

ફરીદાબાદ/મોહાલી: વડા પ્રધાન મોદીએ બુધવારે હરિયાણાના ફરીદાબાદમાં અને પંજાબના મોહાલીમાં બે હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ફરીદાબાદમાં મોદીએ ૨૬૦૦ બેડ ધરાવતી ખાનગી હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. અદ્યતન અમૃતા હૉસ્પિટલ માતા અમૃતાનંદમયી મઠના નેજા હેઠળ છ વર્ષમાં તૈયાર થઈ છે. મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત એવો દેશ છે જ્યાં આરોગ્ય સેવા અને આધ્યાત્મિકતા પરસ્પર સંકળાયેલી છે. કોવિડ-૧૯ રોગચાળા વખતે આધ્યાત્મિકતા અને હેલ્થકેર વચ્ચે સફળ સંકલન જોવા મળ્યું હતું. વૅક્સિનેશન કવાયત વખતે કેટલાક લોકોએ નકારાત્મક પ્રચાર કર્યો હતો પણ આપણા આધ્યાત્મિક ગુરુઓએ સકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. તે પછી લોકો આગળ આવ્યા અને વિશ્ર્વની સૌથી મોટી વૅક્સિનેશન ઝુંબેશ સફળ બની શકી હતી તેવું મોદીએ કહ્યું હતું.
આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયીએ સ્ટેજ પર બેઠેલા વડા પ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરી હતી. મોદીએ કહ્યું કે અમૃતકાળની ‘પ્રથમ બેલા’ દરમિયાન દેશને માતા અમૃતાનંદમયીના આશીર્વાદોનું અમૃત મળી રહ્યું છે તે ખૂબ જ આનંદની વાત છે.
હરિયાણા ગવર્નર બી. દત્તાત્રેય અને મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સહિત અન્ય મહાનુભાવો લોકાર્પણ કાર્યક્રમમાં હાજર હતા. ખટ્ટરે કહ્યું કે આજે ન કેવળ હૉસ્પિટલનું લોકાર્પણ થઈ રહ્યું છે, પણ ગરીબો માટેનો સેવાયજ્ઞ પણ શરૂ થઈ રહ્યો છે. આ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ ૫૦૦ બેડ સાથે શરૂ કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં ૨૬૦૦ બેડ ધરાવતી ૮૧ સ્પેશિયાલિટી સાથેની દેશની અને દિલ્હી – એનસીઆરની સૌથી વિશાળ હૉસ્પિટલ બનશે.
ફરીદાબાદની હૉસ્પિટલના લોકાર્પણ પછી વડા પ્રધાન પંજાબના મોહાલીમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે હોમી ભાભા કૅન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.
મોહાલીના મુલ્લનપુરમાંની કૅન્સર હૉસ્પિટલના ઉદ્ઘાટન વખતે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હાજર હતા.
કેન્દ્ર સરકરના અણુઊર્જા વિભાગના નેજા હેઠળના ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા રૂપિયા ૬૬૦ કરોડના ખર્ચે હૉસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ હૉસ્પિટલમાં ૩૦૦ બેડ છે અને તેમાં એમઆરઆઈ, મેમોગ્રાફી, ડિજિટલ રેડિયોગ્રાફી જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ રહેેશે. પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા વિગેરે રાજ્યોના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.

Google search engine